Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

કુદરતી ઓકિસજન એવા વૃક્ષોનું

એકલા હાથે ગાઢ જંગલ ઉભુ કરનાર ફોરેસ્ટમેન પદ્મશ્રી જાદવ મોલાઈ પાયેંગ

એક જ વ્યકિતએ ૪૦ વર્ષોની મહેનત પછી, કાદવની જમીનને હરિયાળીમાં ફેરવી નાંખી ૧૩૬૦ એકરમાં આખું જંગલ ઉભું કર્યુ છેઃ જાદવ મોલાઇએ બ્રહ્મપુત્રના કાંઠે રેતાળ અને નિર્જન ભૂમિમાં સેંકડો સાપને, પ્રાણીઓને નિર્જીવ હાલતમાં મૃત જોયા અને જમીનને હરિયાળી બનાવી પ્રાણીઓને બચાવવાનો નિર્ધાર કર્યો જે સિલસિલો આજે પણ કાયમ છે : જાદવ મોલાઇએ હવે ૨૦૦૦ હેકટર જમીનને પણ જંગલમાં ફેરવવાનું બીડું ઝડપ્યું છેઃ જો આપણે જીવવું હશે અને પૃથ્વીને બચાવવી હશે તો વિશ્વની જનસંખ્યા મુજબ વૃક્ષો ઉગાડવા પડશે : કોઇએ જાદવની મદદ ન કરતા એકલા હાથે આખું જંગલ ઉભુ કર્યું: આજે ત્યાં વાઘ, હાથી, હરળ, વાંદરા, ગેંડા ઉપરાંત દુનિયાભરના પક્ષીઓ વસે છેઃ આસામ સરકારે તેમના આ ઉત્કૃષ્ટ કાર્ય બદલ પ્રશંસા કરી ''ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા''નો ખીતાબ આપ્યો છે. ૨૦૧૫માં 'પદ્મશ્રી એવોર્ડ' થી પણ નવાજવામાં આવ્યા. આસામ કૃષિ યુનિવર્સિટી અને કાજીરંગા યુનિવર્સિટીમાંથી ડોકટરેટની માનદ પદવી પણ અપાઇ છે

આજે ભારતમાં કોરોનામાં ઓકસીજનની કમીથી કેટલાય લોકોના જીવ ગયા. ઓકસીજન લેવા માટે લોકોએ લાઇનો લગાવી. વિનામુલ્યે મળતા લોકોને કદાચ હવે ઓકસીજનની કિંમત સમજાઇ હશે! જોકે હજી પણ વિકાસના નામે પ્રકૃતિનો વિનાશ ચાલુ જ છે. ઓકસીજનની ઘટ એ કુદરતનો એક પ્રકોપ જ કહી શકાય. વિનાશ ઘણીવાર લોકોની હિંમત તોડી નાખે છે. પરંતુ જીવનનું કાર્ય આગળ વધવાનું છે, તેથી લોકોને મજબૂરીમાં તેમના માર્ગે પાછા ફરવાની ફરજ પડી છે. પરંતુ આ દુનિયામાં એવા પણ કેટલાક દુર્લભ લોકો છે, જે આપત્તિ સામે લડ્યા પછી, એવી રીતે આગળ વધ્યા છે કે ફકત તેમની જ નહીં, પણ કેટલા જીવનને સકારાત્મક રીતે બદલી નાંખી છે. હાલ આસામમાં કુદરતી ઓકસીજનની ભરમાર છે. અહિં એક જ વ્યકિતએ ૪૦ વર્ષોની મહેનત પછી, કાદવની જમીનને હરિયાળીમાં ફેરવી નાંખી ૧૩૬૦ એકરમાં આખું જંગલ ઉભું કર્યુ છે. તે એકલવીર બહાદુર વ્યકિતનું નામ છે. ''જાદવ મોલાઈ પાયેંગ''.

ઘણા લોકો છે જેમના કાર્ય વિશ્વ માટે પ્રેરણારૂપ બનતા હોય છે. જેના ઉદાહરણો અનેક પેઢીઓને અપાય છે. આસામના જોરહટ જિલ્લામાં રહેલી મીશીંગ આદિજાતિમાંથી આવતા જાદવ મોલાઈ પાયેંગ આવી જ એક વ્યકિત છે. જેના કામથી દરેકે પ્રેરણા લેવી જ પડશે. ૧૯૭૯માં આસામમાં આવેલા પૂરના કારણે તેના જન્મસ્થળના ગામની આજુબાજુ ભારે વિનાશ સર્જાયો હતો. પૂરની અસર એ હતી કે આજુબાજુની જમીનમાં ફકત કાદવ અને કાદવ જ દેખાતા હતા. સરળ દેખાતા જાદવ મોલાઈ પાયેંગ એ ખાલી જમીનને એકલા હાથે જંગલમાં ફેરવી દીધી.

