Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

PM કેર ફંડસમાંથી ફરીદકોટ મોકલવામાં આવેલા ૮૦ વેન્ટિલેટરમાંથી ૭૧ ખરાબ

ભારત સરકારે ગત વર્ષે ૨૫ કરોડના ખર્ચે મોકલેલા ૨૫૦ વેન્ટિલેટર પૈકીના કેટલાક હજુ પણ સ્વાસ્થ્ય વિભાગના સ્ટોરમાં પડયા છે

નવી દિલ્હી, તા.૧૨: પીએમ કેર ફંડ્સ અંતર્ગત મંગાવવામાં આવેલા વેન્ટિલેટર્સની ગુણવત્તાને લઈને સવાલો થવા લાગ્યા છે. ગત વર્ષે પીએમ કેર ફંડ્સ અંતર્ગત પંજાબમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલા વેન્ટિલેટર્સનો મોટો જથ્થો ઉપયોગમાં નથી લેવાઈ રહ્યો. આના પાછળ વેન્ટિલેટર્સની ખરાબ ગુણવત્તાનું કારણ આપવામાં આવી રહ્યું છે. આ વેન્ટિલેટર્સ થોડો સમય કામ આપ્યા બાદ બંધ થઈ જાય છે તેવું કહેવામાં આવે છે.

ફરીદકોટની ગુરૂ ગોવિંદ સિંહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આપવામાં આવેલા ૮૦ પૈકીના ૭૧ વેન્ટિલેટર્સ ખરાબ છે. આ વેન્ટિલેટર્સ AgVa Healthcare દ્વારા પીએમ કેર ફંડ અંતર્ગત પ્રદાન કરવામાં આવ્યા હતા. મેડિકલ કોલેજીસના ડોકટર્સના કહેવા પ્રમાણે આ વેન્ટિલેટર્સની ગુણવત્તા ખરાબ છે અને ઉપયોગ સમયે ૧-૨ કલાકમાં જ તે બંધ થઈ જાય છે.

એનેસ્થેસિસ્ટ્સના કહેવા પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલા આ વેન્ટિલેટરની ગુણવત્તા પર વિશ્વાસ મુકી શકાય તેમ નથી કારણ કે, જયારે આ મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે અચાનક જ કામ કરવાનું બંધ કરી દે છે. એક ડોકટરે જણાવ્યું કે, આ વેન્ટિલેટરની ગુણવત્તા ખૂબ જ ખરાબ છે. આ મશીન બંધ થઈ જાય છે માટે તેઓ દર્દીઓના જીવને જોખમમાં ન મુકી શકે.

આ બધા વચ્ચે પંજાબના મુખ્ય સચિવ વિની મહાજને ખરાબ વેન્ટિલેટરના સમારકામ માટે એન્જિનિયર્સ અને ટેકિનશિયન્સને કામ પર રાખવાની મંજૂરી આપી દીધી છે. રાજય સરકારે મેડિકલ કોલેજને પ્રાથમિકતાના આધાર પર ૧૦ નવા વેન્ટિલેટર તાત્કાલિક પ્રદાન કરવાનું પણ આશ્વાસન આપ્યું છે.

જાણવા મળ્યા મુજબ ભારત સરકારે ગત વર્ષે ૨૫ કરોડના ખર્ચે મોકલેલા ૨૫૦ વેન્ટિલેટર પૈકીના કેટલાક હજુ પણ સ્વાસ્થ્ય વિભાગના સ્ટોરમાં પડ્યા છે. તે પૈકીના કેટલાક મશીન વાપરવાના શરૂ કરવામાં આવ્યા તેમાં પણ મુશ્કેલી પડવા લાગી. આ સાથે જ પંજાબમાં વેન્ટિલેટર સંચાલિત કરનારા ટેકિનશિયનની પણ તંગી છે.

(3:48 pm IST)