Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

ઉત્તરપ્રદેશમાં દર શનિ-રવિ બજારો-ઓફિસો બંધ રહેશે :કોરોનાને લઇ યોગી સરકારનો મોટો નિર્ણય

આવશ્યક સેવાઓ ચાલુ જ રહેશે: ટીમ ઇલેવનની બેઠકમાં લેવાયો નિર્ણય

નવી દિલ્હીઃ સમગ્ર દેશ અને રાજ્યોમાં કોરોનાનાં વધતા સંક્રમણને લઈને યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશ સરકાર કોરોના વાયરસનાં સંક્રમણ સામે ઝઝૂમવા માટે નવા પ્લાન પર કામ કરી રહી છે. હવેથી કોરોના સંક્રમણને રોકવા યૂપીમાં દરેક સપ્તાહે વીકેન્ડ લોકડાઉન લાગશે. રાજ્યમાં દર સપ્તાહે શનિવાર અને રવિવારનાં રોજ લોકડાઉન લાગુ રહેશે. તમામ બજાર અને ઓફિસો બંધ રહેશે.રાજ્યમાં તમામ બજારો અને ઓફિસો માત્ર પાંચ દિવસ જ ખુલશે

 અત્રે ઉલેલ્ખનીય છે કે ગયા શુક્રવારે રાતથી જ સોમવાર સવારે 5 વાગ્યા સુધી અહીં 55 કલાકનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ નિયમ આવનારા સમયમાં પણ ચાલુ રહેશે. બે દિવસ દરમિયાન આવશ્યક તમામ સેવાઓ ચાલુ રહેશે એમ પણ જણાવાયું છે.

 મુખ્ય સચિવ રાજેન્દ્ર તિવારીએ શુક્રવારનાં રોજ (10 જુલાઇ) ની રાત્રીએ 10 વાગ્યાથી સોમવારનાં રોજ (13 જુલાઇ) નાં સવારનાં 5 વાગ્યા સુધી લોકડાઉનનો આદેશ રજૂ કર્યો હતો. ત્યારથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે વીકેન્ડ પર લોકડાઉન લગાવવાનો આ પ્લાન લાંબો ચાલશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ટ્વિટ કરીને તેનાં સંકેત આપ્યાં હતાં.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે વીકેન્ડ પર લોકડાઉન લગાવવાનો આ નિર્ણય CM યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં થયેલી ટીમ ઇલેવનની બેઠકમાં લેવામાં આવ્યો હતો. કોરોના સંક્રમણનાં વધતા જતા કેસને જોતા થયેલા ટ્રાન્સમિશન ચેનને તોડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં 1403 કેસ સામે આવ્યાં છે. અહીં સંક્રમિતોની સંખ્યા 35,092 એ પહોંચી છે. જ્યારે 913 લોકોનાં મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 11490 છે. ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા હાલમાં 22689 પહોંચી છે.

સરકારે હાલમાં 55 કલાકનું લોકડાઉન લાગુ કર્યું છે. સોમવારથી ફરીથી બધુ જ અનલૉક થઇ જશે. સરકારની એવી ઈચ્છા છે કે 55 કલાકનાં આ લોકડાઉનથી સંક્રમણની અસર ઘટે. જો સંક્રમિત દર્દીઓમાં ઘટાડો થશે તો આ વ્યવસ્થા આગળ પણ તાત્કાલિક રીતે ચાલુ રાખવામાં આવશે.

(5:22 pm IST)