Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

જમ્મુ કાશ્મીરમાંથી ત્રાસવાદનો પૂર્ણ ખાત્મો કરાશે : અમિત શાહ

કલમ ૩૭૦થી કાશ્મીરને ક્યારે કોઇ ફાયદો થયો ન હતો : અમિત શાહ : રાજ્યસભામાં કલમ ૩૭૦ મુદ્દા ઉપર ભારે હોબાળો થવાનો ભય હતો જેથી પહેલા બિલ રાજ્યસભામાં રજૂ : કલમને દૂર કરવાને લઇ દુવિધાઓ ન હતી

ચેન્નાઈ, તા. ૧૧ : જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ની નાબૂદી બાદ રાજ્યમાં સામાન્ય સ્થિતિ સ્થાપિત થઇ રહી છે. કેન્દ્ર સરકારના આ ઐતિહાસિક નિર્ણય ઉપર કેન્દ્રીયમંત્રી અમિત શાહે આજે કહ્યું હતું કે, કલમ ૩૭૦થી કાશ્મીરને ક્યારે પણ કોઇ ફાયદો થયો ન હતો. કલમ ૩૭૦ને ખુબ પહેલા ખતમ કરી દેવાની જરૂર હતી પરંતુ આ કલમને હિંમતપુર્વક દૂર કરી શકાય ન હતી. મોદી સરકારે આ હિંમત દર્શાવીને કલમ ૩૭૦ને દૂર કરી દીધી છે. અમિત શાહે કહ્યું હતું કે, રાજ્યસભામાં તેમને બિલને લઇને ધાંધલ ધમાલનો ભય હતો જેથી રાજ્યસભામાં પહેલા આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. ચેન્નાઈમાં રાજ્યસભાા અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પર પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું હતું કે, ગૃહમંત્રીના રુપમાં કલમ ૩૭૦ને દૂર કરવાને લઇને નિર્ણય લેતી વેળા તેમના મનમાં કોઇપણ અસમંજસની સ્થિતિ ન હતી. કાશ્મીર પર શું અસર થશે તેને લઇને પણ કોઇ ચિંતા નહતી. સરકાર પહેલાથી જ માની રહી હતી કે, કાશ્મીરમાં ખુશાલી આવશે અને લોકોના જીવન ધોરણમાં સુધારો થશે. જમ્મુ કાશ્મીર વધારે વિકસિત થઇને આગળ આવશે. કાશ્મીરમાંથી આતંકવાદનો ખાત્મો થશે. વિકાસના માર્ગ ઉપર ખીણમાં પ્રગતિ થશે. શાહે નાયડુનો આભાર વ્યક્ત કરતા કહ્યં હતું કે, રાજ્યસભામાં અમારી પૂર્ણ બહુમતિ નથી જેથી અમે નિર્ણય લઇ ચુક્યા હતા કે, પહેલા રાજ્યસભામાં જ આ બિલને રજૂ કરવામાં આવશે. ત્યારબાદ લોકસભામાં રજૂ કરવામાં આવશે. વેંકૈયા નાયડુએ રાજ્યસભાના ગૌરવને નીચે જવા દીધું નથી. શાહે એમ પણ કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાંથી હવે આતંકવાદ ખતમ થશે. પાંચમી ઓગસ્ટના દિવસે કેન્દ્રીયમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની કલમ એકને બાદ કરતા તમામ કલમોને દૂર કરવાની ભલામણ કરી હતી. સાથે સાથે જમ્મુ કાશ્મીર અને લડાખને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજિત કરવાની જાહેરાત કરી હતી. આને લઇને ફેરરચના બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ લોકસભા અને રાજ્યસભા બંને જગ્યાએ પાસ થઇ ચુક્યું છે.

            રાજ્યસભામાં કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હોવા છતાં આ બિલ પાસ થઇ ગયું હતું. કલમ ૩૭૦ પર થયેલા ઐતિહાસિક નિર્ણય બાદ કાશ્મીર ખીણમાં સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ હળવી બની રહી છે. મિડિયા સાથે વાતચીત કરતા રાજ્યપોલીસના એડીજી એસજેએમ ગિલાનીએ કહ્યું છે કે, સ્થિતિમાં સુધારાને ધ્યાનમાં લઇને કર્ફ્યુમાં રાહત આપવામાં આવી રહી છે.  કલમ ૩૭૦ની નાબૂદી બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલને મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે. લોકોમાં આત્મવિશ્વાસ જગાવવા અજિત દોભાલ સતત જમ્મુ કાશ્મીરમાં નજરે પડી રહ્યા છે. અજિત દોભાલે સૌથી પહેલા સોપિયનનમાં અને ત્યારબાદ અનંતનાગમાં લોકોની વચ્ચે રહીને કલમ ૩૭૦ની નાબૂદીના સંદર્ભમાં લોકો સાથે વાત કરી હતી. આ કલમની નાબૂદી બાદ રાજ્યમાં કઇરીતે વિકાસ થશે તેને લઇને પણ માહિતી લોકોને આપી હતી. રાજ્યના લોકોના હિતમાં નિર્ણય કરાયો હોવાની માહિતી પણ આપી હતી.

(12:00 am IST)