Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

૨૦૧૯માં જો ભાજપ ચૂંટણી જીત્યો તો દેશ 'હિંદુ પાકિસ્તાન' બની જશે : શશિ થરૂર

કોંગ્રેસ નેતા શશિ થરૂરે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું

તિરૂવનંતપુરમ તા. ૧૨ : કોંગ્રેસના નેતા શશિ થરૂરે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે જો ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતશે તો તે 'હિંદુ પાકિસ્તાન' જેવા હાલાત પેદા કરશે. ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ આ અંગે તીખી પ્રતિક્રિયા આપી અને કહ્યું કે કોંગ્રેસ ભારતને નીચુ દેખાડવા અને હિંદુઓને બદનામ કરવામાં કોઈ કસર છોડતી નથી. અહીં એક કાર્યક્રમમાં શશિ થરુરે કહ્યું કે ભાજપ નવું બંધારણ લખશે જે ભારતને પાકિસ્તાન જેવા દેશમાં બદલવાનો રસ્તો સાફ કરશે, જયાં અલ્પસંખ્યકોના અધિકારોનું કોઈ સન્માન હશે નહીં.

વાત જાણે એમ છે કે તિરૂવનંતપુરમાં એક કાર્યક્રમમાં શશિ થરુરે કહ્યું કે ભાજપ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી જીતશે તો તે હિંદુ પાકિસ્તાન જેવા હાલાત પેદા કરશે. આપણું લોકતાંત્રિક બંધારણ ખતમ થઈ જશે કારણ કે તેમની પાસે એ માટેના તમામ તત્વો છે. તેમનું નવું બંધાણ હિંદુ રાષ્ટ્રના સિદ્ઘાંતો પર આધારિત હશે. જેનાથી અલ્પસંખ્યકોની સમાનતાના અધિકાર ખતમ થઈ જશે. આવામાં દેશ હિંદુ પાકિસ્તાન બની જશે.

થરૂરના આ નિવેદન બાદ ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસ દેશને નીચું દેખાડવા અને હિંદુઓને બદનામ કરવામાં કોઈ કસર બાકી રાખતી નથી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે થરૂર કહે છે કે ભાજપ ૨૦૧૯માં સત્તામાં આવશે તો ભારત હિંદુ પાકિસ્તાન બની જશે! બેશર્મ કોંગ્રેસ ભારતને નીચુ દેખાડવાની કોઈ તક છોડતી નથી. હિંદુ આતંકવાદીઓથી લઈને હિંદુ પાકિસ્તાન સુધી... કોંગ્રેસની પાકિસ્તાનને ખુશ કરનારી નીતિઓનો કોઈ જવાબ નથી. પાત્રાએ આ બદલ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને માફી માંગવા પણ કહ્યું.

(11:26 am IST)