Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા ટૂંકમાં વિવિધ પગલા જાહેર

જીએસટી રેટમાં કાપની દરખાસ્ત તૈયાર થઇ નથી : ઓટો ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવેલી માંગ તરફ હાલમાં ધ્યાન નહીં અપાય : જુદા જુદા ક્ષેત્ર માટે પેકેજ જાહેર થશે

નવી દિલ્હી, તા. ૧૧ : શેરબજારમાં તથા ઉદ્યોગ જગતમાં હાલમાં પ્રવર્તી રહેલી મંદીને દૂર કરવા માટે સરકાર ઝડપથી આગળ વધી રહી છે. અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા સરકાર જુદી જુદી અડચણોને દૂર કરવા માટે ઇચ્છુક છે. ગ્રોથને વેગ આપવા અર્થતંત્રમાં ચિંતાના પરિબળોને દૂર કરાશે. સાથે સાથે સેક્ટરોમાં પ્રોડક્ટીવીટીને વધારવા માટે ફંડની ઉપલબ્ધતાને સરળ કરવામાં આવશે. આ સંદર્ભમાં વ્યૂહરચના તૈયાર કરવામાં આવી રહી છે જેમાં કેટલાક એવા પાસા પણ છે જેની માંગ કરવામાં આવી રહી છે. નિષ્ણાતોના કહેવા મુજબ જીએસટી રેટમાં ઘટાડો કરવા માટે સરકાર હજુ પણ તૈયાર દેખાઈ રહી નથી. સરકાર માને છે કે,

              ભૂતકાળની સરખામણીમાં ટેક્સ પહેલાથી જ ઓછા છે. નાણામંત્રાલય દ્વારા જે પગલા લેવામાં આવી શકે છે તેમાં ઇન્ડસ્ટ્રી ચેમ્બર્સ, બેંકર્સ, વિદેશી અને સ્થાનિક રોકાણકારો દ્વારા કરવામાં આવી રહેલી માંગને ધ્યાનમાં લઇને પગલા લેવામાં આવશે. સરકાર દ્વારા વર્તમાન નાણાંકીય વર્ષ માટે સાત ટકાનો ગ્રોથરેટ નક્કી કર્યો છે. આ દિશામાં આગળ વધવા માટે નવી પહેલ પણ કરવામાં આવી શકે છે. જીએસટી વસુલાતમાં ચૂંટણીના ગાળા દરમિયાન પણ પ્રથમ ત્રિમાસિક ગાળામાં નવ ટકાનો વધારો થયો હતો જ્યારે એપેક્ષ કરવેરામાં ૧૨.૯ ટકાનો વધારો થયો હતો. આ ત્રિમાસિક ગાળામાં કોર્પોરેટ ટેક્સ વસુલાતમાં સ્થિર સ્થિતિ રહી હતી. ૧૩.૩ ટકાનો ગ્રોથરેટ રહ્યો હતો. જ્યાં સુધી જીએસટી રેવેન્યુ વસુલાતની વાત છે સરેરાશ વસુલાતનો આંકડો ઔદ્યોગિક પ્રવૃત્તિમાં મંદી રહી હોવા છતાં ત્રિમાસિક ગાળામાં એક લાખ કરોડની આસપાસનો રહ્યો છે. જીએસટી વસુલાતનો આંકડો એપ્રિલના મહિનામાં ૧.૧૩ લાખ કરોડ રૂપિયાનો રહ્યો હતો જે પરોક્ષ કરવેરા વ્યવસ્થા પહેલી જુલાઈ ૨૦૧૭ના દિવસે અમલી કરવામાં આવ્યા બાદથી સૌથી વધુ રહી છે.

           જ્યાં સુધી જીએસટી વસુલાતની વાત છે આંકડામાં સુધારો થઇ રહ્યો છે. જુલાઈ ૨૦૧૯માં વસુલાતનો આંકડો વધ્યો હતો. સુત્રોએ કહ્યું છે કે, જીએસટી વસુલાતમાં સુધારા માટે હજુ પણ વ્યાપક અવકાશની સ્થિતિ રહેલી છે. છ મહિનાથી પણ વધુ ગાળો નાણાંકીય વર્ષની પૂર્ણાહૂતિ આડે રહેલો છે ત્યારે વસુલાત વધી શકે છે. ટેક્સ પ્રક્રિયા વધુ સરળ કરીને વસુલાતને વધારવામાં આવી શકે છે. ગ્રોથ ટાર્ગેટને હાંસલ કરવા માટેની બાબત વધારે મુશ્કેલ દેખાઈ રહી નથી. પ્રથમ ત્રિમાસિક જીએસટી વસુલાત ખુબ જ ઉલ્લેખનીય રહી છે. જીેએસટી રેટ કાપની માંગણી ઓટો ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવી રહી છે. આ સંદર્ભમાં સરકાર માને છે કે રેટ પહેલાથી જ ઓછા છે છતાં ટેક્સ રેટમાં ઘટાડા માટે અવકાશ રહેલો છે પરંતુ હાલ ઘટાડો કરાશે નહીં.

(12:00 am IST)