Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

માનહાનિ કેસમાં રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજર : જામીન મળ્યા

મેટ્રો કોર્ટે રૂપિયા ૧૫ હજારના જામીન મંજૂર કર્યા : તમને ગુનો કબૂલ છે તેવા પ્રશ્ન બાદ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે, તેમને ગુનો કબૂલ નથી : રાહુલ ગાંધીના કોર્ટના ચક્કરો

અમદાવાદ, તા.૧૨ : અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા બદનક્ષી અને માનહાનિ અંગેની દાખલ કરાયેલી અલગ-અલગ ફરિયાદના કેસમાં  કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદેથી તાજેતરમાં રાજીનામું આપનાર રાહુલ ગાંધી આજે અમદાવાદ શહેરની ઘીકાંટા સ્થિત મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેમના નિષ્ણાત વકીલો સાથે હાજર રહ્યા હતા. જેમાં કોર્ટે રાહુલ ગાંધીની પ્લી રેકોર્ડ કરી હતી અને કેટલાક સવાલો પૂછયા હતા. જેના જવાબમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, તેઓ આ કેસમાં કોઇપણ રીતે દોષિત નથી. કોર્ટ કાર્યવાહીને અંતે રાહુલ ગાંધીએ જામીન માટે અરજી કરી હતી. ન્યાયાધીશે રૂ.૧૫ હજારના બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યા હતા. રાહુલ ગાંધીના જામીન  માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ  અમિત ચાવડા જામીનદાર બન્યા હતા. હવે આ કેસની વધુ સુનાવણી તા.૭ સપ્ટેમ્બરે હાથ ધરાશે. કોર્ટ કાર્યવાહી બાદ રાહુલ કોર્ટ સંકુલથી સર્કિટ હાઉસ પહોંચ્યા હતા.અગાઉ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા બદનક્ષી અને માનહાનિ અંગેની દાખલ કરાયેલી અલગ-અલગ ફરિયાદના કેસમાં મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધી, રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સૂરજેવાલા વિરૂધ્ધ સમન્સ જારી કર્યું હતું. જેના અનુસંધાનમાં આજે રાહુલ ગાંધી કોંગ્રેસના સેંકડો કાર્યકરો અને આગેવાનોની હાજરીમાં નિષ્ણાત વકીલો સાથે મેટ્રોપોલીટન કોર્ટમાં હાજર થયા હતા. રાહુલ ગાંધી અદાલત સમક્ષ હાજર થતાં મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ દ્વારા તેમની પ્લી રેકોર્ડ કરવામાં આવી હતી. કોર્ટે પૃચ્છા કરી હતી કે, શું તમને આ કેસના દસ્તાવેજો અને જરૂરી કોપીઓ મળી ગઇ છે, જેના જવાબમાં રાહુલ ગાંધીએ હા જણાવ્યું હતું. દરમ્યાન કોર્ટે પૂછયું હતું કે, શું તમને ફરિયાદમાં જે આરોપ લગાવવામાં આવ્યો છે તે ગુનો કબૂલ છે, જેથી રાહુલ ગાંધીએ પ્રત્યુત્તર આપતાં સ્પષ્ટ કર્યું કે, તેઓ કોઇપણ રીતે આ કેસમાં દોષિત નથી અને તેમને ગુનો કબૂલ નથી. રાહુલ ગાંધીની પ્લી રેકોર્ડ થયા બાદ સીઆરપીસીની કલમ-૪૩૬ હેઠળ રાહુલ ગાંધી તરફથી જામીન અરજી કરવામાં આવી હતી. જેમાં કોર્ટે રૂ.૧૫ હજારના પર્સનલ બોન્ડ પર તેમના જામીન મંજૂર કર્યા હતા.

એડીસી બેંક તરફથી શું મુદ્દા ઉઠાવાયા હતા....

