Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા દેશની લાખો મહિલાઓના જીવનમાં સુધાર લાવવાનું કાર્ય કરાયુ : નરેન્દ્રભાઈ

સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલ મહિલાઓ સાથે વડાપ્રધાનનો સંવાદ : ગામડાઓના યુવાનોને રોજગાર - સ્વરોજગાર માટે તાલીમ : કૌશલ વિકાસ ઉપર વિશેષ ધ્યાન અપાય છે

નવી દિલ્હી, તા. ૧૨ : મારૂ સૌભાગ્ય છે કે આજે દેશભરની ૧ કરોડથી વધુ મહિલાઓ સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો. તમે બધા સંકલ્પ, ઉધમશીલતા અને સામૂહિક પ્રયાસોનું પ્રેરણાદાયી ઉદાહરણ છો. મહિલા સશકિતકરણની જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે સૌથી મહત્વપૂર્ણ જરૂરીયાત મહિલાઓને પોતાની શકિતઓ, યોગ્યતાઓ અને કળાને ઓળખવાનો અવસર આપવો. આજે કોઈપણ ક્ષેત્રમાં જુઓ તો તમને ત્યાં મહિલાઓ મોટી સંખ્યામાં કામ કરતી નજરે પડશે. દેશના ખેતી અને ડેરી સેકટરની કલ્પના પણ મહિલાઓ વિના કરી શકાય તેમ નથી. આપણા દેશના ગ્રામ્ય વિસ્તારોમાં નાના ઉદ્યમીઓ માટે, શ્રમિકો માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યુ છે. આ સેલ્ફ હેલ્પ ગ્રુપ એક રીતે ગરીબો, ખાસ કરીને મહિલાઓની આર્થિક ઉન્નતિનો આધાર બન્યા છે.

આ ગ્રુપ મહિલાઓને જાગૃત કરી રહ્યા છે. તેમને આર્થિક અને સામાજીક રીતે મજબૂત પણ બનાવી રહ્યા છે. દિનદયાલ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ દેશભરની ૨.૫ લાખ ગ્રામ પંચાયતોમાં કરોડો ગ્રામીણ ગરીબ પરીવારો સુધી પહોંચાડવાનું તેમને સ્થાયી આવક ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રખાયુ છે. આ યોજનાને બધા રાજયોમાં શરૂ કરવામાં આવી છે. હું બધા રાજયો અને ત્યાંના અધિકારીઓને અભિનંદન આપુ છું જેમણે આ યોજનાને લાખો - કરોડો મહિલાઓ સુધી પહોંચાડી તેમના જીવનમાં સુધાર લાવવાનું કાર્ય કર્યુ છે. સેલ્ફ હેલ્પ ગ્રુપનું નેટવર્ક આખા દેશમાં ફેલાયેલું છે. અલગ - અલગ ક્ષેત્ર અને વ્યવસાયો સાથે જોડાયેલ છે. સરકાર તેને આગળ વધારવા માટે જરૂરી ટ્રેનીંગ, આર્થિક મદદ અને તક પણ આપી રહી છે. બિહારમાં સેલ્ફ હેલ્પ ગ્રુપના ૨.૫ લાખથી વધુ સભ્યો પ્રશિક્ષણ પ્રાપ્ત કરી અનાજની વધુ સારી રીતે ખેતી કરી રહ્યા છે. આવી જ રીતે ૨ લાખ સભ્યો નવી રીતે શાકભાજીની ખેતી કરી રહ્યા છે.

છત્તીસગઢના ૨૨ જીલ્લાઓમાં ૧૨૨ બજારોમાં આઉટલેટ બનાવાયા છે. જયાં સેલ્ફ હેલ્પ ગ્રુપના ૨૦૦ જેટલી વેરાયટીની વસ્તુઓ વેચવામાં આવે છે. દિનદયાલ અંત્યોદય યોજનામાં ગ્રામ્ય યુવાઓના કૌશલ વિકાસ ઉપર વિશેષ ધ્યાન અપાઈ રહ્યુ છે. યુવાઓને રોજગાર અને સ્વરોજગાર બંને માટે ટ્રેનીંગ આપવામાં આવી રહી છે. જેથી દેશના યુવા પોતાની આશા - આકાંક્ષા અનુસાર આગળ વધી શકે.

(12:33 pm IST)