Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ચિન્મયાનંદના મામલામાં પેન ડ્રાઇવ શ્રેણીબદ્ધ રાજ ખોલશે

વિવાદાસ્પદ લીડર ચિન્મયાનંદની મુશ્કેલી વધી : દુષ્કર્મનો શિકાર થયેલી યુવતીની અનેક વખત પુછપરછ જ્યારે ચિન્મયાનંદની એક પણ વખત પુછપરછ થઈ નથી

શાહજહાંપુર,તા.૧૦ : પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને વિવાદાસ્પદ ભાજપ નેતા સ્વામી ચિન્મયાનંદના મામલામાં ઉત્તરપ્રદેશ પોલીસની એસઆઈટી દ્વારા કરવામાં આવી રહેલી લાંબી પુછપરછના લીધે પીડિત યુવતી અને તેના પરિવારના સભ્યો હચમચી ઉઠ્યા છે. પરિવારનો આક્ષેપ છે કે, એસઆઈટીની ટીમ પુછપરછની રીત ખુબ જ વાંધાજનક રહેલી છે. અપરાધીની જેમ પુછપરછ કરવામાં આવી રહી છે. એકબાજુ દુષ્કર્મનો શિકાર થયેલી પીડિતાની પુછપરછ થઇ રહી છે પરંતુ દુષ્કર્મના આરોપી અને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર સ્વામી ચિન્મયાનંદની એસઆઈટી દ્વારા એક પણ વખત પુછપરછ કરવામાં આવી નથી. એસઆઈટી દ્વારા પક્ષપાતી વલણ અપનાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ સમાચાર એવા પણ આવ્યા છે કે, ભાઈ બતાવનાર જે યુવકની સાથે પીડિતા રાજસ્થાનમાં પોલીસને મળી હતી તે શખ્સે એસઆઈટીને એક પેન ડ્રાઇવ સોંપી દીધી છે.

       નાનકડી પેન ડ્રાઇવના કારણે ચિન્મયાનંદની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. મામલામાં તપાસમાં લાગેલી એસઆઈટી ભલે કોઇ નિવેદન કરે પરંતુ ચિન્મયાનંદની ઉંઘ હરામ કરી દેનાર પીડિત યુવતી અને તેના ભાઈનો દાવો છે કે, જો એસઆઈટી દ્વારા ઇમાનદારીથી તપાસ કરવામાં આવશે તો પેન ડ્રાઇવમાં અનેક ચીજો રહેલી છે. પેન ડ્રાઇવ મારફતે ચિન્મયાનંદની મુશ્કેલી વધી રહી છે. યુવકે દાવો કર્યો હતો કે, આ પેન ડ્રાઇવમાં એક વિડિયો પણ છે. ચિન્મયાનંદનો અસલી ચહેરો શું છે તપાસમાં આ તમામ બાબતો સાબિત કરવા માટે પેન ડ્રાઇવ પુરતી છે. એસઆઈટી દ્વારા યુવકની ૧૦થી ૧૧ કલાક સુધી પુછપરછ કરવામાં આવી ચુકી છે. પુછપરછ બાદ એવું પણ જાણવા મળ્યું છે કે, સમગ્ર મામલાને લઇને પીડિત પરિવાર દ્વારા શરૂઆતથી જ શંકાની દ્રષ્ટિએ ઉત્તરપ્રદેશ પોલીસ જોઈ રહી છે. પોલીસ અને એસઆઈટી પેન ડ્રાઇવમાં કયા પ્રકારની માહિતી મેળવી શકે છે તેના ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇછે. એક વર્ષ સુધી જાતિય શોષણ કરવાનો આક્ષેપ ચિન્મયાનંદ ઉપર કરવામાં આવી ચુક્યો છે. આજે મંગળવારના દિવસે પીડિતાની હોસ્ટેલવાળા બંધ રુમને પણ એસઆઈટી ખોલી ચુકી છે. રુમની અંદર કંઇ મળ્યું છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ઉત્તરપ્રદેશના ડીજીપી ઓપી સિંહે કહ્યું છે કે, હજુ સુધી તેઓ કોઇ વાત કરવા માંગતા નથી.

ચિન્મયાનંદ કેસ........

*   ચિન્મયાનંદ કેસમાં ઉંડી તપાસનો દોર યથાવતરીતે જારી

*   પૂર્વ કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી સ્વામી ચિન્મયાનંદ મામલામાં કેટલીક ચોંકાવનારી વિગતો ખુલી શકે

*   પીડિત યુવતી અને તેના ભાઈનો દાવો છે કે, એસઆઈટી ઇમાનદારીથી તપાસ કરશે તો પેન ડ્રાઇવમાં ઘણી ચીજો છે

*   એસઆઈટી પીડિત યુવતીની અપરાધીની જેમ પુછપરછ કરી રહી છે પરંતુ ચિન્મયાનંદની એક પણ વખત હજુ સુધી પુછપરછ કરી નથી

*   પીડિતાના ભાઈ હોવાનો દાવો કરનાર યુવકે એસઆઈટીને પેન ડ્રાઇવ સોંપી દીધી છે

*   એસઆઈટી દ્વારા યુવકની પણ ૧૦થી ૧૧ કલાકની પુછપરછ

*   પીડિતાના હોસ્ટેલવાળા રુમને પણ ખોલી દીધા બાદ તપાસ

(12:00 am IST)