Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વિશ્વ યોગ દિવસે 'ડબલ્યુએચઓ' દ્વારા વેબસાઇટ લોન્ચ કરશેઃ ઘરે બેઠા યોગની માહિતી મળશે

નવી દિલ્હી : વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) હવે  આયુર્વેદને એક નવું સ્વરૂપ આપવા જઇ રહી છે, જેના માટે સંસ્થાએ ભારતના આયુષ મંત્રાલય સાથે કરાર કર્યો છે. WHO દ્વારા એક મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, જેની મદદથી તે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં યોગની સાથે સાથે ડાયાબીટીસ અને બ્લડપ્રેસર જેવી આધુનિક જીવનશૈલી સાથે જોડાયેલા રોગો અંગે માહિતી આપશે. આ મોબાઇલ એપને આગામી યોગ દિવસ ર૧ જુનના રોજ લોન્ચ કરવાની યોજના છે.

દેશભરમાં ખુલી રહેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોને પણ આ એપ્લિકેશન સાથે જોડવામાં આવશે, જેથી આયુષ મંત્રાલયના સાડાબાર હજાર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સુધી લોકોની પહોંચ બની શકે.

આ એપ્લિકેશનમાં દરેક પ્રકારના યોગાસન ઉપરાંત ડાયાબીટી સાથે જોડાયેલા ભારતીય વૈજ્ઞાનિકોનાં સંશોધન BGR-34  સહિત આયુર્વેદિક દવાઓની માહિતી મળશે. CSIR- ના વૈજ્ઞાનિકોએ હિમાચલની પ૦૦ ઔષધિઓ પર સંશોધન કર્યા પછી આ દવા તૈયાર કરી છે. આ ઉપરાંત હૃદય સાથે સંબંધિત બીમારીઓથી કેવી રીતે બચી શકાય, તેના અંગેની માહિતી પણ આ એપ્લિકેશનમાં મળી રહેશે.

 કેન્દ્ર સરાકરની નવી દિલ્હી ખાતેની મોરારજી દેસાઇ યોગ ઇન્સ્ટીટયુટના ડીરેકટર અને આયોજન સમિતિ સાથે જોડાયેલા ડો. બી. એસ. રેડ્ડીએ જણાવ્યું કે,  WHO એ પ્રથમ વખત આયુષ મંત્રાલય સાથે આયુર્વેદ અંગે કરાર કર્યો છે. તેમની સંસ્થાનો પણ WHO  સાથે કરાર થયો છે. મોબાઇલ એપ્લિકેશનની મદદથી યોગના તમામ આસન અંગે લોકોને વિસ્તારપૂર્વક જણાવામાં આવશે. આ ઉપરાંત ડાયાબીટીસ, હૃદય સંબંધિત બીમારીઓ, હાઇપરટેન્શન બીમારી અને તેમના આયુર્વેદિક ઉપચાર અંગે પણ આ એપ્લિકેશનમાંથી લોકોને માહિતી મળી રહેશે.

મંત્રાલયના એનિમેટિડ યોગ વીડીયોનું સારૃં પરિણામ જોવા મળી રહ્યું છે. આથી તમામ યોગાસનને એનીમેટેડ વિડીયો દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે.

આયુષ મંત્રાલયના અનુસાર ર૧ જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે ૩૦ હજાર લોકો રાંચીમાં યોગ કરશે. આયુષ મંત્રી શ્રીપદ નાઇકે તાજેતરમાં જ જણાવ્યું હતું કે, તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આયુષ ડોકટરની નિમણુક કરવાની પણ કેન્દ્રની યોજના છે.

(6:03 pm IST)