Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

કોંગ્રેસ ગાંધી પરિવારમાંથી બહાર નિકળવામાં ફ્લોપ

અઢી મહિનાની કવાયત આધારવગરની રહી : આગામી પ્રમુખ નહેરુ-ગાંધી પરિવારમાંથી નહીં રહે તેવા રાહુલ ગાંધીના દાવાઓ આખરે પોકળ પુરવાર : નિષ્ણાતો

નવી દિલ્હી, તા. ૧૧ : કોંગ્રેસ પ્રમુખ તરીકે સોનિયા ગાંધીની ફરી એકવાર નિમણૂંક કરવામાં આવ્યા બાદ પરિવારવાદને લઇને કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર ચર્ચામાં છે. મોટાભાગના જાણકાર રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે, કોંગ્રેસની એકતાનું કેન્દ્રબિંદુ હજુ પણ ગાંધી પરિવાર જ છે. સોનિયા ગાંધીને પાર્ટી પ્રમુખ બનાવી દેવામાં આવ્યા બાદ આ બાબત સાબિત થઇ ગઇ છે. કોંગ્રેસમાં હજુ પણ ગાંધી પરિવાર જ તમામને સાથે રાખવામાં સક્ષમ છે તે બાબત પુરવાર થઇ ગઇ છે. રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધું હતું. ત્યારબાદથી રાહુલ કહી રહ્યા હતા કે પાર્ટીના આગામી પ્રમુખ નહેરુ ગાંધી પરિવારના રહેશે નહીં. અઢી મહિના સુધી વિકલ્પને લઇને ચકાસણી કરવામાં આવ્યા બાદ ફરી ગાંધી પરિવાર પાસે જ આવવાની ફરજ પડી છે.

        આ વખતે રાહુલ ગાંધીની માતા સોનિયા ગાંધીને કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ગાંધી પરિવારમાંથી કોંગ્રેસ પાર્ટી બહાર નિકળી રહી નથી. કોંગ્રેસી નેતાઓનું કહેવું છે કે, સોનિયા ગાંધીને કહેવામાં આવી ચુક્યું છે કે, કોઇપણ અન્ય નામ ઉપર સર્વસંમતિ થઇ રહી નથી. અધ્યક્ષ પદની સ્પર્ધામાં અનેક મોટા નામ હતા પરંતુ સોનિયા ગાંધી ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. યુવા નેતાઓને જવાબદારી નહીં મળતા દેશના કોંગ્રેસ સમર્પિત લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે પણ કોઇ યુવા ચહેરાને પાર્ટી પ્રમુખ બનાવવાની તરફેણ કરી હતી પરંતુ આ રજૂઆત થઇ શકી નથી. થોડાક મહિનાઓમાં ઝારખંડ, મહારાષ્ટ્ર, હરિયાણા અને દિલ્હીમાં ચૂંટણી યોજાનાર છે. આવી સ્થિતિમાં કોંગ્રેસમાં સંગઠનની ચૂંટણી મોડેથી યોજાશે. વચગાળાના પ્રમુખ તરીકે સોનિયા ગાંધી એક વર્ષ સુધી પાર્ટી પ્રમુખ તરીકે રહેશે.

(12:00 am IST)