Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

જમ્મુ કાશ્મીર : લોકોના ઘર સુધી ઉપયોગી વસ્તુ પહોંચી

શાકભાજી, ગેસ, ચિકન, ઇંડા પહોંચાડાયા : લોકોને કોઇપણ તકલીફ ન પડે તે માટે આયોજન : ઇદના દિવસે એકબીજા સાથે લોકો વાત કરી શકે તે માટે વ્યવસ્થા

નવી દિલ્હી, તા. ૧૧ : ઇદ ઉલ અજાહાથી પહેલા જમ્મુ કાશ્મીર સરકાર લોકોને દરેક પ્રકારની સુવિધા આપવામાં લાગેલી છે. કલમ ૩૭૦ની નાબૂદી થયા બાદ જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુઓ લોકોના ઘર સુધી પહોંચાડવામાં વ્યસ્ત છે. સરકારી વાહનો દ્વારા લોકોના ઘર સુધી શાકભાજી, એલપીજી, ચિકન, ઇંડા પહોંચાડવામાં આવી રહ્યા છે. સરકારે તમામ જરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક જમા કર્યો છે. સરકારની પાસે આશરે ૬૫ દિવસ સુધી ચાલે તેટલા પ્રમાણમાં ઘઉંનો જથ્થો, ૫૫ દિવસ સુધી ચાલે તેટલા પ્રમાણમાં ચોખાનો જથ્થો, ૧૭ દિવસ સુધી ચાલે તેટલા પ્રમાણમાં મીટનો જથ્થો અને એક મહિના સુધી ચાલે તેટલા પ્રમાણમાં ચીકનનો જથ્થો રહેલો છે. એક મહિના સુધી ચાલે તેટલા પ્રમાણમાં એલપીજી અને ૨૮ દિવસ સુધી ચાલે તેટલા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો રહેલો છે. ઇદને લઇને આશરે ૩૦૦ ટેલિફોન બૂથ બનાવવામાં આવ્યા છે જેના મારફતે સામાન્ય લોકો પોતાના સંબંધીઓ સાથે વાતચીત કરી શકશે. કાશ્મીર ખીણમાં સ્થિત પોતાના પરિવારો સાથે વાતચીત કરાવવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બકરી ઇદને લઇને આજે બજારમાં ભીડ જામી હતી. રામબાણ અને કિસ્તવાર જિલ્લાઓમાં ભારે ખરીદી થઇ હતી. બેકરી, પોલ્ટ્રી અને મટનની દુકાનો ખુલ્લી રહી હતી.

      આ ઉપરાંત શ્રીનગર શહેરમાં વાહન વ્યવહાર પણ સામાન્ય છે. રાજ્યપાલ સત્યપાલ મલિકે ઇદના એક દિવસ પહેલા લોકોને શુભેચ્છા પાઠવી છે. રજાઓમાં પણ બેંકની સુવિધા આપવામાં આવી રહી છે. એટીએમ યોગ્યરીતે કામ કરી રહ્યા છે. એટીએમમાં પુરતા પ્રમાણમાં નાણા મુકવામાં આવી રહ્યા છે. તમામ કર્મચારીઓના વેતન અને અન્ય સુવિધાઓ આપી દેવામાં આવી છે. જીપી ફંડ, પેન્શન અને ગ્રેજ્યુએટીની ચુકવણી કરવામાં આવી રહી છે.

(12:00 am IST)