એક દિવસ જાદવ પાયેંગ બ્રહ્મપુત્રા નદી પર આવેલા એક ટાપુ અરુણા સપોરી પરત ફરી રહ્યા હતા. તે સમયે જાદવ પોયેંગ એ બાલીગાંવ જગન્નાથ બરુઆ આર્ય વિદ્યાલયથી ધોરણ ૧૦ ની પરીક્ષા આપી હતી. તે સમયે તેમની ઉંમર ૧૪-૧૫ વર્ષ હતી. પાછા ફરતા તેઓએ રેતાળ અને નિર્જન ભૂમિમાં સેંકડો સાપને નિર્જીવ હાલતમાં  મૃત જોયા, તેમણે જોયું કે બ્રહ્મપુત્રના કાંઠે ઘણા પ્રાણીઓનો ભોગ લેવાયો છે અને જમીનના ધોવાણને કારણે નદીની આજુબાજુની આખી હરિયાળી નષ્ટ થઇ ગઈ હતી. તે જોઇ તેઓ ખુબ દુખી થયા. જાદવ પોયેંગના મગજ પર આ ઘટનાની ભારે અસર પડી હતી. તેમને લાગ્યું કે એક દિવસ આપણા માણસોની હાલત પણ આવી હોઈ શકે છે. !(જે હાલની વર્તમાન સ્થિતીમાં થઇ રહી છે).

જાદવ મોલાઇ આ ઘટનાથી ચિંતિત હતા. એ કિશોરને ફરીથી આવું ન થાય તે માટે શું કરવું તે સમજાતું નહોતું. આ માટે તેઓ તેમના ગામના વડીલોને મળવાનું નક્કી કર્યું. આ લોકોએ જાદવને સમજાવ્યું કે જો બ્રહ્મપુત્રાની આજુબાજુમાં અને રેતાળ પટ્ટાઓ પર વૃક્ષો ઉગાડાય તો પ્રાણીઓ નદી અને માનવોના ક્રોધથી બચી જશે. આ કિશોરવયના મગજમાં હવે કોઈ શંકા નહોતી. તેણે રસ્તો શોધી કાઢયો. ગામલોકોએ તેને ઉગાડવા ઝાડના ૫૦ બીજ અને વાંસના ૨૫ રોપા આપ્યા.જાદવ મોલાઇએ તેમના ગામમાંથી વાંસના કેટલાક છોડ ભેગા કર્યા અને તેને બ્રહ્મપુત્રાની વચ્ચે બાંધેલા ટાપુ પર રોપ્યા. હાઇસ્કૂલમાં ભણતા જાદવ મોલાઇએ આ પછી ભણવાનું મૂકી દીધુ અને મોટાભાગે આ ટાપુ પર રહેવાનું શરૂ કર્યું. અને થોડા વર્ષો પછી આ જંગલમાં અન્ય વૃક્ષો પણ વાવ્યા અને તેને ઉછેર્યા.

