Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

માતૃત્વ દિવસે 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રી'ના ડિજીટલ પ્લેટફોર્મ પર મા માટેની લાગણીઓ, વાતો, ગીતો, કવિતાઓનો ધોધ વહ્યોઃ અમેરિકાથી સુશ્રી પ્રાર્થના જહા, મુંબઇથી શ્રીમતિ હેમાબેન દેસાઇ અને અમદાવાદથી શ્રી તુષાર શુકલ જોડાયા સંચાલક વિરલ રાચ્છ સાથે ને થઇ જમાવટ 'મોઢે બોલુ મા' શિર્ષકને સાર્થક કર્યુ પ્રાર્થના જહા, હેમાબેન દેસાઇ અને તુષાર શુકલએ

'મા' પછી ફુલસ્ટોપ-મા પછી કંઇ જ ન આવે, માતૃત્વ એ વ્યકિત નથી અભિવ્યકિત છેઃ મા એ શબ્દનો ગ્રંથ છે, નાનામાં નાનો પણ મોટો મંત્ર છેઃ હોય ત્યારે ન સમજાય, ન હોય ત્યારે તેનો મહિમા થાય એ 'મા'

'મોઢે બોલુ મા' કાર્યક્રમની શરૂઆતમાં યુવા હૈયાઓના ધબકાર આદિત્ય ગઢવીએ કવિશ્રી દલપતરામની કવિતા 'મા હેતવાળી દયાળી જ મા તું' રજૂ કરી સોૈના મન મોહી લીધાઃ ટીમ ગુજરાત્રીના નિમિષભાઇ ગણાત્રા, હિરેન સુબા, મિલિન્દ ગઢવી અને વિરલ રાચ્છે ચાહકો-ભાવકોને કર્યા માતૃત્વના રસથી તરબોળ : જીવન આખુ દરીયો છે, તોફાન ભેલેને આવે, બહાદુર છે એ જ ખરા જે એમાં નાવ ચલાવે, આવી હિમ્મત દિકરાને દઇ ખુદ અંદરથી ડરવાનું, ખુબ જ અઘરુ લાગે સાલુ મા થઇને ફરવાનું: હેમાબેન દેસાઇ : 'અકિલા'ના આવા કાર્યક્રમો હાલના સમયમાં હુફાળો મુકામ પુરો પાડે છે, ઠંડક પુરી પાડે છે, કોરોના કાળમાં અમે એના એકસપર્ટને લાવવાને બદલે સંગીતકાર, એકટર, કવિ, લેખકોને લાવ્યા, ગુજરાત્રી ટીમનો અમારો હેતુ જ એવો હતો કે બધાને આ સમયમાં થોડી રાહત મળેઃ વિરલ રાચ્છ : માને આવા કોઇ દિવસે યાદ કરો કે ન કરો એનો કોઇ મતલબ નથી, તમે છો એટલે મા છે જઃ આજની મમ્મીઓને હું સુપરમોમ કહીશઃ તુષાર શુકલ : 'તું જાતે લડ અથવા જીંદગીભર રડ' 'મા'ના આ શબ્દો પછી હું કદી રડી નહોતીઃ જેણે મા નથી જોઇ હોતી તેના ઉપર પણ માના આશીર્વાદ હોય છેઃ પ્રાર્થના જહા

વિખ્યાત સંચાલક-દિગ્દર્શક શ્રી વિરલ રાચ્છ સાથે 'મોઢે બોલુ મા' શિર્ષક હેઠળ 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રી'ના ડિજીટલ પ્લેટફોર્મ પર જોડાયેલા મહેમાનો અમેરિકાથી સુશ્રી પ્રાર્થના જહા, મુંબઇથી શ્રીમતિ હેમાબેન દેસાઇ અને અમદાવાદથી શ્રી તુષાર શુકલ

રાજકોટ તા. : 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રી' પ્રસ્તુત ડિજીટલ કાર્યક્રમમાં  રવિવારે મધર્સ ડે-માતૃત્વ દિવસના રોજ 'મોઢે બોલુ મા' નામનો સ્પેશિયલ કાર્યક્રમ અપાયો હતો. જેમાં અમેરિકાથી યુવા લેખિકા સુશ્રી પ્રાર્થના જહા, મુંબઇથી સુપ્રસિધ્ધ કોકીલ કંઠી ગાયીકા શ્રીમતિ હેમાબેન દેસાઇ અને અમદાવાદથી વિખ્યાત કવિ-લેખક શ્રી તુષાર શુકલએ ટીમ ગુજરાત્રીના સુપ્રસિધ્ધ સંચાલક શ્રી વિરલ રાચ્છ સાથે જોડાઇને અકિલાના ચાહકો, ભાવકો, શ્રોતાઓને માતૃત્વથી રસતરબોળ કરી દીધા હતાં. ગીતો, વાતો, કહાની, કથનીઓ અને અનુભવોને આધારે આ બધાએ 'મા'નો મહિમા સમજાવ્યો હતો. તો 'મોઢે બોલુ મા' કાર્યક્રમને વેગ આપવા પ્રારંભમાં જ સુપ્રસિધ્ધ યુવા ગાયક શ્રી આદિત્ય ગઢવીએ જબરદસ્ત કવિતા રજૂ કરી હતી.

