Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

ગેંગસ્ટર વિકાસ દૂબે દ્વારા કાનપુરમાં ૮ પોલીસ કર્મચારીના મોતની તપાસ માટે સીટની રચના : ૩૧ મી સુધીમાં રિપોર્ટ આપવા તાકીદ કરાઇ

સીટના અધ્યક્ષ રહેશે ઉત્તરપ્રદેશના અગ્ર મુખ્ય સચિવ સંજય ભૂસ રેડ્ડી

લખનઉ: ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં 2 જુલાઈની રાત્રે થયેલી અથડામણની તપાસ કરવા માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT)નું ગઠન કર્યું છે. અહીંના બિકરુ ગામમાં થયેલા શુટઆઉટમાં કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે અને તેના સાથીઓએ 8 પોલીસ કર્મચારીઓની હત્યા કરી દીધી હતી. જેના એક સપ્તાહ બાદ વિકાસ દુબેને પણ પોલીસે એક એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે.

SIT ઉત્તર પ્રદેશના અગ્ર મુખ્ય સચિવ સંજય ભૂસરેડ્ડીની અધ્યક્ષતામાં બની છે. ADG હરિરામ શર્મા અને DIG જે રવિન્દ્ર ગૌડ પણ તેના સભ્ય છે. જેમને 31 જુલાઈ સુધી તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ સોંપવાનો છે. આ SIT 8 પોલીસ કર્મચારીઓની મોત સાથે સંકળાયેલા તમામ તથ્યો, વિકાસ દુબેને સુરક્ષા પૂરી પાડનારા લોકો અને પોલીસ કર્મચારીઓ સાથેના તેના સબંધોની પણ તપાસ કરશે.

આજણાવી દઈએ કે, વિકાસ દુબેને મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ઉજ્જૈનમાં ધરપકડ થયા બાદ વિકાસ દુબેને કાનપુર લાવવામાં આવી રહ્યો હતો, જ્યાં STFની કારને અકસ્માત નડ્યો હતો. જે બાદ વિકાસ દુબેએ પોલીસ જાપ્તામાંથી ફરાર થવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન એન્કાઉન્ટરમાં પોલીસના હાથે તે મોતને ભેટ્યો હતો. આ સિવાય અન્ય એન્કાઉન્ટરમાં વિકાસના સાગરિત અમર દુબે સહિત અન્ય 5 આરોપીઓના પણ મોત થઈ ચૂક્યા છે.

(11:50 am IST)