Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

NDRF-BSF-લશ્કર ખડેપગેઃ ૩ લાખનું સ્થળાંતર

ગુજરાતમાં વરસાદ-વાવાઝોડા સામે બચાવ-રાહતનું આગોતરૂ અભૂતપૂર્વ ઓપરેશનઃ કાલથી શુક્રવાર સુધી જોખમ

રાજકોટ, તા. ૧૨ :. ગુજરાતના દશેક જિલ્લાઓમાં કાલે 'વાયુ' વાવાઝોડુ ત્રાટકવાની સંભાવનાના પગલે સરકારે આગોતરૂ આયોજન આગળ વધાર્યુ છે. ખાસ કરીને મહુવાથી પોરબંદર વચ્ચેના વિસ્તારો અને દરીયા કિનારાના વિસ્તારો માટે સંભવિત આપત્તિની અસર ખાળવા બચાવ અને રાહતના પગલા લેવામાં આવી રહ્યા છે. સ્થળાંતર સહિતની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. સ્થળાંતરીત થઈ ગયેલા અને થઈ રહેલા લોકોનો આંકડો ૩ લાખે પહોેંચવાનો અંદાજ છે. ગુજરાતમાં સંભવિત કુદરતી આપત્તિ સામે બચાવનું આ અભૂતપૂર્વ અભિયાન છે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ અસરગ્રસ્ત વિસ્તારોમાં અધિકારીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે. આવતીકાલ સવારથી ૧૪ તારીખ સુધીનો સમય વાવાઝોડા અને વરસાદની દ્રષ્ટિએ જોખમી ગણાય છે. નેશનલ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ, બોર્ડર સિકયુરીટી ફોર્સ વગેરે તૈનાત છે. દરેક અસરગ્રસ્ત જિલ્લામાં લશ્કરની એક એક ટુકડી પહોંચી ગઈ છે. બચાવ-રાહત માટેની સામગ્રી તૈયાર રાખવામાં આવી છે. સરકાર હવામાન ખાતા સાથે સતત સંપર્કમાં છે.

મંત્રીઓ અને પ્રભારી સચિવોને જે તે જિલ્લામાં મોકલી દેવામાં આવ્યા છે. પાણી પુરવઠો, દવા, વિજળી વગેરેની દ્રષ્ટિએ તૈયારી રાખવામાં આવી છે. સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે સંકલન કરી ફુડ પેકેટ બનાવવાની કામગીરી ચાલુ છે.(૨-૮)

(11:39 am IST)