Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

પાકિસ્તાન : કુલસુમના જનાજામાં સામેલ થશે નવાઝ શરીફ અને તેમની પુત્રી : પેરોલ પર છોડવામાં આવશે

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પત્નીનું મંગળવારે લંડનમાં નિધન થયું હતું : નવાઝ, તેમની પુત્રી મરિયમ અને જમાઇ ભ્રષ્ટાચારના આરોપો હેઠળ અત્યારે જેલની સજા કાપી રહ્યા છે

લાહોર તા. ૧૨ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ, તેમની પુત્રી મરિયમ અને જમાઈ કેપ્ટન (સેવાનિવૃત્ત) મોહમ્મદ સફદરને બેગમ કુલસુમના જનાજામાં સામેલ થવા માટે પેરોલ આપવામાં આવશે. જિયો ટીવીએ પોતાના સમાચારમાં જણાવ્યું છે કે, નવાઝ શરીફનાં પત્ની કુલસુમના જનાજાની નામઝથી માંડીને દફનવિધી સુધી ત્રણેયને પેરોલ પર છોડવામાં આવશે. શરીફ પરિવારના આ ત્રણ સભ્ય અત્યારે અદિયાલા જેલમાં સજા કાપી રહ્યા છે. તેમને ભ્રષ્ટાચારના એક કેસમાં આ વર્ષે જુલાઈ મહિનામાં એક કોર્ટ દ્વારા દોષી ઠેરવાયા હતા. સૂત્રોએ જણાવ્યું કે, પેરોલ માટે કેદી તરફથી વિનંતી કરવાની જરૂર હોય છે.

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રદાન નવાઝ શરીફનાં પત્ની બેગમ કુલસુમ નવાઝનું મંગળવારે લાંબી બીમારી બાદ ૬૮ વર્ષની વયે લંડનમાં નિધન થયું હતું. કેટલાક મહિના પહેલાં તેમને ગળાનું કેન્સર હોવાનું નિદાન થયું હતું અને તેઓ લંડનમાં ઈલાજ કરાવી રહ્યા હતા. લંડનની હેરલી સ્ટ્રીટ કિલનિક ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્રાપ્ત માહિતી મુજબ બેગમ કુલસુમ આ કિલનિકમાં જુન, ૨૦૧૪થી ઈલાજ કરાવી રહ્યા હતા. જોકે, છેલ્લા કેટલાક મહિનાથી તેમની તબિયત વધુ બગડી હતી. તેમનાં ફેફસામાં ઈન્ફેકશન લાગી જતાં સોમવારે તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મુકવામાં આવ્યા હતા.

નવાઝ શરીફના પરિવારે જણાવ્યું કે, બેગમ કુલસુમની દફનવિધિ લંડનમાં નહીં પરંતુ પાકિસ્તાનમાં કરવામાં આવશે. બેગમ કુલસુમનો જન્મ ૧૯૫૦માં એક કાશ્મીરી પરિવારમાં થયો હતો અને નવાઝ શરીફ સાથે ૧૯૭૧માં તેમનાં લગ્ન થયા હતા. તેઓ નવાઝ શરીફને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવાયા બાદ એનએ-૧૨૦ ચૂંટણી વિસ્તારમાંથી પાકિસ્તાની સંસદમાં પણ ચૂંટાયા હતા. તેમણે લાહોરની ફોરમેન ક્રિશ્યન કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને પંજાબ યુનિવર્સિટીમાંથી ૧૯૭૦માં ઉર્દૂમાં માસ્ટર ડિગ્રી લીધી હતી.

વડા પ્રધાન ઈમરાન ખાને કુલસુમના નિધન પર શોક વ્યકત કરતા જણાવ્યું કે, તેમના પરિવારને કાયદા પ્રમાણે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. એક આધિકારિક નિવેદનમાં જણાવાયું છે કે, વડા પ્રધાને લંડનમાં પાકિસ્તાનના હાઈ કમિશનરને મૃતકના પરિવારને તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સુચના આપી છે.(૨૧.૬)

(11:57 am IST)