Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

બેંગ્લુરુ એરપોર્ટ ઉપર ઇન્ડિગોની બે ફ્લાઇટ સામસામે આવી ગઇઃ પાઇલોટની સમયસુચકતાથી ૩૨૮ યાત્રિકોનો બચાવ

બેંગ્લુરૂઃ બેંગ્લુરુ એરબેઝ પર ઉડાણ ભરી રહેલી ઈન્ડિગોની કોઈમ્બતુરથી હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઈટ  6E 779 અને બેંગ્લુરુથી કોચ્ચી જઈ રહેલી ફ્લાઈટ 6E 6505 વચ્ચે ટક્કર થતા થતા રહી ગઈ. એરલાઈન્સના વિમાન એકબીજાની ખુબ નજીક આવી ગયા હતાં. ગણતરીની પળોના અંતરે બંને વિમાન હતાં. ઈન્ડિગોનું કહેવું છે કે આ મામલાની જાણકારી રેગ્યુલેટરને આપવામાં આવી છે.

ઈન્ડિગોના જણાવ્યાં મુજબ હૈદરાબાદની ફ્લાઈટમાં લગભગ 162 મુસાફરો હતાં. જ્યારે કોચ્ચીની ફ્લાઈટમાં લગભગ 166 મુસાફરો હતાં. બંને વિમાનો વચ્ચે અંતર માત્ર 200 ફૂટનું હતું. વિમાનની ટક્કર પહેલા ટ્રાફિક કોલિઝન એવોયડેન્સ સિસ્ટમ (TCAS)ના એલાર્મથી દુર્ઘટના ટળી ગઈ. રિપોર્ટ મુજબ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બોર્ડ (AAIB) એ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

હવામાં વિમાન ટકરાવવાની ખબરો પહેલા પણ આવતી રહી છે. ઈન્ડિગોનો આ મામલો પહેલો નથી. આ અગાઉ પણ ઈન્ડિગોના વિમાન ટકરાતા બચ્યા છે. ગત વર્ષ નવેમ્બરમાં ઈન્ડિગોના એક વિમાનમાં લેપટોપ ફાટવાથી અફરાતફરી મચી હતી. તે અગાઉ દિલ્હી એરપોર્ટ પર ઈન્ડિગો અને એર ઈન્ડિયાના વિમાનની ટક્કર થતા બચી હતી. આ દરમિયાન એર ઈન્ડિયાનું પ્લેન ટેકઓફ કરવાનું હતું અને ઈન્ડિગોનું વિમાન લેન્ડ કરી રહ્યું હતું.

(5:44 pm IST)