Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

સદીનું સૌથી લાંબું પોણાબે કલાકનું ચંદ્રગ્રહણ ૨૭ જુલાઇની મધરાત પછી થશે

વિશ્વનાં જૂજ ક્ષેત્રોમાં જોવા મળશેઃ ૧૩ જુલાઇએ સૂર્યગ્રહણ થશે

નવીદિલ્હી, તા.૧૨: ૧૩ જુલાઇએ આંશિક સૂર્યગ્રહણ અને ૨૭ જુલાઇએ સદીનું સૌથી લાંબું ૧ કલાક ૪૩ મિનિટનું સંપૂર્ણ ચંદ્રગ્રહણ થશે. ૨૭ જુલાઇનું ચંદ્રગ્રહણ અવકાશની મહત્વની ઘટના છે. સૂર્યગ્રહણ વિશ્વનાં જૂજ ક્ષેત્રોમાં જોવા મળશે, પરંતુ ચંદ્રગ્રહણ મોટા ભાગના દેશોમાં જોઇ શકાશે. સદીના સૌથી લાંબા ચંદ્રગ્રહણને અવકાશ દર્શનની મહત્વની ઘટના ગણવામાં આવે છે. રાતે ૧૦.૪૨ વાગ્યે ચંદ્રના પડછાયાની શરૂઆત થશે. પૂર્ણ ગ્રહણ ૨૭મીની મધરાત પછી ૧.૦૦ વાગ્યાથી ૨.૪૩ વાગ્યા સુધી રહેશે.

વરલીસ્થિત નેહરૂ પ્લેનેટેરિયમના ડિરેકટર અરવિંદ પરાંજપેએ જણાવ્યું હતું કે ' શુક્રવારે થનારું આંશિક સૂર્યગ્રહણ ભારતમાંથી તથા વિશ્વના અન્ય સાગર કિનારાના પ્રદેશોમાંથી નિહાળી શકાય એમ નથી, કારણ કે ચંદ્રનો પડછાયો ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ ધ્રુવની વચ્ચે પડશે. ટાસ્માનિયા અને દક્ષિણ ધ્રુવના કિનારાના પ્રદેશોમાં કદાચ થોડા પ્રમાણમાં સૂર્યગ્રહણ જોવા મળી શકે.'

ચંદ્રગ્રહણ વિશે અરવિંદ પરાંજપેએ જણાવ્યું હતું કે ' ૨૭ જુલાઇનું સંપૂર્ણ ચંદ્રગ્રહણ વિશિષ્ટ છે. આકાશ દર્શનના શોખીનો માટે એ વિશેષ અવસર છે. એ ચંદ્રગ્રહણ ઓસ્ટ્રેલિયા, એશિયા, આફ્રિકા અને સાઉથ અમેરિકામાં જોઇ શકાશે. ચંદ્ર પૃથ્વીના પડછાયાની વચ્ચેથી પસાર થશે. લાલાશ પડતા ચંદ્રનું સુંદર ર્દશ્ય બાઇનોકયુલરથી જોઇ શકાશે અને આંખોને કોઇ નુકસાનની શકયતા નથી.'

૨૦૧૮નું આખરી ગ્રહણ ૧૧ ઓયસ્ટે થશે. ત્યાર પછી ૨૦૧૯ની ૨૧ જાન્યુઆરીએ પૂર્ણ ચંદ્રગ્રહણ થશે.

(11:57 am IST)