જાદવ મોલાઇ પાયેંગ આસામના જોરહટ જિલ્લાના કોકિલામુખ ગામના રહેવાસી છે. જ્યારે તેમણે તેમના વિસ્તારના લોકોને કહ્યું કે મારે એક મોટું જંગલ બનાવવું છે ત્યારે બધા લોકોએ તેમને નકારી કાઢ્યા અને કહ્યું કે આપણે આ ન કરી શકીએ. તે ખૂબ મુશ્કેલ અને જોખમી કાર્ય છે. ત્યારબાદ તેમણે વન વિભાગનો પણ સંપર્ક સાધ્યો અને મદદ માટે કહ્યું, પરંતુ તેઓએ પણ મદદ કરી નહીં. પછી જાદવ એકલા આ કામમાં લાગ્યા. તેમણે વાંસથી શરૂઆત કરી અને અથાગ મહેનત દ્વારા ઘણા નવા છોડ પણ રોપ્યા. આ સમય દરમિયાન ત્યાં ઘણા પૂર આવ્યા હતા, પરંતુ તેમનો આત્મવિશ્વાસ તૂટ્યો નહીં. તેઓ વૃક્ષો રોપતા રહ્યા. જાદવ દિવસ-રાત છોડને પાણી આપતા. તેમણે ગામમાંથી લાલ કીડીઓ પણ એકત્રિત કરી અને તેને રેતીના પટ્ટામાં(કાદવ) ફળદ્રૂપતા માટે છોડી હતી. આજે તેમના અનહદ પ્રયત્નોને કારણે આસામના માજુલી ટાપુ પર આખું જંગલ ઉગ્યું છે અને આ જંગલ ૧૩૬૦ એકરમાં પથરાયેલું છે. જ્યારે આસામ સરકારને તેમના આ ઉત્કૃષ્ટ કાર્ય વિશે જાણ થઈ, ત્યારે તેમણે જાદવ મોલાઇની પ્રશંસા પણ કરી અને તેમને 'ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા'નો ખિતાબ પણ આપ્યો. ૨૨ એપ્રિલ, ૨૦૧૨ના રોજ જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ એન્વાયર્નમેન્ટલ સાયન્સિસ દ્વારા જાહેર કાર્યક્રમમાં જાદવ મોલાઇ પોયેંગને આ અનન્ય સિધ્ધિ બદલ સન્માનિત કરવામાં આવ્યા. એટલું જ નહીં, તેમની મહામૂલી સિધ્ધિ માટે તેમને ૨૦૧૫ માં 'પદ્મશ્રી એવોર્ડ' થી પણ નવાજવામાં આવ્યા. તેમણે તેમના યોગદાન માટે આસામ કૃષિ યુનિવર્સિટી અને કાજીરંગા યુનિવર્સિટીમાંથી ડોકટરેટની માનદ પદવી અપાઇ છે. જાદવને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા તેમની અનુકરણીય સેવા બદલ સન્માનિત કરાયા છે.

જાદવ મોલાઇએ એકલા હાથે ઉભા કરેલા કુદરતના સૌથી મોટા ઓકસીજનના આ સ્ત્રોત એવા આ જંગલને 'મોલાઈ જંગલ' તરીકે ઓળખવામાં આવે છે. આ જંગલમાં બંગાળના વાઘ, ભારતીય ગેંડા અને ૧૦૦ થી વધુ હરણ, વાનર અને સસલાનો સમાવેશ થાય છે. મોલાઇ જંગલ હવે મોટી સંખ્યામાં દેશ વિદેશના પંખીઓ અને નાશવંત ગીધ સહિત અનેક જાતોના પક્ષીઓનું ઘર બની ગયું છે.

જાદવ તેમના ધ્યેયમાં સફળ રહ્યા. પરંતુ કયારેક નવી પ્રકારનો મુશ્કેલીઓ પણ આવી હતી. જંગલમાં રહેતા હાથીઓ આસપાસના ગામોમાં પ્રવેશવા લાગ્યા હતા. તેઓએ અહીં પાકનો નાશ કરવાનું શરૂ કર્યું. કયારેક ગામડામાં વાઘ પણ આવતા. ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ જાદવને જણાવ્યું હતું કે, જો પ્રાણીઓ ગામમાં પ્રવેશવાનું બંધ ન કરે તો તેઓ જંગલમાં આગ લગાવી દેશે. જાદવ મોલાઇને આ માટે સમાધાન  પણ મળી ગયું. તેઓએ જંગલમાં કેળાના ઝાડ રોપ્યા. પરિણામે હાથીઓને જંગલમાં તેમનું મનપસંદ ખોરાક મળવાનું શરૂ થયું અને તેનું ગામડા તરફ જવાનું બંધ થયું. જ્યારે જંગલમાં હરણની વસ્તી વધી ત્યારે વાઘ પણ ત્યાં મર્યાદિત થઈ ગયા. સમસ્યા ફકત આ મોરચે જ નહોતી. જાદવને તેમના પરિવાર માટે ગુજરાન ચલાવવું હતું પણ તેઓ જંગલથી દૂર જવા માંગતા નહોતા. તેથી તેણે દૂધાળા પ્રાણીઓ રાખ્યા. આજે તે અને તેની પત્ની અને ત્રણેય બાળકો આસપાસના ગામોમાં દૂધ વેચીને ગુજરાન ચલાવે છે.

