Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

સજાતિય સંબંધના મુદ્દા પર ૧૭ જુલાઈના દિવસે વધુ સુનાવણી

કલમ ૩૭૭ને લઇને સુપ્રીમ કોર્ટમાં જોરદાર અને રોચક દલીલબાજી :રાઇટ ટુ ઇન્ટીમેસીને જીવન જીવવાનો અધિકાર જાહેર કરવાનો સમય આવી ગયો છે :પ્રકૃતિ અને વિકૃતિનું સહઅસ્તિત્વ રહેલું છે :સુપ્રીમમાં દલીલબાજી

નવીદિલ્હી,તા. ૧૨ :સજાતિય સંબંધોને અપરાધથી બહાર કરવામાં આવે કે કેમ તેને લઇને આજે પણ સુપ્રીમ કોર્ટમાં જોરદાર અને રોચક દલીલ બાજી થઇ હતી. તેની તરફેણમાં અને વિપક્ષમાં જોરદાર તર્ક આપવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો બે પુખ્તવયના લોકો વચ્ચે સહમતિની સાથે સંબંધોના મામલાને અપરાધથી હદથી બહાર કરી દેવામાં આવે તો એલજીબીટી સમુદાયના લોકો સાથે સંબંધિત અનેક મુદ્દા ઉપર વધુ ચર્ચા છેડાઈ શકે છે. સાથે સાથે સામાજિક કલંક અને ભેદભાવ પોતે જ ખતમ થઇ જશે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલામાં વધુ સુનાવણી ૧૭મી જુલાઈના દિવસે કરશે. સુપ્રીમ કોર્ટમાં પાંચ જજની બંધારણીય બેંચે ટિપ્પણી કરી હતી કે, ભારતીય સમાજમાં વર્ષોથી એલજીબીટી સમુદાયની સામે એક ભેદભાવની સ્થિતિ ઉભી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૭ હેઠળ બે સજાતિય પુખ્તવયના લોકો વચ્ચે સહમતિ સાથે બનાવવામાં આવેલા સંબંધને અપરાધની હદમાંથી બહાર કરવાની અરજી ઉપર સુનાવણી કરતી વેળા આ પ્રકારની ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, આ ભેદભાવના કારણે આ સમુદાયના લોકોના આરોગ્ય ઉપર પ્રતિકુળ અસર થઇ રહી છે. સુપ્રીમ કોર્ટે અરજી કરનારના વકીલ મેનકા ગુરુસ્વામીને પ્રશ્ન કરતા કહ્યું હતું કે, કોઇ કાયદો અથવા તો રેગ્યુલેશન હોમોસેક્સયુઅલને કોઇ પ્રકારના અધિકાર લેવાથી રોકે છે કે કેમ. આવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, આવા કોઇ પણ પ્રકારના નિયમ નથી. ત્યારે સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું હતું કે, એલજીબીટી સમુદાય માટે કલમ માત્ર આ કારણસર છે કે, સહમતિ સાથે સેક્સ સંબંધોને અપરાધ સાથે જોડવામાં આવે છે. એક વખતે કલમ ૩૭૭ની હદમાં સહમતિ સાથે સંબંધના મામલાને બહાર કરી દેવામાં આવશે ત્યારે તમામ બાબતો દૂર થઇ જશે. ાજે ચર્ચા દરમિયાન જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાએ કહ્યું હતું કે, પ્રકૃતિ અને વિકૃતિના સહઅસ્તિત્વ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અનેક પ્રકારના જીવોમાં સેમ સેક્સ ઇન્ટરકોર્સ જોવા મળે છે. વકીલ શ્યામ દિવાને કહ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે, કોર્ટ કલમ ૨૧ હેઠળ રાઇટ ટુ ઇન્ટીમેસીને જીવન જીવવાના અધિકાર તરીકે જાહેર કરે. બીજી બાજુ વરિષ્ઠ વકીલ અશોક દેસાઈએ સજાતિય સંબંધોને ભારતીય પ્રાચીન સંસ્કૃતિનો હિસ્સો તરીકે ગણાવીને