Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

પોકસો એકટ બનશે કઠોરઃ સમાપ્ત થશે છોકરા-છોકરીનો લિંગ ભેદ

પોકસો કાનૂનમાં ફેરફાર અંગેનો ખરડો સંસદના ચોમાસુ સત્રમાં મંજુર કરવા તૈયારીઃ ન્યુનત્તમ સજા ૨૦ વર્ષની થશેઃ દેશમાં સગીરો વિરૂદ્ધના અપરાધમાં ૫૦૦ ટકાનો ચોંકાવનારો વધારોઃ દેશમાં દર ૧૫ મીનીટે એક બાળક યૌન અપરાધનો શિકાર બનતો હોય છેઃ દેશમાં દર કલાકે ૬ બાળકો ગાયબ થઈ રહ્યા છેઃ આંચકો આપતા આંકડા બહાર આવ્યા

નવી દિલ્હી, તા. ૧૨ :. પોકસો કાનૂનમાં હવે છોકરા અને છોકરીનો ભેદ સમાપ્ત થશે. પોકસો કાનૂનમાં આ અંગેના ફેરફાર સંબંધી ખરડાને સંસદના ચોમાસુ સત્રમાં મંજુરી મળવાની સંભાવના છે. આ ખરડામાં ૧૨ વર્ષ સુધીના બાળકો (છોકરો) સાથે રેપ કે કુકર્મમાં મોતની સજાની પણ જોગવાઈ છે. નાના બાળકો પ્રત્યે થઈ રહેલા અપરાધ માટે પોકસો એટલે કે પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસયુલ ઓફેન્સીસમાં આ ફેરફાર માટે વટહુકમ અગાઉ આવી ચૂકયો છે. દેશમાં અત્યારે નાના છોકરા વિરૂદ્ધ પણ યૌન અપરાધના મામલાઓ વધી રહ્યા છે તેથી મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે વટહુકમ બાદ હવે ચોમાસુ સત્રમાં આવનારા બિલમાં ફેરફાર કરી લિંગ સમાનતાનો પ્રસ્તાવ રાખ્યો છે.

પોકસો એકટમાં સંશોધન કરી ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો ઉપર રેપના મામલામાં ૧૦ વર્ષની ન્યુનત્તમ સજાને વધારીને ૨૦ વર્ષ કરી દેવામાં આવેલ છે. દુષ્કર્મના મામલામાં સુનાવણી ૩ માસમાં અને અપીલ ૬ મહિનામાં નિપટાવવાનો પણ પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવમાં એ પણ જોગવાઈ છે કે ૧૨ વર્ષ ઓછી ઉંમરના છોકરા કે છોકરી ઉપર રેપ કે દુષ્કર્મના દોષીતને મોત ઉપરાંત ન્યુનત્તમ ૨૦ વર્ષની જેલ અથવા આજીવન કેદની સજા આપી શકાશે. દંડ એટલો ફટકારવામાં આવશે જેનાથી પીડીતને ઉપચાર અને પુનર્વાસમાં સહાયતા મળે.

બાળ અધિકારો માટે કામ કરતી સંસ્થા ક્રાઈના જણાવ્યા પ્રમાણે ભારતમાં છેલ્લા ૧૦ વર્ષમાં સગીરો વિરૂદ્ધ અપરાધમાં ૫૦૦ ટકાનો વધારો થયો છે. આંકડાઓ અનુસાર બાળકો વિરૂદ્ધ થનારા ૫૦ ટકા અપરાધ દેશના ૫ રાજ્યોમાં નોંધાયા છે. જેમાં યુપી, એમપી, મહારાષ્ટ્ર, દિલ્હી, પં.બંગાળ મુખ્ય છે. એક અભ્યાસ મુજબ ભારતમાં દર ૧૫ મીનીટે એક બાળક યૌન અપરાધનો શિકાર બનતો હોય છે. દેશમાં દર કલાકે ૬ બાળકો ગાયબ થઈ રહ્યા છે.(૨-૩)

(11:17 pm IST)