Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

બેડ લોનના મૂળ ૨૦૦૬-૦૮માં: PMOને મોકલી'તી મોટા મગરમચ્‍છોની યાદીઃ એકપણની ધરપકડ ન થઇ

બેડ લોન વધવાનું કારણ વધુ પડતી આશાવાદી બેંકો, સરકારની ઢીલી નીતિ તથા દેશનો ધીમો વૃદ્વિદર છેઃ રાજન

નવી દિલ્‍હી, તા.૧૨: રિઝર્વ બેન્‍કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને સંસદીય સમિતિને સોંપેલા તેમના અહેવાલમાં કહ્યું છે કે તેમણે બેન્‍કો સાથે છેતરપિંડી કરનારાં મોટાં માથાંની યાદી PMOને મોકલી હતી, પરંતુ એ બાબતે પછીથી શું કરવામાં આવ્‍યું એની કોઇ જાણ તેમને નથી.

BJPના નેતા મુરલી મનોહર જોશીના વડપણ હેઠળની પેનલને સુપરત કરાયેલા અહેવાલમાં રાજને કહ્યું છે કે દેશમાં બેડ લોન વધવાનું મુખ્‍ય કારણ વધુ પડતી આશાવાદી બેન્‍કો, સરકારની ઢીલી નીતિ તથા દેશનો ધીમો વૃદ્વિદર છે. સરકારી બેન્‍કોમાં છેતરપિંડીનું કદ સતત વધી રહ્યું છે. જોકે નોન પર્ફોર્મિગ એસેટસ (NPA) ના કદની સામે એ હજી ઓછું છે.

રાજનના અહેવાલમાં જણાવ્‍યા મુજબ રિઝર્વ બેન્‍કે તેમના ગવર્નરપદ હેઠળના કાર્યકાળમાં છેતરપિંડીના કેસ પર દેખરેખ રાખવા માટે એક વિભાગની રચના કરી હતી. એકાદ-બે દગાખોરની સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે સંકલિતપણે કામ કરવાનો PMO ને અનુરોધ કરવામાં આવ્‍યો છે. આ બાબતે પછી શું થયું એની મને ખબર નથી. જોકે એના પર તાકીદે કામ થવું જરૂરી છે.

કમનસીબે દેશની સિસ્‍ટમ એકેય મોટા માથાને પકડવામાં સફળ નથી રહી, પરિણામે દગાખોરી બેરોકટોક ચાલી રહી છે એમ તેમણે કહ્યું છે.

રાજને કહ્યા મુજબ ઘણીબધી બેડ લોનનાં મૂળ ૨૦૦૬-૦૮માં રહેલાં છે. એ સમયે વૃદ્વિદર ઊંભો હતો અને અગાઉનાં વીજમથકો જેવાં ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર પ્રોજેકટસ સમયસર અને બજેટની અંદર પૂરા થયા હતા. બેન્‍કો આ જ ભૂલ કરે છે. એ ભૂતકાળના વૃદ્વિદર અને કામગીરી પર આધાર રાખીને લોન આપે છે. એ પ્રમોટરની ઇકિવટીને બદલે પ્રોજેકટ પર વધારે મદાર રાખે છે. અમુક કિસ્‍સામાં તો બેન્‍કોએ પ્રમોટરની ઇન્‍વેસ્‍ટમેન્‍ટ બેન્‍કે આપેલા પ્રોજેકટ-રિપોર્ટના આધારે લોન આપી હતી.

રાજને કહ્યા મુજબ કોલસાની ખાણની ફાળવણી બાબતે ઊઠેલી શંકા જેવી સુવહીવટની સમસ્‍યાઓને કારણે તથા તપાસ થવાના ડરને કારણે દિલ્‍હીમાં યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્‍સ અને નેશનલ ડેમોક્રેટિક અલાયન્‍સ બંન્‍નેએ સરકારમાં નિર્ણય લેવાની પ્રક્રિયા ધીમી પડી હતી.

રિઝર્વ બેન્‍ક NPA ને ઓળખી શકી નહીં. એવી ટીકાનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે જેમને પુરતી માહિતી નથી એવા લોકો ધડ-માથા વગરના દાવા કરે છે.

રાજને જણાવ્‍યું કે આ દરમિયાન બેંકોએ પણ ઘણી ભૂલ કરી. રાજને જણાવ્‍યું કે તેમણે પૂર્વ વિકાસ અને ભવિષ્‍યના પ્રદર્શન અને ખોટી ગણતરી કરી. તેઓ પ્રોજેક્‍ટમાં વધારે ભાગ લેવા ઈચ્‍છતા હતા. હકીકતમાં ઘણીવાર તેમણે પ્રમોટર્સના રોકાણ બેંકોના પ્રોજેક્‍ટ્‍સ રિપોર્ટના આધાર પર જ કોઈપણ તપાસ કર્યા વગર જ સાઈન કરી દીધા.

રાજને એક ઉદાહરણ આપતા જણાવ્‍યું કે એક પ્રમોટરે મને જણાવ્‍યું કે કેવી રીતે બેંકોએ તેની સામે ચેકબુક આપતા જણાવ્‍યું હતું કે તેઓ એ જણાવે કે તેમને કેટલું ઉધાર જોઈએ છીએ. રાજને જણાવ્‍યું કે આ પ્રકારના ફેઝમાં દુનિયાભરના ઘણા દેશોમાં આવી ભૂલ થઈ.

રાજને આ મામલે વધુ વાત કરતા જણાવ્‍યું કે દુર્ભાગ્‍યવશ વિકાસ હંમેશા અનુમાન અને અપેક્ષાઓ અનુસાર નથી થતો. મજબૂત વૈશ્વિક વિકાસ બાદ આર્થિક મંદી આવી અને આની અસર ભારત પર પણ પડી. રાજને જણાવ્‍યું કે ઘણા પ્રોજેક્‍ટ્‍સ માટે મજબૂત ડિમાંડ પ્રોજેક્‍શન અવ્‍યવહારિક હતી કારણ કે સ્‍થાનિક માંગણીઓમાં ઘટાડો થયો હતો.

રાજને જણાવ્‍યું કે નિતિરુપે બેંક અધિકારી અતિ આત્‍મવિશ્વાસુ બની ગયા હતા અને તેમણે સંભવતઃ આમાંથી કેટલીક લોન આપવા મામલે ખાસ્‍સી ઓછી તપાસ કરી હતી. ઘણી બેંકોએ સ્‍વતંત્ર રુપે આંકલન ન કર્યું અને એસબીઆઈ કેપ્‍સ અને આઈડીબીઆઈને તપાસની જવાબદારી સોંપાઈ. આ પ્રકારના આંકલનની આઉટસોર્સિંગ પ્રણાલીની કમજોરી છે.તો એનપીએમાં ફરીથી વૃદ્ધિ રોકવા માટે જરુરી પગલાઓને લઈને રઘુરામ રાજને સલાહ આપી કે સરકારી બેંકોમાં પ્રશાસન અને પ્રોજેક્‍ટ્‍સના આંકલન અને દેખરેખની પ્રક્રિયામાં સુધારો લાવવાની જરુરિયાત છે. તેમણે રિકવરી પ્રક્રિયાને મજબૂત બનાવવાના પક્ષમાં પણ વાત કરી.

(11:27 am IST)