'અકિલા' કંઇક નવુ નોખું આપવાનો સતત પ્રયાસ હાલના સમયમાં કરી રહ્યું છે. હાલમાં કોરોનાના કારણે ભયના માહોલમાં ઘરમાં બેસલા લોકોને થોડી હુંફ મળે, થોડી શાતા મળે, કોઇ સરસ મજાની વાતો થાય. એવી વાતો કે જે જીવવા માટેની હિમ્મત અને હામ આપે અને સાથોસાથ મનોરંજન પણ મળે. આ દોરમાં નવા કાર્યક્રમનું શિર્ષક હતું 'મોઢે બોલુ મા'. જેની શરૂઆત સંચાલક શ્રી વિરલ રાચ્છે મહેમાનોની આગતા સ્વાગતા અને પરિચય સાથે કરી હતી. પણ એ પહેલા યુવા દિલોની ધડકન આદિત્ય ગઢવીએ કવિશ્રી દલપતરાની કવિતા 'મા હેતવાળી દયાળી જ મા તું' રજૂ કરી હતી.

આદિત્યએ ટીમ અકિલા-ટીમ ગુજરાત્રી અને તેના માધ્યમથી જોડાયેલા તમામને માતૃત્વ દિવસની શુભેચ્છા પાઠવી ગત એપ્રિલમાં રિક્રીએટ કરલી કવિતા...મા હેતવાળી દયાળી જ મા તું...તેમજ મોઢે બોલુ મા ને મને સાચેય બાળપણ સાંભળે,મીઠા મધુ ને મીઠા મેહુલા રે રોલ સહિતની રચનાઓ રજૂ કરી હતી.

વિરલે સંચાલન આગળ વધારતાં અતિથી અમેરિકાના પ્રાર્થના જહા સાથે ગોષ્ઠી શરૂ કરી હતી. વિરલે કહ્યું હતું કે સ્ત્રી વકતાને હું ઇન્ટ્રોડ્યુસ કરતો હોય ત્યારે કવિતા વગર એમને શું કહેવું? એ વિચાર આવ્યો ત્યારે મને થયું કાજલ ઓઝા વૈધની વાત આ માટે બહેતર રહેશે. મા એટલે શું તેના જવાબમાં આધુનિક લેખિકા કાજલે કહ્યું-હતું કે-જેની સાથે ઉગ્ર અવાજે દલિલો થઇ શકે, જેને સતત ખોટી પાડવાની મજા આવે, સાંજ પડ્યે ટીવી જોતાં સવારની દલિલોનો ભાર રાખ્યા વગર જેને કહી શકાય કે માથામાં તેલ નાંખી આપ ને, એ પણ માથામાં તેલ નાખતા નાંખતા ટપલી મારીને કહી જ દે કે આજકાલ તારો મગજ બહુ ગરમ થઇ ગયો છે...બસ એ મા.

વિરલે આગળ કહ્યું-પ્રાર્થના જહાને દાદાજી, પિતાજી તરફથી સાહિત્ય-શબ્દો વારસામાં મળ્યા છે. મમ્મી મનાવવા આવી નહિ એ તેની આઠમા ધોરણમાં ભણતી હતી ત્યારની પહેલી કવિતા હતી. પછી તેણે કાર્યક્રમોનું સંચાલન કર્યુ, નાટકો સંવાદ લખ્યા, સિંગાપુરમાં અને યુએસમાં રહીને પણ તેણે ગુજરાતી નિબંધો, શબ્દો, કવિતાઓ દ્વારા માતૃભાષાને જીવંત રાખી છે.