આસામ સરકારે તેમણે ઉભા કરેલા જંગલનું નામ મોલાઈ કઠની રાખ્યું છે. તેના માતા-પિતા જાદવને મોલાઇ કહેતા હતા, અને આસામી ભાષામાં કઠનીનો અર્થ લાકડું થાય છે. આજે આ ભારતના ફોરસ્ટ મેનના પ્રયત્નોને કારણે માજુલી આઇલેન્ડ પર આખું જંગલ ઉગ્યું છે. આ જંગલ ૧૩૬૦ એકરમાં પથરાયેલું છે. આજે પણ, પાયેંગ સવારે ૩ વાગ્યે ઉઠે છે અને ૫ વાગ્યા સુધીમાં, માજુલી પહોંચી રોપાઓ રોપે છે. જાદવ મોલાઇના જીવનનો એક જ સંદેશો છે, અને તે ખૂબ જ પ્રેરણાત્મક છે. તેઓ કહે છે, 'અગર ઠાન લે જીદ જીતને કી તો ઔકાત નહિં મુશ્કીલો કોં હમે રોકને કી'.

  • જાદવ મોલાઈ પાયેંગ પર બની ચૂકી છે ડોક્યુમેન્ટરી ફિલ્મ

છેલ્લા કેટલાક વર્ષોમાં જાદવ દેશના મોટા શહેરોમાં આયોજીત પ્રદર્શન, સેમિનારો અને બેઠકમાં ભાગ લઇ ચૂક્યા છે. એટલું જ નહિં તેઓ તેમના અનુભવો વર્ણવવા ફ્રાન્સની સફર પણ કરી ચૂકયા છે.તેના ઉપર અનેક ડોક્યુમેન્ટરી ફિલ્મો બની ચૂકી છે. એક કનાડાઇ ફિલ્મકાર મૈકમાસ્ટર તેના ઉપર 'ફોરેસ્ટ મેન'ના નામથી ડોકયુમેન્ટરી બનાવી છે. આ ફિલ્મ ૨૦૧૪ માં રિલીઝ થઈ હતી અને તેણે અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મેળવ્યાં હતા. જ્યારે ૨૦૧૩ માં આરતી શ્રીવાસ્તવે જાદવ મોલાઇના જીવન પર ફોરેસ્ટિંગ લાઇફ નામની ડોક્યુમેન્ટરી બનાવી હતી. વિલિયમ ડગ્લસ મૈકમાસ્ટરે પણ ૨૦૧૩ માં ફોરેસ્ટ મેન નામની ડોક્યુમેન્ટરી બનાવી હતી. એક મીડિયા રિપોર્ટમાં મૈકમાસ્ટર કહે છે, 'કોઇ માણસ આટલા બધા ઝાડ ઉગાડી શકે તે મને વિશ્વાસ નથી થતો, કોઈ એક માણસમાં આટલું બધું જંગલ કઇ રીતે ઉભુ કરી શકે? પરંતુ હું જ્યારે જંગલમાં ગયો ત્યારે સીધી લીટીમાં ઉભેલા વૃક્ષોને જોઇ દંગ રહી ગયો.

જાદવ મોલાઇ ફકત એટલું જ કહેવા માંગે છે કે એક વ્યકિત ધારે તો શું ન કરી શકે છે. જાદવ ઇચ્છે છે કે સ્કૂલના દરેક બાળકને જો એક ઝાડની દેખભાળ રાખવાનું કહેવામાં આવે તો પર્યાવરણમાં પણ બદલાવ સંભવિત છે.

  • જનસંખ્યા મુજબ વૃક્ષો ઉગાડવા પડશે - જાદવ મોલાઇ પાયેંગ

જાદવ મોલાઇનું માનવું છે કે વર્ષ ૨૦૨૦-૨૧ સુધી વિશ્વમાં ભારતની વસ્તી સૌથી વધારે હશે. તે અસર જળ વાયુ પરિવર્તન પર પણ પડશે. તેથી, જો પ્રત્યેક દેશવાસી તેની અસર ઘટાડવા માટે વૃક્ષ રોપશે તો ભારત એક લીલોછમ દેશ બની જશે. કારણ કે જો કોઈ વૃક્ષ નહિં હોય તો ૃપૃથ્વીનો સર્વનાશ નિશ્ચિત છે. જાદવે હવે ૨૦૦૦ હેકટર જમીનને પણ જંગલમાં ફેરવવાનું બીડું ઝડપ્યું છે. તેમનું કહેવું છે કે લુપ્ત થતા જંગલોના કારણે વન્યપ્રાણીઓ વસ્તીવાળા વિસ્તારોમાં પહોંચી રહ્યા છે. તેથી, તેમને કુદરતી નિવાસસ્થાન આપવા માટે, તેઓ હાલ સિમોલુ, ગામાડી, વાંસ અને શીશમ જેવા છોડ વાવવામાં વ્યસ્ત છે.

(પ્રશાંત બક્ષી મો.૭૯૯૦૫૫૮૪૬૯)

(11:36 am IST)