Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

દક્ષિણ આફ્રિકાના ચર્ચમાં ગનમેન દ્વારા હુમલો કરતા પાંચ લોકોના મોત : કેટલાક ઘાયલ

હુમલાખોરો વાહનમાં આવી અંધાધુંધ ગોળીબાર કરી પલાયન થઇ ગયા

જોહાનિસબર્ગ, : દક્ષિણ આફ્રિકામાં એક ચર્ચ પર ગનમેન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા. ગનમેને અચાનક જ ચર્ચ પર ગોળીબાર કરી દીધો હતો. જેને પગલે ત્યાં હાજર પૈકી પાંચ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે અનેક લોકોને ઇજા પહોંચી છે.

ઝુરબેકોમમાં આવેલા ઇન્ટરનેશનલ પેંટેકોસ્ટલ હોલીનેસ ચર્ચમાં આ હુમલો કરાયો હતો, જેમાં આશરે 200 જેટલા લોકોને બંધક પણ બનાવવામાં આવ્યા હતા. જોકે પોલીસે હેમખેમ આ લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લીધા હતા.

હુમલાખોરો એક વાહનમાં આવ્યા હતા અને અચાનક અંધાધુંધ ગોળીબાર કરી દીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ચર્ચની બહાર જ ચાર લોકોને એક વાહનમાં ગોળી મારી સળગાવી દેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક કારમાંથી સિક્યોરિટી ગાર્ડનો મૃતદેહ મળી આવ્યો છે જેને પણ ગોળી મારવામાં આવી હતી.

જ્યારે છ લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ સમગ્ર મામલે આશરે 41 લોકોની ધરપકડ કરી હતી. ચર્ચના લોકોમાં જ બે ફાટા પડી ગયા હોઇ શકે છે અને તેમાંથી એક ગુ્રપ દ્વારા આ હુમલો કરી દેવામાં આવ્યો હોવાની શક્યતાઓ છે.

(1:31 pm IST)