Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

મજબુર દર્દીઓને ઉંચી કિંમતે વેંચી દેતા'તા

જબલપુરઃ VHP નેતા અને હોસ્પિટલના પ્રમુખ ઉપર નકલી રેમડેસિવિર દવાનું કૌભાંડ ચલાવવાનો આરોપઃ ૪ની ધરપકડઃ ગુજરાતથી ખેપ લાવતા'તા

જબલપુર, તા.૧૨: મધ્યપ્રદેશના જબલપુરમાંથી જ રેમડેસિવિરના નકલી ઈન્જેકશન વેચવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે જેમાં વીએચપીનો પ્રમુખ જ સંડોવાયેલો છે. ગુજરાતમાં નકલી રેમડેસિવિર મુદ્દે પોલીસે જે રેડ પાડી હતી તેના અનુસંધાનમાં મધ્ય પ્રદેશ પોલીસ દ્વારા જબલપુરની સિટી હોસ્પિટલના સંચાલક અને વીએચપીના નર્મદા જિલ્લાના પ્રમુખ સરબજિત મોખા સહિત ચાર લોકોને નકલી રેમડેસિવિર વેચવા મુદ્દે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, સરબજીતે એક લાખથી વધારે નકલી રેમડેસિવિર ઈન્જેકશન મજબૂર દર્દીઓના સગાને મોટી કિંમતે વેચી દીધા હતા. ૩૫થી ૪૦ હજારમાં એક ઈન્જેકશન આપવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત પોલીસે નકલી રેમડેસિવિર કેસમાં સપન જૈન અને દેવેન્દર ચૌરસિયાની ધરપકડ કરી હતી. તેમની આકરી પૂછપરછમાં સપન જૈને તાજેતરમાં ૫૦૦ નકલી ઈન્જેકશન સરબજિત મોખાને આપ્યા હોવાની કબૂલાત કરી હતી. તેના આધારે પોલીસે સરબજિતને પકડયો હતો. આ કેસમાં કુલ ચારની ધરપકડ કરાઈ છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, ગ્લુકોઝ અને મીઠાને પાણીમાં ભેગા કરીને ઈન્જેકશન બનાવવામાં આવતા હતા. આ તમામ ઈન્જેકશનની એક જ બેચ હોવાથી સમગ્ર કૌભાંડ ગુજરાત પોલીસની સામે આવ્યું હતું. આ દિશામાં તપાસ કરવા દરમિયાન ગુજરાત પોલીસે મોરબીમાં પણ દરોડા પાડીને મધ્ય પ્રદેશ અને અન્ય રાજયોમાં નકલી ઈન્જેકશન વેચનારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરતથી ૧૦૦૦ નકલી ઈન્જેકશન ખરીદીને તેમણે મધ્ય પ્રદેશમાં વેચી દીધા હતા.

રતલામમાં માહેશ્વરી મેડિકલ સ્ટોરનો માલિક અને ભાજપનો નેતા રાજેશ માહેશ્વરી ઓકસી ફ્લોમીટરના કાળાબજાર કરતા ઝડપાયો હતો. તે ૬૦૦ રૂપિયાના કિંમતના ફ્લોમીટરના ૪,૦૦૦ વસૂલતો હતો. પોલીસે તેને ઝડપી પાડયો હતો પણ સોમવારે તેને જામીન પણ મળી ગયા હતા.

(12:48 pm IST)