Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

૩૭૦ની નાબૂદી પાછળ સંઘનો જ હાથ છે : ઇમરાનનો આક્ષેપ

ઇમરાનના આક્ષેપોને સંઘ-ભાજપનો સ્પષ્ટ રદિયો : વિશ્વમાં આતંક ફેલાવનાર પાકિસ્તાન ૩૭૦ની નાબૂદીથી એટલા હદ સુધી પરેશાન છે તે બાબત નિવેદનથી પુરવાર

નવી દિલ્હી, તા. ૧૧ : જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી બાદ હચમચી ઉઠેલા અને પરેશાન થયેલા પાકિસ્તાને દુનિયાભરમાંથી સહાનુભૂતિ મેળવવાના પ્રયાસો કર્યા હોવા છતાં કોઇ રાહત નહીં મળતા હવે સંઘ ઉપર પણ પ્રહારો કર્યા છે. પાકિસ્તાનને દુનિયાના કોઇ દેશ હાલમાં ભાવ આપી રહ્યા નથી. હવે ટ્વિટ કરીને દુનિયાભરના દેશોને કાશ્મીરના મામલામાં દરમિયાનગીરી કરવાની ઇમરાને વાત કરી છે. રશિયા, અમેરિકા અને ચીન જેવા દેશો તરફથી કોઇ ભાવ ન મળ્યા બાદ ઇમરાન ખાને હવે સંઘ ઉપર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ઇમરાન ખાને ટ્વિટ કરીને કહ્યું છે કે, સંઘની નાજી વિચારધારાના પરિણામ સ્વરુપે કાશ્મીરમાં કર્ફ્યુ જેવી સ્થિતિ રહેલી છે. ઇમરાનની ટિપ્પણી બાદ ભાજપના નેતા રામમાધવે કહ્યું છે કે, આનાથી જાણી શકાય છે કે, દુનિયાભરમાં આતંકવાદને ફેલાવનાર પાકિસ્તાન કેટલી હદ સુધી પરેશાન છે. દુનિયા પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદથી પરેશાન છે.

          ભારત તરફથી તેને કોઇ ખતરો નથી. અમે જીણાની બે રાષ્ટ્ર અને શેખ અબ્દુલ્લાની ત્રણ રાષ્ટ્રની થિયોરીને ફગાવી ચુક્યા છે. પાકિસ્તાનમાં ધાર્મિક અતિવાદને ખતમ કરવા માટે ઇમરાન ખાનને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. ઇમરાન ખાને કહ્યું છે કે, કાશ્મીરની ડેમોગ્રાફીને બદલી કાઢવા માટે જાતિય હિંસાનો સહારો લેવામાં આવી રહ્યો છે. વૈશ્વિક સમુદાયને આ અંગે આગળ આવવા ઇમરાન ખાને કહ્યું હતું. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દૂર કરવા માટે સંઘને જવાબદાર ઠેરવીને ઇમરાને કહ્યું છે કે, સંઘની વિચારધારા હિન્દુ શ્રેષ્ઠતાની છે. નાજી આર્યન શ્રેષ્ઠતાની જેમ જ જમ્મુ કાશ્મીરમાં પણ આવી વ્યવસ્થા લાગૂ કરવાની તૈયારી છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને અગાઉ સંસદમાં નિવેદન કરતા કહ્યું હતું કે, સંઘ હિન્દુ રાષ્ટ્રની સ્થાપના માટે કામ કરી રહ્યું છે.

(12:00 am IST)