Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

શિરડીની દીવાલ પર દેખાઈ સાંઈબાબાની આકૃતિઃ દર્શન કરવા ભકતોની ભીડ જામી

મંગળવારે રાત્રે ૧૧.૩૦ના રોજ આરતી થઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી

શિરડી, તા.૧૨: અત્યારે શિરડીમાં સાંઈબાબાના હજારો ભકતોની ભીડ જામી છે, કારણ છે કથિત ચમત્કાર. ચર્ચા મુજબ શિરડીમાં સાંઈબાબાની સમાધિ નજીક આવેલા દ્વારકામાઈની દીવાલ પર સાંઈબાબાની આકૃતિ દેખાઈ છે. રિપોર્ટ્સ અનુસાર મંગળવારે રાત્રે ૧૧.૩૦ના રોજ આરતી થઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી.

આરતીમાં હાજર બાબાના અનેક ભકતોએ દાવો કર્યો કે તેમને દીવાલ પર સાંઈબાબાની આછી આકૃતિ દેખાઈ હતી. દ્વારકામાઈ એ જગ્યા છે જયાં બાબાએ તેમના જીવનનો ઘણો સમય વીતાવ્યો હતો.

ભકતોનું કહેવું છે કે સાંઈ બાબા આ આકૃતિમાં હસતા જોવા મળ્યા હતા. દીવાલ પર થોડા સમય માટે આ આકૃતિ રહી હતી અને પછી ઓઝલ થઈ ગઈ હતી. આ બીજી વાર એવુ બન્યું છે જયારે દ્વારકામાઈ મંદિરની દીવાલ પર બાબાની આકૃતિ દેખાઈ હોય. બુધવારથી મંદિર ખુલ્લુ રાખવામાં આવ્યું છે અને હજારો ભકતોએ બાબાના આશીર્વાદ લીધા છે. ભકતોનું માનવું છે કે દયાળુ બાબાએ પોતે ભકતોને દર્શન આપ્યા છે. દિલ્હીથી આવેલા એક ભકતે પણ દાવો કર્યો કે તેણે બાબાની આકૃતિ દીવાલ પર જોઈ હતી.

ઉલ્લેખનીય છે કે શિરડી સાંઈબાબાનું મંદિર આખા દેશના સૌથી લોકપ્રિય મંદિરોમાંનું એક છે અને વર્ષે લાખો ભકતો અહીં બાબાના દર્શન માટે આવે છે.

(3:21 pm IST)