Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

હવે ભાવનગરમાં અગ્નિકાંડ : ૬૫ દર્દીઓનો બચાવ

ભાવનગર કોવિડ કેર સેન્ટરમાં આગથી અફડાતફડીઃ હોટલ જનરેશન એકસમાં એક રૂમમાં ટીવી યુનિટમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગીઃ ૧૮ને અન્યત્ર ખસેડાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.૧૨: ભાવનગરમાં હોટલ જનરેશન એકસ ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટરમાં મોડી રાત્રે આગ ભભુકતા દોડધામ મચી જવા પામી હતી. સદભાગ્યે કોઇ જાનહાની કે દર્દીને ઇજા થઇ નથી પરંતુ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ભાવનગરમાં કાળવા રોડ ઉપર આવેલ હોટલ જનરેશન એકસમાં કોવિડ કેર સેન્ટર ચાલે છે. આ કોવિડ કેર સેન્ટરમાં મોડી રાત્રે હોટલમાં ત્રીજા માળના રૂમ નં. ૩૦૩માં ટીવી યુનિટમાં શોક સર્કિટથી આગ ભભૂકી ઉઠી હતી અને આ હોટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓમાં ભાગદોડ -ભયનો માહોલ છવાઇ ગયો હતો. બનાવની જાણ થતા ૪ ફાયર બિગ્રેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ આગને બુઝાવી હતી. અને આ કોવીડ સેન્ટરમાં રહેલા કોરોનાના દર્દીઓને ૧૦૮ ની ૮ ગાડી, ફાયરની ૨ ગાડીમાં ખાનગી અને સર. ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ કોવિડ સેન્ટરમાં ૬૫ કોરોના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આ બનાવથી સદભાગ્યે કોઇ જાનહાની કે દર્દીને ઇજા પહોંચી નથી. પરંતુ દર્દીઓ અને તેના સગાવહાલોઓમાં ચિંતા ફેલાઇ ગઇ હતી. ફાયર બિગ્રેડના સુત્રોના જણાવ્યા મુજબ આ કોવિડ કેર સેન્ટરમાંથી ૧૮ દર્દીઓને શીફટ કરાયા છે. બાકીના ને આ હોટલમાં જ અન્ય રૂમોમાં રાખવામાં આવ્યા છે. આગ લાગ્યાની જાણ થતા જીતુભાઇ વાઘાણી સહિતના દોડી ગયા હતા અને દર્દીઓને સલામત સ્થળે પહોંચાડવા વ્યવસ્થા કરી હતી.

(10:51 am IST)