પ્રાર્થનાએ માતૃત્વ દિવસ અંતર્ગત વાત કરતાં કહ્યું-મને એવું લાગે છે કે આજે જોરદાર પ્રસંગ છે, આ તો ઘરનો ડાયરો લાગે છે, માતૃભુમિના આંગણે પાછુ જવા મળ્યું  તેનો આનંદ છે. મને બોલાવનાર અકિલા ટીમ-અકિલા પરિવારના નિમીષભાઇ સાથે હવે ઓળખાણ થઇ. પણ મારા પપ્પા હમેંશા કહે કે રાજકોટના મારા બે સરનામા હોય, એક કિરીટભાઇ ગણાત્રા સાથે બીજા કોૈશિક મહેતા સાથેે. વિરલભાઇ વિરલ એટલા માટે પણ છે કે એ જામનગરનો જામ લઇ નાટકમાં પીરસે છે.  સોૈરાષ્ટ્રની ભુમિ પુજનીય છે,  દુલા ભાયા કાગ, ઝવેરચંદ મેઘાણી, રસધારની વાર્તાઓમાં માની કેટલી પુજા કરવામાં આવી છે, એમને કયા દરજ્જે મુકી છે એનું અદ્દભુત સાહિત્ય છે, એ માટે સોૈરાષ્ટ્રની ભુમિનેવંદન છે.

હું જ્યારે અમેરિકા આવી ત્યારે અહિ મારા પિયર પક્ષનું કોઇ નહોતું. એક માને હું ભારતમાં છોડીને આવી તો માતૃભાષાએ મારો અહિ હાથ જાલ્યો છે, આ ભાષાને કારણે પણ હું ઓળખાઇ છું. માતૃભાષાને પણ વંદન. મા પછી ફુલસ્ટોપ જ હોય. મા પછી કંઇ જ ન આવે, બોલીએ તો પણ ઘટે....બાણ ભટ્ટ લખવા બેસે તો પણ મા વિશે સાહિત્ય ઘટે. માતૃત્વ જે છે એ પુરૂષો પણ વ્યકત કરી શકે છે. માતૃત્વ એ વ્યકિત નથી અભિવ્યકિત છે.

પ્રાર્થનાએ પોતાની જ સાથે બનેલી એક ઘટના વર્ણવી એ તેના જ શબ્દોમાં જોઇએ. હું પહેલા ધોરણમાં ભણતી ત્યારે પહેલા દિવસે પપ્પા મુકવા આવ્યા. હું રડવા માંડી, પાંચ વર્ષ નહોતા થયા. હું અંદર નહોતી જતી. ઢીંચણ પકડીને ઉભી રહી. પપ્પા ઘરે લઇ ગયા, પણ બીજા દિવસે આવી આને અંદર મુકી ગઇ. પણ પછી બધા છોકરા મને મારે, પેન્સીલ લઇ લે, હેરાન કરે...મેં મમ્મીને ફરિયાદ કરીં. મમ્મી એકવાર આવી, બે વાર આવી, અઠવાડીયામાંત્રીજીવાર મેં તેને સાથે આવવા કહ્યું તો એણે ના પાડી કે હવે હું ન આવું. તું માર ખા એને લાયક જ છે. દરેક જગ્યાએ મા તારી જોડે નહિ હોય, 'તું જાતે લડ અથવા જીંદગીભર રડ'...આ એમના શબ્દો હતાં એ પછી હું કદી રડી નથી. મેં લડી લીધું. એ પછી તો શાળામાં મારું નામ ડોન પડ્યું હતું. માએ મને મજબૂત બનાવી. શકિતસ્વરૂ એટલે મા. એ શકિતનું રૂપાંતર મારામાં કયારે થયું તેની ખબર જ ન પડી. મને દેવી કવચ મોઢે બોલતા મારી મમ્મીએ શીખડાવ્યો હતો. પિતાએ મને અર્થ શીખડાવ્યો, બાપ છે એ બુધ્ધી છે ને મા છે એ ઉર્મી છે. આ બંને બધામાં હોય. માતા આપે શાતામાં મેં લેખ લખ્યો છે, મારા ભાગનો ઇશ્વર મારી મા.  

પ્રાર્થનાએ આગળ કહ્યું-મારો પોતાનો ઇશ્વર એ મારી મા છે. મારી મા ઉપર હું બધા હક્ક કરું. પિતામાં પણ મેં માતૃ સ્વરૂપ જોયુ છે, મમ્મીમાં પિતૃ સ્વરૂપ જોયું છે. દરેક લોકોએ માતૃત્વ અનુભવ્યું હોય એ બધાને વંદન કરુ છું. જેણે મા નથી જોઇ હોતી તેના ઉપર પણ માના આશીર્વાદ હોય છે. આજે આપણે આ કાર્યક્રમ થકી માના પોંખણા કર્યા એ માટે હું અકિલા  પરિવારનો આભાર માનુ છું.

