Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

વિશ્વમાં ગાંજાના સેવનમાં દિલ્હી ત્રીજાઃ મુંબઇ છઠ્ઠા સ્થાને

કરાંચી આ લિસ્ટમાં બીજા નંબર પર છે. તો ૭૭.૪ મેટ્રિક ટનના વપરાશ સાથે ન્યૂયોર્ક શહેર પહેલા નંબર પર છે

નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં નશીલા પદાર્થોનું સેવન દિવસે ને દિવસે વધી રહ્યું છે. આજનું યુવાધન નશાને રવાડે ચડીને અંદરથી ખોખલું થતું જાય છે. આવા નશીલા પદાર્થોના સેવનમાં પણ ગાંજાનું સેવન છેલ્લા દ્યણા વર્ષોથી વધી ગયું છે. ગાંજાની ખેતીમાં પણ વધારો થયો છે. ભારત જેવા પ્રતિબંધિત દેશો અને તેમાંય ખાસ કરીને ગુજરાતમાં પણ અવારનવાર ગાંજાનો જથ્થો પકડાતો હોવાના સમાચારો બહાર આવતા રહે છે. ત્યારે સવાલ એ થાય કે, વિશ્વમાં સૌથી વધુ ગાંજાનું સેવન કયાં થતું હશે?

આ વૈશ્વિક લિસ્ટમાં દેશની રાજધાની દિલ્હી ત્રીજા નંબર અને દેશની આર્થિક રાજધાની ગણાતું મુંબઈ શહેર છઠ્ઠા ક્રમ પર છે, જે ચિંતાજનક બાબત કહી શકાય. ખેર, આ મામલે પડોશી દેશ પાકિસ્તાન ભારત કરતા પણ આગળ નીકળી ગયો છે. તેનું શહેર કરાંચી આ લિસ્ટમાં બીજા નંબર પર છે. તો ૭૭.૪ મેટ્રિક ટનના વપરાશ સાથે ન્યૂ યોર્ક શહેર પહેલા નંબર પર છે.

આ લિસ્ટમાં લોસ એન્જેલસ, કાહિરા, લંડન, શિકાગો, મોસ્કો, ટોરંટો જેવા શહેરોના નામ પણ સામેલ છે. આ રિપોર્ટ એક અભ્યાસને હેઠળ સામે આવ્યો છે. જર્મન કંપની એબીસીડીએ તૈયાર કરેલા આ રિપોર્ટમાં વર્ષ ૨૦૧૮ના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે. જર્મન કંપની ઈચ્છે છે કે, ગાંજાના સેવનને વિશ્વભરમાં કાયદેસર બનાવી દેવું જોઈએ

વિશ્વના ટોપ ૧૦ શહેરોનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં રાજધાની દિલ્હીમાં વર્ષ ૨૦૧૮માં ૩૮.૨ મેટ્રિક ટન ગાંજાના જથ્થાનો વપરાશ થયો હતો, જયારે મુંબઈમાં ૩૨.૪ મેટ્રિક ટન ગાંજાનો વપરાશ થયો હોવાનું યાદીમાં જણાવાયું છે.

સ્થળ

વપરાશ (મેટ્રિક ટન)

ન્યૂ યોર્ક

૭૭.૪

કરાચી

૪૨

નવી દિલ્હી

૩૮.૨

લોસ એન્જેલસ

૩૬

કાહિરા

૩૨.૬

મુંબઈ

૩૨.૪

લંડન

૩૧.૪

શિકાંગો

૨૪.૫

મોસ્કો

૨૨.૯

ટોરંટો

૨૨.૭

 કંપની ગાંજાના વપરાશ સંબંધિત અલગ અલગ પ્રકારના સર્વે કરે છે. કંપનીના અન્ય એક અભ્યાસ મુજબ, દિલ્હી અને મુંબઈમાં ગાંજાની કિંમત અન્ય દેશોની તુલનામાં સૌથી ઓછી છે. એક અભ્યાસ મુજબ, દિલ્હીમાં એક ગ્રામ ગાંજાની કિંમત લગભગ ૩૦૦ રૂપિયા, જયારે મુંબઈમાં આની કિંમત ૩૨૮ રૂપિયા પ્રતિ ગ્રામ છે.

અભ્યાસ મુજબ જો દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાં સરકાર આને કાયદેસરની મંજૂરી આપી દે તો મોટા પ્રમાણમાં આવક મેળવી શકાય તેમ છે. આ રિપોર્ટમાં જ કહેવામાં આવ્યું છે કે, જો ટોપ સિગરેટ પર લાગતો ટેકસ ગાંજા પર લગાવામાં આવે તો દિલ્હી સરકારને અંદાજે ૭૨૮ કરોડ રૂપિયાની આવક થઈ શકે છે. એવી જ રીતે મુંબઈમાં સરકારને ૬૪૧ કરોડની આવક થઈ શકે.

(10:27 am IST)