અમદાવાદ, તા. ૧૨ : એડીસી બેંકના ચેરમેન તરફથી એડવોકેટ અજીતસિંહ જાડેજાએ ફરિયાદમાં અગાઉ મહત્વની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, નોટબંધી દરમ્યાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સૂરજેવાલા દ્વારા પત્રકાર પરિષદ કરી અમિત શાહ અને એડીસી બેંક વિરૂધ્ધ નોટબંધી દરમ્યાન પાંચ જ દિવસમાં રૂ.૭૪૫ કરોડ બદલાયા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. બંને નેતાઓના આ પ્રકારના વિવાદીત નિવેદનોને લઇ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકની છબી ખરડાઇ છે અને વર્ષો જૂની તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. ખાસ કરીને થાપણદારો-ખાતેદારોના મનમાં એડીસી બેંકના મજબૂત વિશ્વાસને ધક્કો લાગ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓના બેજવાબદાર અને પાયાવિહોણા નિવેદનો અને વાતોને લઇ એડીસી બેંકને ભારે નુકસાન થયુ હતું. આ સંજોગોમાં કોર્ટે કોંગ્રેસના બંને રાષ્ટ્રીય નેતાઓ વિરૂધ્ધ કાયદાનુસાર કાર્યવાહી હાથ ધરી બદનક્ષીની કાર્યવાહી કરવી જોઇએ.

ભીડને પગલે કોર્ટરૂમ બંધ કરવો પડ્યો......

વકીલોનો જમાવડો જોવા મળ્યો

         અમદાવાદ, તા. ૧૨ : માનહાનિના કેસમાં રાહુલની હાજરીને પગલે કોંગ્રેસના કાર્યકરોની ભીડથી આખો કોર્ટરૂમ ભરાઈ ગયો હતો. જેને પગલે કોર્ટરૂમને અંદરથી બંધ કરવામાં આવ્યો હતો. રાહુલની સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અહમદ પટેલ, અર્જુન મોઢવાડીયા, રાજીવ સાતવ, અમિત ચાવડા કોર્ટમાં હાજર રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ એરપોર્ટથી લઇને અમદાવાદ મેટ્રો કોર્ટ સુધી રાહુલનું સ્વાગત કર્યુ હતું. રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થવાના હોવાને પગલે એસપીજીની ટીમે મેટ્રો કોર્ટના છઠ્ઠા માળે સુરક્ષાની ભારે ચકાસણી કરી હતી. મેટ્રો પોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટ નં-૧૩ના  જજ એમ.બી.મુનશીની સમક્ષ રાહુલ હાજર થયા હોઇ હાઇકોર્ટના સિનિયર એડવોકેટ્સ પંકજ ચાંપાનેરી, બાબુ માંગુકિયા સહિતના કોંગ્રેસની કોર કમિટીના વકીલોનો કોર્ટની રૂમમાં જમાવડો થઇ ગયો હતો.

(8:20 pm IST)
  • એર કેનેડાની ૨૮૪ મુસાફરો સાથેની ફલાઈટનું હોનાલુલુમાં ઈમરજન્સી લેન્ડીંગઃ ૩૫ યાત્રીકો ઘાયલ : એયર કેનેડાની ફલાઈટનું ખરાબ હવામાનના કારણે ઈમરજન્સી લેન્ડિંગઃ ૩૫ યાત્રીઓ ઘાયલઃ એયર કેનેડાની ફલાઈટનું હોનોલુલુમાં ઈમરજન્સી લેન્ડિંગઃ ટોરેન્ટોથી સિડની જતી ફલાઈટ AC 22માં ખરાબ હવામાને કારણે લેન્ડિંગ access_time 3:23 pm IST

  • જેડીએસનો આરોપ :સ્પીકર ઓફિસ પાસે હંગામો કરવા માટે ધારાસભ્યોને ઉશ્કેરે છે ભાજપના નેતા : જેડીએસના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક વિડિઓ જાહેર કર્યો :જેમાં એવો આક્ષેપ કરાયો કે ભાજપના નેતા સ્પીકરની ઓફિસ પાસે હંગામો કરવા ધારાસભ્યોને ભડકાવે છે access_time 1:07 am IST

  • આકાશમાં આફત :માંડ માંડ બચ્યો 284 લોકોનો જીવ : એયર કેનેડાની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ :35 યાત્રીઓ ઘાયલ :એયર કેનેડાની ફ્લાઇટનું હોનોલુલુમાં ઇમરજન્સી લેન્ડિંગ :ટોરેન્ટોથી સિડની જતી ફ્લાઈટ AC 22માં ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ ;:વિમાનમાં સવાર 35 લોકોને ઇજા access_time 12:50 am IST