Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

દ્વિપક્ષીય મતભેદ ઉપર કોઇ વિવાદ થવા જોઇએ જ નહીં

ભારત-પાકિસ્તાન તંગદિલી ઉપર નજર : ચીન : વિદેશમંત્રી જયશંકર સાથે ચીની સમકક્ષની વિસ્તૃત ચર્ચા કલમ ૩૭૦ના મામલે ચીને હાથ ઉંચા કરતા પાકને ફટકો

નવી દિલ્હી, તા. ૧૨ : કાશ્મીર મામલા ઉપર ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર ખેંચતાણ જારી છે ત્યારે ચીનને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. બીજી બાજુ ચીને પણ જમ્મુ કાશ્મીરના મામલામાં પાકિસ્તાનને પરોક્ષરીતે ફટકો આપી દીધો છે. દ્વિપક્ષીય મતભેદો ઉપર વિવાદ થવા જોઇએ નહીં તેવી વાત ચીન દ્વારા કરવામાં આવી છે. ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે ભારતીય વિદેશ મંત્રી જયશંકરે આજે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન આજે જુદા જુદા વિષય ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ગાળા દરમિયાન મતભેદોને દૂર કરવાને લઇને પણ ચર્ચા થઇ હતી.

    ચીને કહ્યું હતું કે, ભારત અને ચીનની વચ્ચે જ્યારે તંગદિલી ઉપર તેમની નજર રહેલી છે. આની સાથે સાથે ચીને આ મામલામાં રચનાત્મક પ્રયાસ કરવાની પણ વાત કરી હતી. ચીનના નિવેદનને એકરીતે પાકિસ્તાન માટે મોટા ફટકા તરીકે ગણવામાં આવે છે. કાશ્મીર મામલાને લઇને હાલમાં જ પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેબુદ કુરેશીએ ચીનની યાત્રા કરી હતી. હકીકતમાં કાશ્મીરથી કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનને ચીન તરફથી કોઇ પ્રકારના કઠોર નિવેદનની અપેક્ષા દેખાઈ રહી હતી પરંતુ ચીને આ મામલાને દ્વિપક્ષીયરીતે ગણાવીને હાથ ઉંચા કરી દીધા છે.

     પોતાના પ્રવાસમાં વિદેશમંત્રી જયશંકરે ચીની વિદેશમંત્રી વાંગની સાથે સાથે ઉપરાષ્ટ્રપતિ વાંગ કિસાન સાથે પણ વાતચીત કરી છે. પ્રતિનિધિસ્તરની પણ વાતચીત થઇ છે. લાંબા સમય સુધી ચીનમાં રાજદૂત તરીકે રહી ચુકેલા જયશંકરનું સ્વાગત કરતા વાંગે કહ્યું હતું કે, ભારત અને ચીનના ક્ષેત્રિય શાંતિ અને સ્થિરતામાં ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. તેમણે એણ પણ કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનની સ્થિતિ પર તેમની નજર રહેલી છે. જયશંકરે વિદેશ સેવામાં રહીને ચીનમાં ઘણો સમય ગાળ્યો છે. તેમના સ્વાગતમાં ચીની મંત્રીએ કહ્યું હતું કે, ચીનમાં તેમની એન્ટ્રીનું અમે સ્વાગત કરીએ છીએ. વિતેલા વર્ષોમાં જયશંકર અનેક મોટા કામ કરી ચુક્યા છે. ચીનના વિદેશમંત્રીએ કહ્યું હતું કે, અમે વેપારી અસમતુલાને લઇને ભારતની ચિંતાઓને સમજીએ છીએ. ભારતને નિકાસમાં વધુ સુવિધાઓ આપવા માટે પણ તૈયાર છે. આની સાથે સાથે રોકાણ, ઔદ્યોગિક ઉત્પાદન, ટ્યુરિઝમ, સરહદ પારથી વેપાર, અન્ય ક્ષેત્રોમાં પણ સહકાર કરવા માટે ચીન ભારતની સાથે છે. ચીન અને પાકિસ્તાનની મિત્રતા હંમેશા જાણીતી રહી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન તરફી કોઇ નિવેદન ન કરીને ચીને પણ હાથ ઉંચા કરી દીધા છે. જયશંકરની ચીન યાત્રાને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.

(8:10 pm IST)