Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

૧૭મીથી સંઘની ‘લેકચર સીરીઝ': ૬૦ દેશોને આમંત્રણઃ પાકિસ્‍તાનની કરી છે બાદબાકી

ત્રણ દિવસ યોજાશે કાર્યક્રમઃ ભાગવત સીરીઝને સંબોધન કરશેઃ સવાલોના આપશે જવાબો

નવી દિલ્‍હી, તા. ૧૨ :. રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ રાજધાની દિલ્‍હીમાં આવતા અઠવાડીયે ત્રણ દિવસનો કાર્યક્રમ યોજી રહ્યો છે. આના માટે ૬૦ દેશોને આમંત્રણ અપાશે પણ પાકિસ્‍તાનને આમંત્રિત નહીં કરવામાં આવે. સંઘ પ્રમુખ મોહન ભાગવત્‌ આ લેકચર સિરીઝને સંબોધિત કરશે અને ઓડીયન્‍સમાંથી પણ સવાલો લેવામા આવશે. આ સાથે જ સંઘ દેશના રાષ્‍ટ્રીય અને સ્‍થાનિક પક્ષોને આમંત્રણ આપશે. રાજકીય પક્ષો ઉપરાંત ઉદ્યોગ, મીડીયા અને બીજા ક્ષેત્રોના પ્રતિનિધિઓને પણ આમંત્રિત કરવામાં આવશે.

સંઘના એક કાર્યકર્તાએ જણાવ્‍યુ કે, ‘પાકિસ્‍તાન સિવાયના મોટાભાગના એશીયન દેશોના દુતાવાસને આમંત્રણ મોકલાશે. આતંકવાદનું સમર્થન કરતો દેશ હોવાથી પાકિસ્‍તાનને આમંત્રણ નહીં મોકલાય તે સરહદ પર ભારતીય સૈનિકોને મારે છે. ભારત સાથે તેના સંબંધો તનાવપૂર્ણ છે. ચીની દુતાવાસને આમંત્રણ મોકલાશે કેમ કે ચીન અને ભારત વચ્‍ચે સાંસ્‍કૃતિક સમાનતા છે. જ્‍યારે પાકિસ્‍તાનને આમંત્રણ ન આપવા બાબતે પુછતા સંઘના દિલ્‍હી એકમના પ્રચારક પ્રમુખ રાજીવ તુલીએ કોઈ ટીપ્‍પણી કરવાની ના પાડી હતી.

૧૭ સપ્‍ટેમ્‍બરથી આ ત્રણ દિવસનો કાર્યક્રમ શરૂ થવાનો છે. જેમાં મોહન ભાગવત ભારતનું ભવિષ્‍યઃ એક આરએસએસ પરિપ્રેક્ષ્ય' ઉપર સંબોધન કરશે અને વાતચીત કરશે. આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરૂણકુમારે ૨૭ ઓગષ્‍ટે આ કાર્યક્રમની જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, ‘આજે ભારત દુનિયાના દેશો વચ્‍ચે પોતાની વિશેષ અને અદ્વિતીય સ્‍થિતિ હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. આ સાથે જ આરએસએસને એવુ લાગે છે કે રાષ્‍ટ્રીય મહત્‍વના અલગ અલગ મુદ્દાઓ પર સંઘનો દ્રષ્‍ટિકોણ જાણવાની સમાજના મોટા વર્ગોમાં ઉત્‍સુકતા વધી છે. લેકચર સીરીઝમાં મોહન ભાગવત તે ઉત્‍સુકતાઓ શાંત કરશે અને રાષ્‍ટ્રીય મહત્‍વના અલગ અલગ મુદ્દાઓ પર સંઘના વિચારો પ્રસ્‍તુત કરશે.'

(11:26 am IST)