Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

૧૦ વાગ્યે નહિ ૯ વાગ્યે ખુલશે બેન્કોઃ સપ્ટેમ્બરથી અમલ !

સરકારી તથા પ્રાદેશિક ગ્રામિણ બેન્કોમાં આવતા મહિનાથી થવાનો છે નવો ફેરફારઃ બેન્કોને નિર્ણય લેવા ૩૧ ઓગષ્ટ સુધીનો સમય અપાયોઃ કુલ ૩ વિકલ્પ પ્રસ્તુત કરાયાઃ પ્રથમ ૯ થી ૩, બીજો ૧૦ થી ૪ અને ત્રીજો ૧૧ થી ૫: જિલ્લા સ્તરે ગ્રાહક સમન્વય સમિતિની બેઠકો યોજી સમય નક્કી કરવા બેન્કોને આદેશો

નવી દિલ્હી, તા. ૧૨ :. આવતા મહિનાથી ભારતની સરકારી બેન્કોમાં એક મોટો ફેરફાર આવી રહ્યો છે. જેની સીધી અસર બેન્કના ગ્રાહકો પર પડશે. આ ફેરફાર છે બેન્કોના કામકાજના સમયને લઈને. સંભવતઃ સપ્ટેમ્બર મહિનાથી બેન્કો ખુલવાનો સમય બદલાય જવાનો છે. જો કે નાણા મંત્રાલયે આ ફેરફારો માટે બેન્કોને વિચારવા માટે કહ્યુ છે. જેની અંતિમ તા. ૩૧ ઓગષ્ટ છે. જો સહમતી બની ગઈ તો આવતા મહિનાથી વર્કિંગ ટાઈમમાં ફેરફાર થઈ જશે. જેનો ફાયદો ગ્રામીણ વિસ્તારના લોકોને વધુ થશે.

નાણા મંત્રાલય તરફથી બેન્કોને એવુ પણ જણાવાયુ છે કે, બદલાવ બાદ ગ્રાહકોને સ્થાનિક અખબારો થકી જાણ કરવામાં આવે. જો કે આ ફેરફાર બાદ સીધી રીતે ગ્રાહકોને જ ફાયદો થવાનો છે. ખાસ કરીને જેઓ વર્કિંગ લોકો છે, કારણ કે મોટા ભાગના વર્કિંગ લોકોએ ૧૦ વાગ્યા સુધીમાં ઓફિસે પહોંચવાનુ હોય છે. એવામાં તેઓને બેન્કીંગ કામ નિપટાવવા માટે સમય મળતો નથી હોતો. નવો નિયમ જો લાગુ થઈ જાય તો તેનો ફાયદો ગ્રાહકોને થશે.

હાલ જાહેર ક્ષેત્રની બેન્કોમાં કામકાજનો સમય ૧૦ વાગ્યાનો જ છે. નાણા મંત્રાલયના બેન્કીંગ વિભાગે એવો નિર્ણય લીધો છે કે તમામ ગ્રામીણ અને સરકારી બેન્કો ૯ વાગ્યાથી ખુલી જાય આ માટે વિભાગે જૂન મહિનામાં એક બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં એવુ નક્કી કરવામાં આવ્યુ હતુ કે બેન્કોની શાખાઓ ગ્રાહકોની સુવિધાના હિસાબથી ખુલવી જોઈએ. આ દરમિયાન જ સમયના ફેરફારોને મંજુરી આપવામાં આવી હતી.

ઈન્ડીયન બેન્ક એસોસીએશને ૨૪ જૂનના રોજ ગ્રાહક સુવિધા પર રચેલી પેટા સમિતિની બેઠકમાં ૩ વિકલ્પો આપ્યા હતા. જેના પર અંતિમ નિર્ણય બેન્કોએ લેવાનો છે કે આમાથી કયો વિકલ્પ મંજુર કરવો ? પ્રથમ એ છે કે ૯ વાગ્યાથી લઈને બેન્કો સાંજે ૩ સુધી ચાલુ રહે, બીજો વિકલ્પ સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધીનો અને ત્રીજો વિકલ્પ સવારે ૧૧ થી ૫ વાગ્યા સુધીનો. આઈબીએ દ્વારા બેન્કોને જણાવાયુ છે કે ૩૧ ઓગષ્ટ સુધી જિલ્લા સ્તરે ગ્રાહક સમન્વય સમિતિની બેઠક યોજી સમય નક્કી કરી લ્યે અને તેની માહિતી અખબારોમાં પણ આપે.

દેશભરની બેન્કોના ખુલવાનો સમય એક સમાન કરવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો અમલ આવતા મહિનાથી થશે. જો કે જ્યાં ગ્રાહક મોડે સુધી બેન્કીંગ સેવા ઈચ્છે છે ત્યાં પહેલાની જેમ સવારે ૧૦ કે ૧૧ વાગ્યાથી બેન્ક ખોલવાનો વિકલ્પ રહેશે. ફેંસલો તમામ સરકારી બેન્કો અને પ્રાદેશિક ગ્રામીણ બેન્કો પર લાગુ થશે. નવો નિયમ સપ્ટેમ્બરથી અમલમાં આવવાની શકયતા છે.

(11:46 am IST)