Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

કેન્દ્ર તરફથી રસીની ગાઇડલાઇન બદલાઇ

આજથી કોવિશીલ્ડનો પહેલો ડોઝ લેનારને ૪૨ દિવસે બીજો ડોઝ મળશે

નવી દિલ્હી, તા.૧૨: કોરોના મહામારીથી બચવા હાલ ગુજરાત સહિત દેશમાં લોકો કોરોનાની રસી લેવા માટે પડાપડી કરી રહ્યા છે. પરંતુ હાલ રાજયમાં કોરોના વેકિસનની અછત જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતમાં લોકોનું ઝડપી વેકિસનેશન થાય તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક જગ્યાએ સેન્ટરો ખોલવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં લોકોને મુશ્કેલીઓ પડી રહી છે.

બીજી બાજુ કોરોનાની રસીની ગાઈડલાઈન બદલાઈ હોવાની માહિતી મળી રહી છે. જાણવા મળી રહ્યું છે કે આજથી કોવિશીલ્ડનો પહેલો ડોઝ લેનારને ૪૨ દિવસે બીજો ડોઝ મળશે. જેના કારણે અનેક વેકિસનેશન સેન્ટરો પર અંધાધૂંધી સર્જાઈ છે.

ભારત સરકાર તરફથી આજે મળેલી રસીની ગાઈડલાઈન અનુસાર, કોવિશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લઈ ચૂકેલ વ્યકિતઓ, પોતાનો બીજો ડોઝ ૪૨ દિવસ પછી જ લઇ શકશે. આ પ્રકારની પ્રોસેસ કોવિન સોફ્ટવેરમાં આજથી અપડેટ કરી દેવામાં આવેલ છે. વળી ૪૨ દિવસ બાદ કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ મુકાવવાથી વધુ ફાયદો થાય છે.

તેમ છતાં લોકોમાં વેકિસન લેવા માટેની ઉતાવળના કારણે મોટી સંખ્યામાં લોકો સેન્ટરો પર પહોંચી ગયા હતા. પરંતુ કોઈ સરખી વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો. બીજીતરફ આજથી કોવિશીલ્ડ વેકિસનનો બીજો ડોઝ લેવા આવેલા લોકોને હવે ૪૨ દિવસ પૂર્ણ થયા હોય તો જ વેકિસન આપવામાં આવશે તેવા બદલાવના કારણે રજિસ્ટ્રેશન ન થતાં પાછું ફરવું પડ્યું હતું.

(2:53 pm IST)