Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ગોલ્ડ બજારમાં નવો પ્રાણ ફુંકવા કેન્દ્ર સરકારની તૈયારી

જ્વેલર્સથી લઈને કારીગર અને શ્રમિકની દશામાં સુધારો લાવી આ સેકટરને આકર્ષક બનાવવાની યોજનાઃ નીતિ આયોગ દેશના મોટા ગોલ્ડ બજારોનો કરશે સર્વે

નવી દિલ્હી, તા. ૧૨ :. રોજગારી તથા દેશના વિકાસમાં ગોલ્ડ સેકટરની મહત્વતાને જોતા કેન્દ્ર સરકારે તેમા નવો પ્રાણ ફુંકવાની તૈયારી શરૂ કરી છે. જ્વેલર્સથી લઈને કારીગર અને શ્રમિકની દશામાં સુધારો લાવતા આ સેકટરને આકર્ષક બનાવવાની તૈયારી થઈ રહી છે. આ માટે નીતિઆયોગને એક વિસ્તૃત યોજના બનાવવા જણાવાયુ છે. આયોગ આ માટે ટૂંક સમયમાં દેશના મુખ્ય ગોલ્ડ બજારોમાં સર્વેક્ષણ કરાવશે.

રોજગાર સંભાવનાઓનુ વિશ્લેષણ અને ભારતના ગોલ્ડ માર્કેટમાં કર્મચારીઓની સ્થિતિના નામથી થનાર આ સર્વેક્ષણ માટે દિલ્હી, જયપુર, મુંબઈ, કોલકતા, બેંગ્લોર, કોઈમ્બતુર તથા કોચી જેવા શહેરોની પસંદગી થઈ છે જ્યાં ગોલ્ડનું મોટાપાયે કામકાજ થાય છે. આ સર્વે નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ લેબર ઈકોનોમીકસ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા કરાશે કે જે નીતિ આયોગ હેઠળ આવે છે. આ માટે ડેટાનો સંગ્રહ કરવામાં આવશે.

આ સર્વેમાં ગોલ્ડ માર્કેટના વિકાસ, ખનન, નિર્માણ અને રીટેલ વેચાણ સાથે જોડાયેલા કર્મચારીઓની સામાજિક, આર્થિક સ્થિતિ સાથે જીએસટી તથા એકસાઈઝને લઈને જ્વેલર્સને સવાલ કરવામાં આવશે. આ બારામાં સૂત્રોનું કહેવુ છે કે, સર્વેમાં ગોલ્ડ સેકટરના તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવશે. આ સર્વે ૧૫ થી ૨૦ દિવસ ચાલશે. આ માટે દિલ્હીમાં કામ પણ શરૂ થઈ ગયુ છે.

કેન્દ્ર સરકારના આ પગલાને આવકારતા બુલીયન એન્ડ જ્વેલર્સ એસો.ના અધ્યક્ષ યોગેશ સિંઘલે કહ્યુ છે કે, હજુ પણ આભૂષણ ઉદ્યોગ દેશની અર્થવ્યવસ્થામાં મહત્વનુ યોગદાન આપી રહ્યો છે. જીડીપીમાં તેની હિસ્સેદારી ૭ ટકા છે, તો નિકાસમાં ૧૪ ટકા છે. આ ક્ષેત્ર ૫૦ લાખ લોકોને પ્રત્યક્ષ રોજગાર આપે છે. આમા આવતા બે ત્રણ વર્ષોમાં ૩૦ લાખ નવી રોજગારી જોડવાની સંભાવના છે. ટેક્ષ સંબંધી મુશ્કેલીઓ દૂર કરવાની જરૂરીયાત છે.(૨-૪)

 

(10:14 am IST)