Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

આલેલે... નદીની થઇ ગઇ ચોરી ! ફરિયાદ નોંધાઇ

૧૦૦થી વધુ લોકોએ પોલીસને કરેલી ફરિયાદમાં આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે

કોલ્હાપુર તા. ૧૨ : શું કોઈ નદી ચોરી થઈ શકે? ચોંકાવનારી વાત છે, પણ મહારાષ્ટ્રમાં એક આવો જ મામલો સામે આવ્યો છે. જાણવા મળ્યા મુજબ, મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના હાતકણંગલે વિસ્તારના રહેવાસીઓએ પંચગંગા નદી ચોરી થયાનો આરોપ લગાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વિસ્તારના લગભગ ૧૦૦થી વધુ લોકોએ પોલીસને કરેલી ફરિયાદમાં આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

હકીકતમાં, છેલ્લા લગભગ બે દાયકાથી ઔદ્યોગિક કચરાને કારણે પંચગંગા નદી ખરાબ રીતે પ્રદૂષિત થઈ ચૂકી છે. ઔદ્યોગિક કચરા ઉપરાંત ગટરનું પાણી પણ નદીમાં ભળે છે. તેનાથી નદીની ઈકો-સિસ્ટમ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ છે. એવામાં ગ્રામ્ય વિસ્તારોમાં આ નદી પૂરેપૂરી કીચડથી ઢંકાઈ ગઈ છે, તો શહેરી વિસ્તારોમાં ગંદા નાળામાં ફેરવાઈ ગઈ છે.

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી પંચગંગા નદીમાં પ્રદૂષણ ઓછું કરવા માટે એક પ્લાન પણ તૈયાર કરાયો હતો, પરંતુ તેને યોગ્ય રીતે લાગુ નથી કરી શકાયો. બાદમાં બોર્ડે તેને લઈને કોલ્હાપુર નિગમને કારણ બતાવો નોટિસ પણ આપી હતી. હાલ પંચગંગા નદીમાં શુદ્ઘ પાણી હવે જોવા મળતું નથી. એ જ કારણ છે કે, વિસ્તારના ૧૦૦થી વધુ લોકોએ સોમવારે સ્થાનિક પોલીસ મથકમાં નદીની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે.(૨૧.૭)

(11:36 am IST)