Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વિદેશથી આવતી ભેટની લીમીટ નક્કી કરશે સરકાર

ડયુટી બચાવવા ચીન રૂટથી આવે છે સામાન

નવી દિલ્હી, તા. ૧૨ :. ચાઈનીઝ ગીફટ અથવા આમ જોવામાં આવે તો ચાઈનીઝ ઈ-કોમર્સ કંપનીઓ તરફથી મોકલવામાં આવતી ગીફટથી હવે તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. ભારત સરકાર આ બાબતે લીમીટ નક્કી કરવા બાબતે ગંભીરતાથી વિચારી રહી છે કે દેશનો દરેક નાગરિક દર વર્ષે કેટલી ભેટ મેળવી શકે. દેશમાં ડયુટી ફ્રી ગીફટ પર અત્યારે કોઈ લીમીટ નથી, જેનો ચાઈનીઝ ઓનલાઈન  કંપનીઓ ખોટો ફાયદો ઉઠાવે છે. ઈટીના ઓફિસરોએ ઓફ ધ રેકોર્ડ જણાવ્યુ કે સરકારે ગીફટ અંગેના કસ્ટમના નિયમોની સમિક્ષા શરૂ કરી દીધી છે. આગામી બજેટમાં તેમા ફેરફારની જાહેરાત થઈ શકે છે. લોકો એક વર્ષમાં કેટલીવાર વિદેશમાંથી ગીફટ મેળવી શકે તેની લીમીટ લાગુ કરવા માટે આધાર અથવા પાસપોર્ટ નંબરનો ઉપયોગ થઈ શકે છે.કસ્ટમના હાલના નિયમો અનુસાર કોઈ વિદેશી નાગરીક પાસેથી કુરીયર દ્વારા ૫૦૦૦ રૂપિયા સુધીનું ફ્રી સેમ્પલ અથવા ગીફટ ડયુટી ફ્રી મેળવી શકાય છે. કોઈ વ્યકિત એક વર્ષમાં કેટલીવાર ગીફટ મેળવી શકે તેની કોઈ લીમીટ નક્કી નથી કરાઈ. ભારતમાં અનલીમીટેડ ડયુટી ફ્રી ગીફટ મેળવવાની છૂટનો ખાસ કરીને ચીન તરફથી દુરૂપયોગ થઈ રહ્યો છે. સરકારી અધિકારીએ જણાવ્યુ કે કેટલાક એવા કેસ છે જેમાં લોકોની પાસે રોજ આવા પેકેટ આવતા રહે છે. વિદેશી ઈ-કોમર્સ કંપનીઓ ઈમ્પોર્ટ ડયુટીથી બચવા ગીફટના નિયમનો ઉપયોગ કરે છે. જેના કારણે કસ્ટમના નિયમોનું પાલન કરતી કંપનીઓ કરતા તેઓ સસ્તા ભાવે માલ વેચી શકે છે. સ્થાનિક ઈ-કોમર્સ કંપનીઓ આ અંગે સરકારને પહેલા પણ ફરીયાદ કરી ચુકી છે. આવા પેકેજની ડીલીવરી કરનાર કુરીયરોએ મેળવનારનું કેવાયસી ડીટેઈલ ચેક કરવાની હોય છે પણ નાની કુરીયર કંપનીઓ આ નિયમો નથી પાળતી. સરકાર હવે કેવાયસીના નિયમો પણ કડક બનાવવા અંગે વિચારી રહી છે.

(3:42 pm IST)