Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

સોરી રાહુલ ગાંધી ! કોકા-કોલાનો શોધક શિકંજી નહોતો વેચતો!

કોકા-કોલાની શોધ કરનાર એક ફાર્માસિસ્ટ હતો

નવી દિલ્હી તા. ૧૨ : ગરમીમાં લોકો શિકંજી પીતા નજરે પડે છે. સોમવારે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં લોકોને માહિતી આપતા કહ્યું કે કોકા-કોલા અને તમે જે શિકંજી પીવો છો તેના વચ્ચે એક સંબંધ છે. જોકે, રાહુલ ગાંધીના નિવેદનથી વિપરિત વાત કરીએ તો કોકા-કોલાની શોધ અમેરિકાના રસ્તા પર લાગેલા સ્ટોલમાં એક સ્ટીલના ગ્લાસમાં નહોતી થઈ.

દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ઓબીસી સંમેલનને સંબોધિત કરતા કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું કે કોલડ્રિંકસ બ્રાન્ડ કોકા-કોલાનો શોધક શિકંજી વેચતો હતો. કેવી રીતે? રાહુલે કહ્યું- 'તે પાણીમાં ખાંડ ઉમેરીને તેને વેચતો હતો.'

ગૂગલ પર થોડું સર્ચ કરવામાં આવે તો માલુમ પડે છે કે કોકા-કોલાની શોધ કરનાર એક ફાર્માસિસ્ટ હતો. જોન સ્ટિથ પેમ્બર્ટન એટલાન્ટામાં ફાર્માસિસ્ટ હતા. જેમણે આપણને ખૂબ જ ભાવતી કોકા-કોલાનું શરૂઆતના વર્ઝનની શોધ કરી હતી. કોકા અને કોકા વાઇન સાથે પ્રયોગ કરતી વખતે તેમણે એક ડ્રિંક તૈયાર કર્યું હતું, જેમાં કોલા નટ અને દામિયાના (Turnera diffusa)નો અર્ક સામેલ હતો. આખરે તેમણે આ સ્વાદયુકત સિરપનું એવું સ્વરૂપ તૈયાર કર્યું હતું જેમાં આલ્કોહોલ ન હતું. તેઓ આને પોતાના પાડોશમાં આવેલી ફાર્મસીમાં લઇ ગયા હતા અને કાર્બોનેટેડ પાણી સાથે તેનું મિશ્રણ કર્યું હતું. બાદમાં તેનું પરીક્ષણ થયું હતું અને તેને માન્યતા મળી ગઈ હતી.(૨૧.૧૩)

(11:32 am IST)