Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

જમ્મુ કાશ્મીરમાં ગોળીબાર અંગે હેવાલ બિલકુલ ખોટા

છેલ્લા છ દિવસમાં એક પણ ગોળી ચાલી નથી : રાહુલના ખીણમાં પરિસ્થિતિ ગંભીર હોવાના દાવાને જમ્મુ કાશ્મીર પોલીસે ફગાવ્યો : સાવચેતીના તમામ પગલાઓ

શ્રીનગર, તા. ૧૧ : જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ સ્થાનિક લોકોના વિરોધ પ્રદર્શન અને પોલીસ ગોળીબારની ઘટનાઓ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવ્યા બાદ હવે જમ્મુ કાશ્મીર પોલીસે પણ એવા અહેવાલને રદિયો આપ્યો છે કે, જમ્મુ કાશ્મીરમાં ગોળીબારના કોઇ બનાવ બન્યા છે. જમ્મુ કાશ્મીરના પોલીસ અધિકારીઓના કહેવા મુજબ છેલ્લા છ દિવસના ગાળામાં જમ્મુ કાશ્મીરમાં એક પણ ગોળી ચાલી નથી. ડીજીપી દિલબાગ સિંહે કહ્યું છે કે, પથ્થરબાજીની એક નાનકડી ઘટના સિવાય સમગ્ર જમ્મુ કાશ્મીરમાં કોઇપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બની નથી. સાથે સાથે પોલીસે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીના ખીણમાં સ્થિતિ ગંભીર હોવાના દાવાને પણ રદિયો આપ્યો હતો. દિલબાગસિંહે કહ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહથી ખીણમાં બિલકુલ શાંતિ પ્રવર્તી રહી છે. જમ્મુ કાશ્મીર પોલીસનું કહેવું છે કે, કાશ્મીર ખીણમાં પોલીસ ગોળીબાર સાથે સંબંધિત પ્રાયોજિત અને ઉશ્કેરણીજનક અહેવાલોને લઇને સામાન્ય લોકોએ વિશ્વાસકરવો જોઇએ નહીં. છેલ્લાછ દિવસમાં એક પણ ગોળી ચાલી નથી. તમામ વિસ્તારોમાં સંપૂર્ણ શાંતિ પ્રવર્તી રહી છે. સ્થાનિક લોકો મદદમાં ઉતરી આવ્યા છે. પોલીસ મહાનિર્દેશક દિલબાગસિંહે કહ્યું છે કે, પથ્થરમારાની એક ઘટના બની છે પરંતુ સ્થિતિને કાબૂમાં લઇ લેવામાં આવી છે.

         કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીના નિવેદન બાદ રાજ્યની સ્થિતિના સંદર્ભમાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, સ્થિતિ ચિંતાજનક છે. મોદી અને કેન્દ્ર સરકાર ઉપર રાહુલે આક્ષેપ કર્યા હતા. જમ્મુ કાશ્મીરમાં શું થઇ રહ્યું છે તે અંગે માહિતી આપવા બંનેને રાહુલે કહ્યું હતું. ગાંધીના નિવેદનને મિનિટો બાદ જ શ્રીનગર પોલીસ તરફથી ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી કે, ખીણમાં સ્થિતિ બિલકુલ સામાન્ય છે. કોઇપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બની નથી.

(12:00 am IST)