Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

અમારા સંબંધો શાનદાર બનશે : ટ્રમ્પની પ્રતિક્રિયા

તમામ અડચણો દુર કરી સિંગાપોરમાં : કિમ : શિખર મિટિંગ બંને નેતાઓ વચ્ચે કોઇ સમય ખુબ ખરાબ રહેલા સંબંધોને સામાન્ય બનાવવામાં નિર્ણાયક બની શકે

સિંગાપોર,તા. ૧૨ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયન નેતા કિમ જોંગ ઉન વચ્ચે શિખર બેઠક યોજાયા બાદ બંને નેતાઓએ પોત પોતાની પ્રાથમિક પ્રતિક્રિયા આપી હતી. જેમાં બંને આશાવાદી દેખાઇ રહ્યા હતા. ઐતિહાસિક બેઠક બાદ ટ્રમ્પે પોતાની પ્રથમ પ્રતિક્રિયા તરત જ આપી હતી.જેમાંટ્રમ્પે કહ્યુ હતુ કે કિમની સાથે તેમની બેઠક સારી રહી છે. તેમણે કહ્યુ હતુ કે કિમની સાથે મળીને તેઓ મોટી સમસ્યાને ઉકેલી લેવાના પ્રયાસમાં સફળ રહેશે. ટ્રમ્પે કહ્યુ હતુ કે બંને નેતા સાથે આગળ ચાલીને મોટી સફળતા હાંસલ કરી શકે છે. ટ્રમ્પે વિશ્વાસ અપાવતા કહ્યુ હતુ કે આવુ એક દિવસ ચોક્કસપણે થશે.ઉત્તર કોરિયાના નેતાની નજીક બેસીને ટ્રમ્પે કહ્યુ હતુ કે આગળ વધતા અમારા સંબંધ વધારે મજબુત બનશે. હકીકતમાં તે ગર્વની લાગણી અનુભવ કરી રહ્યા છે. તેમના મનમાં વાતચીતને લઇને કોઇ શંકા નથી.ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગે કહ્યુ હતુ કે સિંગાપોરમાં થયેલી વાતચીત પહેલા માર્ગમાં અનેક અડચણો હતી. કિમ અનુવાદકો મારફતે મિડિયાને કહ્યુ હતુ કે અમે તમામ પ્રકારની અડચણોને પાર કરી ચુક્યા છીએ. તમામ અડચણોને પાર કરીને અહીં પહોચ્યા છીએ. વર્તમાનમાં થઇ રહેલી વાતચીત ક્યારેય ખુબ તંગ રહેલા બંને નેતાઓના સંબંધને પણ સામાન્ય બનાવશે.  કોઇને એવી અપેક્ષા ન હતી કે, એક બીજાથી વર્ષો સુધી દૂર રહેનાર બે લીડરો મંત્રણા ટેબલ ઉપર પહોંચી ગયા છે. એકબીજાને પરમાણુ હથિયારો સાથે યુદ્ધની ધમકી પણ હાલના સમયમાં આ બંને નેતાઓ આપી ચુક્યા છે. એકબીજા ઉપર આક્ષેપોનો દોર તેમની વચ્ચે ચાલ્યો હતો. ટ્રમ્પ કહી ચુક્યા છે કે, મંત્રણાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારોનો નિકાલ લાવવાનો છે. પરમાણુ યુદ્ધ કરવાની એકબીજાને ધમકી બંને આપી ચુક્યા છે. ટ્રમ્પ થોડાક પહેલા જ ઉત્તર કોરિયન નેતાને લીટલ રોકેટમેન તરીકે ગણાવીને તેમની ઝાટકણી કાઢી હતી. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ટ્રમ્પે  નિવેદન કર્યું હતું. કિમે પણ તરત જવાબ આપીને ટ્રમ્પને માનસિકરીતે ભાંગી પડેલી વ્યક્તિ તરીકે ગણાવી હતી. નવ મહિનાના ગાળામાં બંને નેતાઓ મતભેદોને દૂર કરીને એક મંચ પર આવશે તેવી કોઇને કલ્પના ન હતી.

(12:41 pm IST)