Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

અમેરિકન જાસુસી સંસ્થા એફબીઆઇએ આશીષ ભાટીયાનો સંપર્ક સાધ્યો

સરન્ડર થયેલા કરોડોના બીટ કોઇન કૌભાંડના માસ્ટર માઇન્ડ સતીષ કુંભાણી અને સુરેશ ગોરસીયાએ કૌભાંડની રકમનું દેશમાં કયાં કયાં રોકાણ કર્યુ? સીઆઇડી તપાસનો ધમધમાટ : માત્ર ભારતમાં જ નહિ, એક ડઝન જેટલા દેશોમાં કૌભાંડઃ રિમાન્ડ દરમિયાન સ્ફોટક માહીતીઓ જાહેર થશે

રાજકોટ, તા., ૧૨: કરોડો રૂપીયાના બીટ કોઇન કૌભાંડમાં છેલ્લા ૧૧ માસથી ફરાર રહેલા માસ્ટર માઇન્ડ સમા સતીષ કુંભાણી અને સુરેશ ગોરસીયાએ અચાનક સુરત કોર્ટમાં હાજર થતા જ સીઆઇડી ક્રાઇમે તેને ઉઠાવી લઇ આજે કોર્ટમાં રજુ કર્યા છે.

મુખ્ય આરોપી એવા સતીષ કુંભાણી (રહે. હંસ સોસાયટી, મોટા વરાછા) અને સુરેશ ગોરસીયા (રહે. સિધ્ધી પાર્ક, વરાછા) પોતાના એડવોકેેટ મારફત રજુ થયા બાદ કોર્ટે સીઆઇડીને કબ્જો સુપ્રત કરતા આરોપીઓએ કુલ કેટલા કરોડનું કૌભાંડ કર્યુ છે? કૌભાંડ દ્વારા મેળવેલી જમીનનું કયાં કયાં સ્થળે રોકાણ કર્યુ છે. ૧૧ માસ સુધી કયાં છુપાયા હતા? કોને આશરો આપ્યો હતો? આ તમામ બાબતની તપાસ કરવામાં આવનાર હોવાનું સીઆઇડી વડા આશીષ ભાટીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

અકિલા સાથેની વાતચીતમાં સીઆઇડી સુત્રોએ એવું પણ જણાવ્યું કે દિવ્યેશ દરજી દુબઇથી ભારત આવી રહયો હતો ત્યારે દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાઇ ગયો હતો. પરંતુ સતીષ કુંભાણી અને સુરેશ ગોરસીયા હાથમાં આવ્યા ન હતા.

દરમિયાન મુખ્ય કૌભાંડકાર મનાતા સતીષ કુંભાણી અને સુરેશ ગોરસીયાએ ભારત સહિત અન્ય એકાદ ડઝન જેટલા દેશોમાં છેતરપીંડી આચરી છે. જેમાં અમેરીકાનો પણ સમાવેશ થતો હોવાથી અમેરીકાની જાસુસ સંસ્થા એફબીઆઇએ પણ આ કૌભંાંડની તપાસમાં ઝુકાવ્યું હોવાનું સુત્રો જણાવે છે. ઉકત બાબતને સીઆઇડી વડા આશીષ ભાટીયાએ પણ સમર્થન આપ્યું છે. સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ગુજરાતની સીઆઇડીનો પણ અમેરીકાની જાસુસી સંસ્થા એફબીઆઇએે સંપર્ક સાધી કેટલીક ચોક્કસ માહીતી મેળવ્યાનું બહાર આવ્યું છે. આરોપીઓએ માનવ ડીજીટલ માર્કેટીંગ  કંપની તથા બીટ કનેકટ તથા બીટ કનેકટ એકસ નામની કંપની ઉભી કરી હતી. જેમાં પ્રમોટર  તથા ડાયરેકટર તરીકે સતીષ કુંભાણી અને સુરેશ ગોરસીયા સાથે ફરારી દિવ્યેશ દરજી અને ધવલ માવાણી હોવાનું સુત્રો જણાવે છે.

(3:31 pm IST)