Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

લોકોના મૂળભૂત અધિકારોને કચડી નંખાયા છે : પાકિસ્તાન

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાને ખોટા આક્ષેપો કર્યા : ૬૦૦૦થી વધારે નેતા, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓને પકડી લેવામાં આવ્યા : અભૂતપૂર્વ નિયંત્રણો લાગૂ કરાયા

જિનીવા,તા.૧૦ : જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદથી હચમચી ઉઠેલા પાકિસ્તાને હવે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં પણ આ મુદ્દો જોરદારરીતે ઉઠાવ્યો છે. પાકિસ્તાને આજે ૧૧૫ પેજના જુઠ્ઠાણાના જંગી જથ્થાની સાથે રજૂ થઇને કેટલીક બાબતો રજૂ કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં આને મુદ્દો બનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ભારત પર આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીએ ભારત પર કાશ્મીરમાં માનવ અધિકારના ભંગનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, કાશ્મીર ભારતના આંતરિક મુદ્દા તરીકે નથી અને યુએનને આમા દરમિાયનગીરી કરવી જોઇએ. પાકિસ્તાનના આ પ્રકારના આડેધડ આક્ષેપો બાદ ભારતે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પાકિસ્તાનના વિદેશમંત્રીએ ભાજપના ઘોષણાપત્રનો પણ ઉલ્લેખ કર્યો હતો. કુરેશીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, કાશ્મીરમાં બળજબરીપૂર્વક મુસ્લિમોને લઘુમતિ બનાવવાના પ્રયાસ કરવામાં આવી ચુક્યા છે. કુરેશીએ એમ પણ કહ્યું હતું કે, કાશ્મીર ભારતના આંતરિક મુદ્દા તરીકે નથી. કાશ્મીરમાં હાલ કબ્રસ્તાન જેવી ખામોશી જેવો માહોલ છે.

          નરસંહારની સ્થિતિ જોવા મળી રહી છે. જમ્મુ કાશ્મીરના લોકોના મૂળભૂત અધિકારોને કચડી નાંખવામાં આવ્યા છે. ત્યાના લોકો સતત મૌલિક સ્વતંત્રતાના ઉલ્લંઘનનો શિકાર થઇ રહ્યા છે. કુરેશીએ કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં સાતથી ૧૦ લાખ જેટલી સેના છે. છેલ્લા છ સપ્તાહમાં ભારતે જમ્મુ કાશ્મીરને દુનિયાના સૌથી મોટા જેલખાના બનાવી દેવામાં સફળતા મેળવી છે. ત્યાં જરૂરી સેવાઓ પણ ઉપલબ્ધ નથી. કાશ્મીરમાં છ હજારથી વધારે નેતાઓ, સામાજિક કાર્યકરો અને વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત રમખાણોનો ઉલ્લેખ પણ પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યો હતો. કુરેશીએ કહ્યું હતું કે, દક્ષિણ એશિયામાં પરમાણુ યુદ્ધની શંકાઓને ટાળવાની જરૂર છે. પેલેટ ગનનો ઉપયોગ ખતમ કરવામાં આવે અને સંચારબંધી દૂર કરવામાં આવે તે જરૂરી છે. પોતાના દેશમાં માનવ અધિકાર ભંગના મામલામાં ખુબ પાછળ રહી ગયેલા પાકિસ્તાને કાશ્મીરમાં માનવ અધિકાર ભંગનો મુદ્દો ઉઠાવીને બિનજરૂરી ચર્ચા જગાવી છે. કુરેશીએ માંગ કરી હતી કે, ઓફિસ ઓફ હાઈકમિશનર, જમ્મુ કાશ્મીરની સ્થિતિઓની તપાસ કરવામાં આવે તે જરૂરી છે. માનવ અધિકાર સંગઠનો અને આંતરરાષ્ટ્રીય મિડિયાને કાશ્મીરમાં જવાની મંજુરી મળવી જોઇએ.

(12:00 am IST)