Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

રશિયાની કોરોનાની રસી અંગે WHOએ કહ્યું પુરાવા આપો -રિસર્ચ જાહેર કરો: અમેરિકાને પણ જાગી શંકા

રસી બનાવવી અને તેને સાબિત કરવી અલગ વાતઃ અમેરિકાએ ઉઠવ્યો સવાલ

વોશિંગ્ટનઃ રશિયાએ વિશ્વની સૌપ્રથમ કોરોના રસી તૈયાર કરી લીધાનો દાવો કરવાની સાથે જ અનેક સવાલ ઊઠી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ રસીના પુરાવા માંગ્યા છે, તો અમેરિકાને પણ આ મામલે શંકા છે.

જો કે કોરોના રસી અંગે દાવો કર્યા બાદ રશિયાએ આખી વેબસાઇટ બનાવી લીધી છે. જેમાં વેક્સિન સાથે સંકળાયેલા તમામ અપડેટની સાથે તથ્યોની પણ માહિતી છે. પરંતુ અમેરિકી એક્સપર્ટે રશિયન રસી અંગે શંકા વ્યક્ત કરી છે.

વિશ્વભરમાં કોરોનાનો ફેલાવો વધવાની સાથે યુદ્ધના ધોરણે તેની રસી માટે પણ કામ ચાલી રહ્યું છે. રશિયાએ કોરોનાની રસી (Russia Covid-19 Vaccine)નો દાવો કર્યો. પરંતુ અમેરિકાને રશિયાના દાવા પર શંકા છે

. જાણીતા સંક્રમણ રોગ નિષ્ણાત અને પ્રમુખ ટ્રમ્પના સલાહકાર એન્થની ફાઉચીએ કહ્યું કે,મને એ વાતની શંકા છે કે કે આ રસી કોરોના વાઇરસ સામે કામ કરશે. કારણ કે વેક્સિન બનાવવી અને તેને સુરક્ષિત તેમજ અસરકારક સાબિક કરવું અલગ વાત છે.

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ પણ રશિયા પાસે રસી અંગેની તમામ માહિતી માગી છે. વૈશ્વિક સંસ્થાએ રશિયન સરકારને કોરોના રસી અંગેની તમામ રિસર્ચને જાહેર કરવાનું જણાવ્યું છે. સાથે વેક્સિન રજીસ્ટર્ડ કરાવતા પહેલાં તેના ક્લિનકલ ટ્રાયલ અંગે પણ કહ્યું છે

રશિયાએ કોરોના રસી સ્પૂતનિક-V (sputnik-V)ની જાહેરાત કરી દીધી છે. તેણે વિશ્વના 20 દેશોએ આ રસીના ઉત્પાદન માટે અરજી કરી હોવાનો દાવો પણ કર્યો છે. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ(RDIF)ના ચીફ કિરિલ દિમિત્રેવે કહ્યું કે લેટિન અમેરિકી, મધ્યપૂર્વ અને કેટલાક એશિયન દેશોએ રશિયન રસીની ડિમાન્ડ કરી છે. કેટલાક સાથે રશિયાની ડીલ ફાઇનલ પણ થઇ ગઇ હોવાનો દાવો પણ કર્યો છે. RDIFએ તેના માટે sputnikvaccine.com નામથી એક વેબસાઇટ પણ શરુ કરી દીધી છે. જેમાં રસી અંગેની માહિતી સાથે સવાલ-જવાબનું સેક્શન રાખવામાં આવ્યું છે.

 

(9:50 pm IST)