Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

દેશના ૫ રાજયોમાં ભારે વરસાદ સાથે પૂરની સ્થિતિ સર્જાતા હાહાકારઃ કેરળમાં બાવનના મોત, ઉત્તરપ્રદેશમાં ૫૧૭ ગામડાઓમાં પુરઃ કેરળમાં ૧૫૦ વર્ષ જુનો ચર્ચ ધરાશાયીઃ ૬હજાર હેકટર ખેતીનો પાક બગડી ગયેલ કરોડોનું નુકશાન

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ અને પુરથી હાહાકાર મચી ગયો છે. રાજસ્થાનના જયપુરમાં ભારે તો દિલ્હીમાં અમુક વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડયો હતો. હવામાન વિભાગે કહ્યું છે કે દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. જયારે મુંબઈના દરિયાકિનારાના વિસ્તારોમાં ૧૫ ઓગષ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

કેરળમાં ઈડુકકી જિલ્લામાં ભૂસ્ખલનથી ગઈકાલે બાવન લોકોના મોત નિપજયા હતા. જયારે આસામ અને બિહારમાં પુરથી જનજીવન અસ્તવ્યવસ્ત બની ગયું છે.

દરમિયાન કેરળના ઈડુકકી જિલ્લામાં મુલ્લાપેરિયાર બંધમાં પાણીની સપાટી ૧૩૬.૮૫ ફૂટે પહોંચી ગઈ છે. કેરળના ૧૫૦ વર્ષ જુનો ચર્ચ ધરાશાયી બન્યો છે. ચોતરફ પાણી- પાણી જ છવાયા છે. કર્ણાટકમાં પણ પૂર અને ભૂસ્ખલનની ઘટનાથી ૧૬ લોકોના મોત થયા હતા.

બિહારમાં પૂરથી સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ૧૬ જિલ્લાના ૬૨ હજાર લોકો પ્રભાવીત થયા છે. મૃતકોનો આંકડો ૨૪એ પહોંચી ગયો છે. એકધારા વરસાદના પગલે બિહાર વિધાનસભાના  પરિસરમાં પણ પાણી ઘુસી ગયા હતા.

જયારે આસામમાં પણ જળ ભરાવની સ્થિતિ સર્જાઈ છે. ત્રણ જિલ્લામાં ૧૪ હજાર લોકો હજુ પણ પુરથી પ્રભાવિત થયા છે. આ વર્ષે આસામમાં પુર અને  ભૂસ્ખલનથી ૧૩૬ લોકોના મોત નિપજયા છે. ૮૯ ગામોમાં પાણી ભરાઈ ગયા છે. આશરે ૬ હજાર હેકટર ખેતીનો પાક બરબાદ થઈ ગયો છે.

રાજસ્થાનમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન અમુક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ ખાબકી ગયો છે. હજુ પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

જયારે ઉત્તરપ્રદેશના ૧૬ જિલ્લાના ૫૧૭ ગામડાઓમાં ભારે પુરથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બની ગયા છે.

(2:50 pm IST)