Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

૨થી ૧૮ વર્ષના બાળકો પર કોવેક્સિનની ટ્રાયલને મંજૂરી

કોરોનાની ત્રીજી લહેરની શંકા વચ્ચે રક્ષણની સજ્જતા : દિલ્હી-પટના એઈમ્સ, નાગપુરની મિમ્સમાં યોજાનારી આ ક્લીનિકલ ટ્રાયલમાં ૫૨૫ લોકોને સામેલ કરવામાં આવશેનવી

દિલ્હી, તા. ૧૨ : ભારત હાલ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. આ સાથે જ વેક્સિનેશનનું કામ પણ ચાલી રહ્યું છે. નિષ્ણાતોને એવી શંકા છે કે જો કોરોનાની ત્રીજી લહેર આવશે તો તેમાં બાળકો પણ પ્રભાવિત થશે. તેના અનુસંધાને એક ખૂબ જ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. કોરોના વેક્સિન સાથે સંકળાયેલી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (એસઈસી)એ મંગળવારે ભારત બાયોટેકની કોવેક્સિનની ૨થી ૧૮ વર્ષની ઉંમરના બાળકો પર ટ્રાયલ માટે ભલામણ કરી હતી જેને મંજૂરી મળી ગઈ છે.

દિલ્હી એઈમ્સ, પટના એઈમ્સ, નાગપુરની મિમ્સ હોસ્પિટલમાં યોજાનારી આ ક્લીનિકલ ટ્રાયલમાં ૫૨૫ લોકોને સામેલ કરવામાં આવશે. કમિટીની ભલામણ પ્રમાણે ભારત બાયોટેકે ફેઝ ૩ની ટ્રાયલ શરૂ કરતા પહેલા ફેઝ ૨નો સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ કરાવવો પડશે.

એસઈસીએ ભલામણ કરી હતી કે, ભારત બાયોટેકની કોવેક્સિનને ફેઝ ૨, ફેઝ ૩ ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી અપાવી જોઈએ જેમાં ૨થી ૧૮ વર્ષની ઉંમરના બાળકોને સામેલ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં હાલ જે ૨ વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ફક્ત ૧૮ વર્ષથી વધારે ઉંમરના લોકો માટે જ છે.

ભારતના નાગરિકોને સીરમ ઈન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન અપાઈ રહી છે.

 

(8:02 pm IST)