Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

વિશ્વ કપ ક્રિકેટ

ભારત ''આઉટ'' થતા ટીવી એડના ભાવ તળિયે

જાહેરાતના ભાવ ૫૦ ટકા સુધી ઘટી ગયાઃ ૧૦ સેકન્ડની એડના ભાવ ૩૦-૩૫ લાખ હતા જે હવે ૧૦-૧૫ લાખ થઇ ગયા

નવી દિલ્હી તા ૧૨ :  છેલ્લી ક્ષણોમાં બુક કરાવનારા જાહેરાતદાતાઓને વિશ્વકપ ફાઇનલમાં વધારે કિંમત નહીં આપવી પડે. બુધવારે પહેલા સેમીફાઇનલમાં ભારતની ન્યુઝીલેન્ડ સામે  થયેલી હાર પછી જાહેરાતના દરોમાં પ૦ ટકાનો ઘટાડો બોલી ગયો છે. જાણકારો અનુસાર  ફાઇનલ માટે ૧૦ ટકા સ્લોટ હજી પણ ઉપલબ્ધ  છે, જેના માટે સ્ટાર ટીવી ૧૦ થી ૧૫ લાખ પ્રતિ ૧૦ સેકન્ડની કિંમત માંગે છે. ગયા અઠવાડિયે ચેનલ ૧૦ સેકન્ડની જાહેરાત માટે ૩૦ થી ૩૫ રૂપિયા માંગી રહી હતી. ફાઇનલ મુકાબલામાં જાહેરાત દ્વારા કંપનીને ૧૦૦ થી ૧૫૦ કરોડ રૂપિયાની કમાણી થવાનો અંદાજ છે. ફાઇનલ મુકાબલો ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે થવાનો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૬ જુને રમાયેલ મેચમાં છેલ્લી ઘડીએ પોતાની જાહેરાત આપનાર બ્રાંડે ૧૦ સેકન્ડના સ્લોટ માટે ૨૫ લાખ ચુકવવા પડયા હતા. સુત્રો અનુસાર  ગયા અઠવાડીયે સેમીફાઇનલ અને ફાઇનલ માટે સ્ટારના જાહેરાત દરો એ અનુમાન પર આધારીત હતા કે, ભારત ફાઇનલમાં પહોંચશે. સ્ટાર માટે કમાણીનો એ છેલ્લો મોકો હતો, કેમ કે વરસાદના કારણે ટુર્નામેન્ટને અસર થઇ હતી અને તેની અસર જાહેરાતની આવક પર પણ થઇ હતી. આ ટુર્નામેન્ટમાં ચાર મેચ વરસાદના કારણે નહોતા રમાયા, મંગળવારે વરસાદને કારણે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો મેચ બે દિવસ રમાયો હતો. સ્ટાર ક્રિકેટ વિશ્વકપ દરમ્યાન ટેલિવિઝન અને ડિજીટલ મીડીયા દ્વારા ૧૮૦૦ કરોડ કમાવાની આશા રાખતું હતું. પણ વરસાદથી મેચ ધોવાવા તથા ફાઇનલમાં ભારત ન હોવાના કારણે તેને ૧૫૦૦ થી ૧૬૦૦ કરોડ રૂપિયાજ મળશે.

(11:31 am IST)