Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

મ્યુકરમાઈકોસિસઃ કોરોના બાદ થતા આ રોગે ગુજરાત સહિત ૩ રાજયોમાં મચાવ્યો હાહાકારઃ ૫૦ ટકા દર્દીઓએ ગુમાવ્યો જીવ

નવી દિલ્હી, તા.૧૨: કોરોના વાયરસની બીજી લહેરે બધાને ઝકઝોળી નાંખ્યા છે. દેશમાં હાલ કોરોનાના ૩૦ લાખથી વધારે એકિટવ કેસ છે. આ મહામારી વચ્ચે એક બીજી મહામારીએ પણ આફત વહોરી દીધી છે. તે છે મ્યુકરમાઈકોસિસની બીમારી. કોરોનાના લક્ષણો વચ્ચે હવે દર્દીઓમાં mucormycosisના લક્ષણો જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન જેવા રાજયોમાં તેની અસર વધારે છે. હાલત એ છે કે એનાથી લગભગ ૫૦ ટકા દર્દીઓના જીવ જઈ રહ્યા છે.

મહારાષ્ટ્રમાં અત્યારે મ્યુકોરમાઈસીસના લગભગ ૨ હજારથી વધુ એકિટવ કેસ સામે આવ્યા છે. જેણે રાજય સરકારની ચિંતા વધારી દીધી છે. હવે જે હોસ્પિટલો સાથે મેડિકલ કોલેજ એટેચ છે ત્યાં પર મ્યુકોરમાઈસીસ બીમારીના દર્દીઓની સારવારની વ્યવસ્થા કરાઈ રહી છે. રાજયના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેનું કહેવું છે કે રાજયમાં કોરોનાના કેસ જેમ જેમ વધી રહ્યા છે તે જ રફતારથી હવે mucormycosis રોગના દર્દીઓ પણ વધી રહ્યા છે. એવામાં સરકારે જરૂરી પગલાં લેવાના ચાલુ કરી દીધા છે.મંત્રીનું માનવામાં આવે તો મ્યુકોરમાઈસીસના લક્ષણોમાં બ્લેક ફંગશ છે જેના કારણે ૫૦ ટકા દર્દીઓના જીવ જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે mucormycosisના લક્ષણોમાં બ્લેક ફંગસ, માથું દુખવું, આંખ, નાકમાં ખૂબજ દર્દ થવું, આંખોનું તેજ જતું રહેવું, તાવ વગેરે લક્ષણો જોવા મળે છે.

મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાં પણ મ્યુકોરમાઈસીસના ઘણા કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ૧૦૦થી વધારે કેસ આવી ચૂકયા છે. જેમાં બ્લેક ફંગસના લક્ષણો છે. જયારે કેટલાક દર્દીઓની આંખની રોશની ઉપર પણ અસર પડી છે. ગુજરાતના રાજકોટમાં એના માટે અલગથી હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે. જયાં સ્પેશ્યલ વોર્ડની વ્યવસ્થા કરી છે.

રાજસ્થાનના જયપુરમાં પણ ગત દિવસોમાં ૪૦ દર્દીઓ જોવા મળ્યા જેમાં બ્લેક ફંગસની ફરિયાદ હતી. એમાં કેટલાક દર્દીઓની આંખો ની રોશની ઉપર અસર પડી છે. એવામાં કોરોના સંકટ વચ્ચે પેદા થઈ રહી રહેલી દર્દીઓની આ મુશ્કેલીએ ચિંતા વધારી દીધી છે.

(3:50 pm IST)