Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

શુક્રવારે અક્ષય તૃતિયાઃ વેપાર-ધંધા-બજારો બંધ હોવાથી સોના-ચાંદીની ખરીદીને ગ્રહણ

ગયા વર્ષે પણ જવેલર્સને અક્ષય તૃતિયામાં ફટકો પડયો હતોઃ આ વર્ષે પણ ફટકોઃ ડબલ માર : ઓનલાઇન ખરીદી માટે લોભામણી જાહેરાતો થઇ રહી છે

નવી દિલ્હી, તા.૧૨: અક્ષય તૃતિયાને દિવસે સોના-ચાંદીની ખરીદીને શુકનિયાળ માનવામાં આવે છે. આ વર્ષે પણ ૧૪મી મે શુક્રવારના રોજ અક્ષય તૃતિયાને લોકડાઉનનું ગ્રહણ લાગી ગયું છે. વેપાર ધંધા અને બજારો બંધ રહેવાને લીધે સોના-ચાંદીના દાગીના અને જર-ઝવેરાત વેચતા જવેલર્સો તેમજ કંપનીઓને કરોડો રૂપિયાનો ફટકો પડશે. જો કે કેટલીક ટોચની જવેલર્સ અને ઝવેરાતની કંપની દ્વારા ઓનલાઈન બિઝનેસ માટે લોભામણી ઓફ્રો કરવામાં આવી છે. ગુજરાતભરમાં નાના મોટા ૨૫,૦૦૦થી વધુ જવેલર્સ છે. જયારે અમદાવાદ શહેરમાં ૫,૦૦૦ જેટલા નાના મોટા વેપારીઓ સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

અમદાવાદ જવેલર્સ એસો.ના અગ્રણી આશિષ ઝવેરીએ કહ્યું કે ગત વર્ષે પણ અક્ષય તૃતિયાએ લોકડાઉનને લીધે જવેલર્સોને મોટો ફટકો પડયો હતો. આ વર્ષે પણ અક્ષય તૃતિયાએ લોકડાઉન હોવાથી જવેલર્સોને મોટો ફટકો પડશે. જવેલર્સોનો આખા વર્ષનો જે વકરો હોય છે તેમાં ૨૦ ટકા વેપાર અક્ષય તૃતિયાના દિવસે થતો હોય છે.

છેલ્લા બે વર્ષથી અક્ષય તૃતિયાના દિવસે વેપાર બંધ રહેવાને લીધે જવેલર્સો હેરાન થશે. અક્ષય તૃતિયાના દિવસે સોના-ચાંદીની ખરીદી શુકનિયાળ માનવામાં આવે છે. દર વર્ષે અખાત્રીજે લોકો સોનું કે ચાંદી ખરીદતા હોય છે. સામાન્ય રીતે આ શુભ દિવસે સોનું કે ચાંદીની રોકડમાં ખરીદી કરવામાં આવતી હોય છે. જેના લીધે નાના વેપારીઓ ઓનલાઈન ધંધો કરી શકતા નથી.

બીજી તરફ મોટી કંપની દ્વારા ઓનલાઈન ખરીદી માટે વિવિધ ઓફરો મુકવામાં આવી રહી છે. જેમાં સોના-ચાંદીના તૈયાર દાગીનાના ઘડામણમાં રાહતો મુકવામાં આવી છે. બીજી તરફ નાના વેપારીઓ પાસે આવી કોઈ સુવિધા નહીં હોવાથી તેઓ ઓનલાઈન ધંધો કરી શકશે નહીં.

જેના લીધે અમદાવાદ સહિત ગુજરાતના જવેલર્સના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓને મોટી અસર થશે. વેપારીઓ જણાવી રહ્યા છે, સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં ૫૦ લોકોની છૂટ આપવામાં આવી છે ત્યારે લોકો લગ્ન માટે દાગીનાની અને સાડીઓ સહિતની લગ્નપ્રસંગની વસ્તુઓની ખરીદી કેવી રીતે કરશે તે પણ વિચારવાની જરૂર છે.

(3:45 pm IST)