Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

BSNL દેશ માટે કલંક : કર્મચારીઓ ‘ગદ્દાર’, 85 હજાર લોકોને નોકરીમાંથી છૂટા કરાશે:ભાજપ સાંસદ હેગડેનું વિવાદી નિવેદન

વિપક્ષી પાર્ટી કોંગ્રેસે હેગડેના BSNL પર આપવામાં આવેલા નિવેદનની ટીકા કરી

નવી દિલ્હી: ભાજપના નેતા અનંતકુમાર હેગડેએ વધુ એક વિવાદી નિવેદન આપ્યું છે  અનંત કુમાર એક પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. આ વખતે તેમણે સરકારી ટેલિકૉમ કંપની BSNLના કર્મચારીઓને એન્ટી નેશનલ કહ્યાં છે.પોતાના સંસદીય વિસ્તારમાં આયોજિત એક કાર્યક્રમમાં હેગડેએ BSNLના કર્મચારીઓને ગદ્દાર કહ્યા હતા. આ કાર્યક્રમનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર કન્નડથી ભાજપ સાંસદ હેગડે આ વીડિયોમાં કહેતા સાંભળી શકાય છે કે,

“BSNL દેશ પર એક મોટુ કલંક છે. પૈસા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એક તૈયાર માર્કેટ આપવા છતાં BSNLના કર્મચારીઓ કામ કરવા તૈયાર નથી. જેનો એક માત્ર ઈલાજ ખાનગીકરણ છે. જે અમારી સરકાર કરશે. અમુક 85 હજાર લોકોને નોકરીમાંથી છૂટા કરવામાં આવશે અને પછી થોડા વધુ લોકોને નીકાળવામાં આવશે. ”

બીજી તરફ વિપક્ષી પાર્ટી કોંગ્રેસે હેગડેના BSNL પર આપવામાં આવેલા નિવેદનની ટીકા કરી છે.

આ વર્ષની શરૂઆતમાં જ અનંતકુમાર હેગડેએ મહાત્મા ગાંધીના સ્વતંત્રતા સંગ્રામને નાટક ગણાવ્યું હતું. જે મુદ્દે વિવાદ વકર્યો હતો, કોંગ્રેસે વડાપ્રધાન મોદી પાસે હેગડેના નિવેદન પર સ્પષ્ટતા કરવામાં માંગ ઉઠાવી હતી. જો કે બાદમાં હેગડેએ કહ્યું હતું કે, તેમનો સંકેત કોઈ રાજનીતિક પાર્ટી કે મહાત્મા ગાંધી તરફ નહતો.

જાન્યુઆરી 2019માં હેગડેએ કોંગ્રેસ નેતા દિનેશ ગુંડૂ રાવ માટે કહ્યું હતું કે, તે એવો શખ્સ છે, જે એક મુસ્લિમ મહિલા પાછળ ગયો હેગડેનો ઈશારો રાવની પત્ની તબસ્સૂમ તરફ હતો. અગાઉ હેગડે રાહુલ ગાંધીને હાઈબ્રિડ સ્પેસિમેન કહી ચૂક્યાં છે.

(6:34 pm IST)