Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

સોનિયા સામે પડકારોના પહાડો

નથી પહેલા જેવું સંગઠન કે નથી નેતાઓ

૧૯૯૮થી પણ ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે કોંગ્રેસ

નવી દિલ્હી, તા. ૧ર : વચગાળાના પ્રમુખ બન્યા પછી સોનિયા ગાંધી ાસમે કેટલાય પડકારો ઉભા છે પણ આ વખતના પડકારો ૧૯૯૮ની પરિસ્થિતિ કરતા પણ વધારે છે. ૧૯૯૮માં તેમણે પહેલીવાર કોંગ્રેસનું નેતૃત્વસંભાળ્યું હતું તે સમયે કોંગ્રેસ ભલે નબળી હતી પણ પક્ષમાં શરદ પવાર, નારાયણદત્ત તિવારી, માધવરાવ સિંધી, રાજેશ પાયલોટ, પ્રણવ મુખર્જી, અર્જુનસિંહ, વિલાસરાવ દેશમુખ, અશોક ગેહલોત, શીલા દિક્ષીત, વી.એન. ગાડગીલ, જયપાલ રેડ્ડી, શિવરાજ પાટીલ, શંકરસિંહ વાઘેલા, કલમનાથ, પ્રિયરંજન દાસમુનશી, મુરલી દેવરા જેવા અનુભવી, વરિષ્ઠ, જમીન સાથે જોડાયેલા જોરદાર નેતાઓની ફોજ હતી. આજે આમાંથી મોટાભાગના નેતાઓ કાંતો દુનિયામાં નથી અથવા સક્રિય રાજકારણથી દૂર છે.

હાલની કોંગ્રેસ પાસે આવા નેતાઓનો દુકાળ છે. ખરેખર તો કોંગ્રેસની સૌથી મોટી નબળાઇ અત્યારે જમીન સાથે જોડાયેલા નેતાઓ અને માસ લીડરની અછત છે. સોનિયા માટે આવી પરિસ્થિતિમાં હાલની ટીમ દ્વારા જ પક્ષમાં નવો પ્રાણફુંકવાનો પડકાર બહુ મોટો છે. સોનિયાએ જયારે પહેલીવાર કોંગ્રેસનું નેતૃત્વ સંભાળ્યું ત્યારે ભાજપા અટલબિહારી વાજપેયીના નેતૃત્વમાં સંઘર્ષ કરી રહયો હતો, જયારે આજે કોંગ્રેસ સામે જોરદાર બહુમતિ ધરાવતી એનડીએ સરકાર છે. ત્રણ તલાક અને કાશ્મીરમાં કલમ ૩૭૦ દૂર કરવા જેવા ખરડાઓ પસાર થયા પછી આત્મવિશ્વાસથી ભરેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા તાકાતવાન અને કરિશ્માવાળા નેતા છે.

કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશના મોટાભાગના રાજયોમાં ભગવો લહેરાવ્યા પછી ભાજપાની નજર અત્યારે મહારાષ્ટ્ર, હરિયાણા, અને ઝારખંડની આગામી વિધાનસભા ચૂંટણી પર છે.  અત્યારે ત્યાં ભાજપાની સરકાર જ છે અને ભાજપા પોતાનો ગઢ જાળવી રાખવાની પૂરી કોશિષ કરશે. ભાજપાએ લોકસભા ચૂંટણી પૂરી જતા જ આ રાજયોમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ચૂંટણી આડે હવે ૧૦૦ દિવસોનો સમય પણ ન હોવા છતાં કોંગ્રેસમાં હજી સળવળાટ પણ નથી દેખાતો નેતૃત્વના સંકટના કારણે આ ત્રણે રાજયોમાં કોંગ્રેસ અત્યંત નબળી જણાઇ રહી છે.

(11:43 am IST)