Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

મોકાણના સમાચાર...આવતા બે સપ્તાહમાં સરેરાશથી પણ ઓછો વરસાદ પડશે

ભારતીય હવામાન ખાતાનું હૃદયને આંચકો આપે તેવુ પૂર્વાનુમાન જાહેરઃ સોયાબીન અને કપાસની ખેતીવાળા મધ્ય અને પશ્ચિમ ક્ષેત્રમાં સૌથી ઓછો વરસાદ પડશેઃ વરસાદની અછતને કારણે ખરીફ પાકના ઉત્પાદન ઉપર પ્રતિકૂળ અસર પડે તેવી શકયતાઃ મેઘરાજા રીસાઈ જવાના કારણે લોકોના કપાળ ઉપર ચિંતાની લકીરો

નવી દિલ્હી, તા. ૧૨ :. આવતા બે સપ્તાહ દરમિયાન સરેરાશથી પણ ઓછો વરસાદ થવાનુ પૂર્વાનુમાન જણાવવામાં આવ્યુ છે. આ દરમિયાન વરસાદની સૌથી વધુ ઘટ સોયાબીન અને કપાસની ખેતીવાળા મધ્ય અને પશ્ચિમ ક્ષેત્રમાં જોવા મળશે. હવામાન વિભાગના અધિકારીએ આ માહિતી આપી છે. હવામાન ખાતાએ વરસાદના રૂસણાને લઈને પાકના ઉત્પાદન પર પણ માઠી અસર પડવાની સંભાવના વ્યકત કરી છે.

ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી ચોમાસાનો વરસાદ ખેડૂતો માટે આશિર્વાદરૂપ હોય છે એટલુ નહિ તે અર્થતંત્ર માટે પણ મહત્વનો હોય છે. દેશમાં ૫૫ ટકા ખેતી યોગ્ય ભૂમિ પરની કૃષિ ચોમાસા પર આધારીત હોય છે. જ્યારે લગભગ ૨.૫ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થામાં કૃષિક્ષેત્રનું યોગદાન લગભગ ૧૫ ટકા છે.

ભારતીય હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યુ છે કે, દેશના મધ્ય અને પશ્ચિમ ક્ષેત્રમાં આવતા બે સપ્તાહ દરમિયાન ઓછો વરસાદ પડશે જો કે પૂર્વોત્તર અને હિમાલય ક્ષેત્રમાં વધુ વરસાદ પડશે. એસએમસી કોમટ્રેડના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસીડેન્ટ વંદના ભારતીએ કહ્યુ છે કે આવતા બે સપ્તાહ ઘણા મહત્વના છે. આ દરમિયાન વરસાદની અછતથી ખરીફ પાકના ઉત્પાદન પર પ્રતિકુળ અસર પડી શકે છે. અત્રે નોંધનીય છે કે સતત પાંચ સપ્તાહના વિરામ બાદ ૧૦ જુલાઈએ સમાપ્ત થયેલા સપ્તાહમાં સરેરાશથી ૨૮ ટકા વધુ વરસાદ નોંધાયો હતો. આનાથી ચોમાસાના સત્રમાં વરસાદની અછત ૨૮ ટકાથી ઘટીને ૧૪ ટકા ઉપર આવી ગઈ હતી. અત્રે નોંધનીય છે કે ગયા વર્ષે દેશના વિવિધ ભાગમાં ભયંકર દુષ્કાળ પડયો હતો જેના કારણે પાકની સાથે પશુઓને પણ નુકશાન થયુ હતુ. અનેક વિસ્તારોમાં પીવાના પાણીની અછત પણ થઈ હતી.

(10:19 am IST)