Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

પુરગ્રસ્ત વાયનાડમાં થોડાક દિવસ રહેવા રાહુલ ઇચ્છુક

રાહત કેમ્પોમાં જઇ પુરતી માહિતી પણ મેળવશે : કેરળના વાયનાડને પોતાના સાંસદ રાહુલનો સાથ મળ્યો

વાયનાડ, તા. ૧૧ : ભારે વરસાદ અને પુરનો સામનો કરી રહેલા કેરળના વાયનાડને પોતાના સાંસદ અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનો સાથ મળી ગયો છે. ક્ષેત્રમાંથી સાંસદ રાહુલ ગાંધીએ થોડાક દિવસ સુધી પોતાના સંસદીય વિસ્તાર વાયનાડમાં રહેવાનો નિર્ણય કર્યો છે. આ ગાળા દરમિયાન રાહુલ ગાંધી રાહત કેમ્પોમાં જશે અને અસરગ્રસ્ત લોકો માટે બનતી તમામ મદદ મેળવવાના પ્રયાસ કરશે. સાથે સાથે રાજ્ય સરકાર તરફથી પુરથી રાહત અને બચાવ કામગીરી માટે લેવામાં આવી રહેલા પગલાઓની સમીક્ષા પણ કરશે. રાહુલ ગાંધીએ આજે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. પુરથી સંઘર્ષ કરી રહેલા વાયનાડને લઇને રાહુલ ગાંધી ઉપર છેલ્લા કેટલાક દિવસથી જોરદાર પ્રહારો કરવામાં આવી ચુક્યા છે. ગુરુવારના દિવસે ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, તેઓ વાયનાડ જવા ઇચ્છુક છે પરંતુ અધિકારીઓએ મંજુરી આપી નથી. અધિકારીઓનું કહેવું છે કે, ત્યાં જવાથી રાહત કામગીરીમાં અડચણો આવી શકે છે.

         આજે ટ્વિટ કરીને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓ આવનાર કેટલાક દિવસ સુધી પોતાના લોકસભા ક્ષેત્રમાં રહેશે. તેઓએ ટ્વિટમાં લખ્યું છે કે, વાયનાડમાં પુરના કારણે હાલત કફોડી બનેલી છે. આવી સ્થિતિમાં થોડાક દિવસ સુધી ત્યાં જ રોકાશે. બચાવ અને રાહત કામગીરીમાં મદદરુપ થવા પ્રયાસ કરશે. રાહત કેમ્પોમાં જશે. પહેલા જ દિવસથી ટ્વિટ કરીને રાહુલ ગાંધીએ કહ્યું છે કે, સ્થાનિક વહીવટીતંત્રએ પુર પીડિતોની મદદ કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસ કરવા જોઇએ. કોંગ્રેસ કારોબારીની હાલમાં જ બેઠક યોજાઈ હતી. કોંગ્રેસના પ્રમુખ તરીકે સોનિયા ગાંધીની ફરી એકવાર નિમણૂંક કરવામાં આવી ચુકી છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી હવે વધારે સક્રિય રહીને કામગીરી અદા કરવા માટે ઇચ્છુક દેખાઈ રહ્યા છે. વાયનાડમાં તેમની હાજરીથી તંત્ર પર દબાણ રહેશે.

(12:00 am IST)