Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

મહારાષ્ટ્રની નવી સરકારમાં ભાજપ અને શિવસેનાના મુખ્યમંત્રીઓ અઢી અઢી વર્ષ સત્તા ભોગવશે? શિવસેનાના યુવા નેતા વરૂણ સરદેસાઈના ટ્વીટથી ખળભળાટ

મુંબઈ : મહારાષ્ટ્રમાં ચૂંટણીઓ સપ્ટેમ્બર-ઓકટોબર મહિનામાં યોજાઈ રહી છે ત્યારે ભાજપ અને શિવસેના વચ્ચે ભાઈચારો વધુ મજબૂત થતો જાય છે. વિધાનસભાની ચૂંટણીમાં બંને પક્ષો સરખી બેઠકો ઉપર સાથે મળીને લડશે ત્યારે શિવસેનાની યુવા સેનાના સચિવ વરૂણ સરદેસાઈએ ટ્વિટર ઉપર એવો દાવો કર્યો છે કે નવી ભાજપ - શિવસેનાની સરકાર બનશે તો મહારાષ્ટ્રમાં બંને પક્ષના અઢી અઢી વર્ષ માટે મુખ્યમંત્રીઓ શાસન કરશે.

શિવસેનાના આ યુવા નેતાએ પોતાના ટ્વિટમાં ચોંકાવનારી વિગતો લખી છે કે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ માટે નિર્ણય લેવાઈ ગયો છે.

જોકે હજુ સુધી આ ઉપર શિવસેના કે ભાજપ તરફથી કોઈ જ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ મહારાષ્ટ્રની રાજનીતિમાં ગણગણાટ ચોક્કસપણે ચાલુ થઇ ગયો છે. મુખ્યમંત્રી પદ માટે શિવસેના હંમેશા આક્રમક રહી છે. લોકસભા ચૂંટણી પહેલા એવી ચર્ચાઓ હતી કે શિવસેનાએ ઘણા મોટા હિસાબ-કિતાબ પછી જ ભાજપ સાથે મળીને ચાલવાનો નિર્ણય લીધો હતો. 

એ પહેલા એવી વાત પણ બહાર આવી હતી કે બંને પક્ષો સાથે મળીને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડશે અને જેમની બેઠકો વધુ હશે તેનો મુખ્યમંત્રી બનશે, પરંતુ થોડા સમય પૂર્વે જ બંધબારણે બન્ને પક્ષના વરિષ્ઠ નેતાઓએ મળીને નવી ફોર્મ્યુલા ઘડી કાઢી છે, જે મુજબ બંને પક્ષના મુખ્ય મંત્રી અઢી અઢી વર્ષ શાસન કરશે.

આગામી ચૂંટણીમાં શ્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પણ વિધાનસભા ચૂંટણી લડે તેવી ચર્ચા છે, ત્યારે જો આદિત્ય ચૂંટાઈ આવશે તો શિવસેના વતી મુખ્યમંત્રીપદના મુખ્ય દાવેદાર રહેશે. આદિત્ય ઠાકરે મુંબઈના વરલી અથવા માહિમ વિસ્તારમાંથી ચૂંટણી લડે તેવી પૂરી સંભાવના છે.

(8:43 am IST)