હાઈકોર્ટના પૂર્વ જજ દ્વારા લખવામાં આવેલા પુસ્તકનો ઉલ્લેખ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતુંકે, તેમનો પુત્ર હોમો છે અને વર્તમાન કાયદા હેઠળ અપરાધી છે. બીજી બાજુ સુરેશકુમાર કૌશલે બંધારણીય બેંચ સમક્ષ સજાતિય સંબંધો ઉપર ચાલી રહેલી ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે, જો કલમ ૩૭૭ને અપરાધ ગણવામાં આવશે નહીં તો આનાથી રાષ્ટ્રીય સુરક્ષા ખતરામાં પડશે. અત્રે નોંધનીય છે કે, ગઇકાલે પણ આ મામલામાં તર્કદાર દલીલબાજી થઇ હતી. ઇન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની કલમ ૩૭૭ની બંધારણીય કાયદેસરતાને પડકાર ફેંકતી અરજીઓ ઉપર ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ આરએફ નરિમન, જસ્ટિસ એએમ ખાનવીલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાની પાંચ જજની બેંચેે સુનાવણી હાથ ધરી હતી. આજે પણ આ મામલામાં સુનાવણી જારી રહી હતી. કોર્ટે કહ્યું હતું કે, જો બે પુખ્તવયના લોકો વચ્ચે પારસ્પરિક સહમતિ સાથે સંબંધો સ્થાપિત થાય છે તો તેને અપરાધ તરીકે ગણી શકાય નહીં અને સાથે સાથે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટથી એવી અપીલ કરી હતી કે, સજાતિય લગ્ન, સંપત્તિ અને પૈત્રુક અધિકારો જેવા મુદ્દા ઉપર વિચારણા કરવામાં ન આવે કારણ કે, આનાથી અનેક પ્રતિકુળ પરિણામો આવશે. કેન્દ્રએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, બે પુખ્તવયના લોકો વચ્ચે સહમતિ સાથે બનાવવામાં આવેલા સંબંધો સાથે જોડાયેલી કલમ ૩૭૭ની કાયદેસરતાના મુદ્દા ઉપર અમે કોર્ટના ઉપર નિર્ણય છોડી રહ્યા છીએ. બીજી બાજુ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તે પોતે પણ આ બાબત પર વિચાર કરવા સુધી મર્યાદિત રહેશે કે કલમ ૩૭૭ બે પુખ્તવયના લોકો વચ્ચે સહમતિથી બનાવવામાં આવેલા સંબંધોને લઇને ગેરબંધારણીય છે કે કેમ. કલમ ૩૭૭ પર કેન્દ્ર સરકારે એફિડેવિટ મારફતે કોઇ પક્ષ ન મુકીને સમગ્ર નિર્ણય સુપ્રીમ કોર્ટ ઉપર છોડી દીધો છે. એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, ૩૭૭ હેઠળ સહમતિ સાથે પુખ્તવયના લોકો વચ્ચે સજાતિય સંબંધો અપરાધ છે કે કેમ તે અંગે પોતે નિર્ણય કરે.

(7:48 pm IST)
  • વરસાદથી માનવ મૃત્યુઆંક ૧૯ ઉપર પહોંચ્યો : ૮૪ પશુઓના મોત : રાજય સરકારે આંકડા જાહેર કર્યા access_time 6:34 pm IST

  • જૂનાગઢમાં ધોધમાર વરસાદ : જોષીપુરા વિસ્તારનો રસ્તો બંધ access_time 6:34 pm IST

  • જુનાગઢમાં ઘણા લાંબા સમય રાહ જોવડાયા બાદ ભારે વરસાદનુ આગમન : શહેરમાં લાઇટ જવાના પ્રશ્નોને પગલે પી.જી.વી.સી.એલના કમૅચારીઓ ભારે વરસાદ વચ્ચે કાર્યરત : ચાલુ વરસાદે પી. જી. વી. સી.એલના કર્મચારીઓ જીવ જોખમમાં મુકી કામ કરતા નજરે પડે છે.'અકિલા 'ના વાચક વાઢીયા મિતલકુમારએ મોકલેલ જુઓ વિડીયો access_time 11:20 pm IST