સંચાલક શ્રી વિરલ રાચ્છે હવે કાર્યક્રમનો દોર શ્રીમતિ હેમાબેન દેસાઇ તરફ આગળ વધાર્યો હતો. શ્રીમતિ હેમાબેનએ આશિત દેસાઇના ધર્મપત્નિ છે અને ખુબ જાણીતા ગાયીકા છે. તેમણે અકિલા પરિવારના નિમિષભાઇ, વિરલભાઇ સહિતની ટીમનો આવા સુંદર આયોજનમાં પોતાને સ્થાન આપવા બદલ આભાર માની કહ્યું હતું કે-મા એક શબ્દનો ગ્રંથ છે, નાનામાં નાનો છતાં મોટામાં મોટો મંત્ર છે. માનો અર્થ જીવન કોશમાં જોવાનો છે, જોડણી કોશમાં નથી. તમે બા કે મા બોલો એટલે મોઢુ ખુલી જાય, આપણું જીવન ખુલી જાય. મોરારીબાપુ કહે છે-મા છે એ પ્રવાહી છે અને બાપ એ ઘન સ્વરૂપે છે. જગતને જે કંઇ વહેતુ મળ્યું છે એ મા છે, ધરતીએ પાણી, ગાયત્રીએ આદ્યત્મીક વિદ્યા આપી, ગંગાએ પવિત્રતા આપી આ બધાને આપણે મા કહીએ. મા વિશે વિશ્વમાં ખુબ લખાયું છે. મા તો આપણા જીવનનું અવિભાજ્ય અંગ છે, એના માટે એક દિવસ ન હોય. આખી જિંદગી ઓછી પડે.

સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટા થઇ જાય છે ગાયબ, મા હથેળીમાં એવો જાદુઇ સ્પર્શ રાખે છે...

મા આપણા દરેક એકશનમાં હાજર જ હોય છે. મારો અનુભવ કહુ તો માએ કયારેક બાપનો રોલ પણ ભજવવો પડતો હોય છે. દિકરાને કડક થઇને કહેવું હોય તો મારા ભાગે જ આવે. શિસ્ત માટે હું આગ્રહી છું. આલાપ બાર વર્ષનો હતો ત્યારે તબલા શીખવા રિયાજ કરતો નહોતો. મેં તેને કહ્યું તું રિયાજ કરીશ પછી જ હું જમીશ. તે આખો દિવસ તબલાને અડ્યો નહિ. પણ છેલ્લે રાતે સાડા દસે એ તબલા લઇને બેસીગયો અને કહ્યું-મા તું જમીલ ે હું રિયાજ કરુ છું. આમ એને ડિસીપ્લીનમાં રાખવાનુંકામ મારે કરવું પડ્યું હતું. આજે પણ કરુ છું.

હેમાબેને કેટલીક સરસ પંકિત કહી-જીવન આખુ દરીયો છે, તોફાન ભેલેને આવે, બહાદુર છે એ જ ખરા જે એમાં નાવ ચલાવે, આવી હિમ્મત દિકરાને દઇ ખુદ અંદરથી ડરવાનું, ખુબ જ અઘરુ લાગે સાલુ મા થઇને ફરવાનું.

તેમણેઆગળ કહ્યું અત્યારની માનો થોડોક રોલ અલગ છે. વર્કિંગ મધર છે, બાળકોને ઇમોશનલ સપોર્ટ કરતાં ટેકનીકલ સપોર્ટની વધુ જરૂર છે. છોકરાઓને પ્લે સ્કૂલથી માંડી મોટા થાય ત્યાં સુધી ઓન લાઇન ભણવાનું છે. આ માટે અત્યારે મધર ટેકનીકલી વધુ પરફેકટ હોય છે. આજનો માતાનો રોલ માત્ર ઘર પુરતો સિમિત નથી. પૈસા માટે કૂખ ભાડે આપનાર પણ મા છે.

વિખ્યાત સંચાલક-દિગ્દર્શક વિરલ રાચ્છ પોતાના સંચાલનથી હમેંશા અકિલાની દરેક ઇવેન્ટ્માં ચાર ચાંદ લગાડે છે એ સોૈ કોઇ જાણે છે. વિરલે 'મોઢે બોલુ મા' કાર્યક્રમના મોંઘેરા અતિથી શ્રી તુષાર શુકલ સાથે સંવાદ શરૂ કર્યો હતો.

તુષાર શુકલએ સોૈ મિત્રોને સલામ  કરી કહ્યું કે પ્રાર્થના  જહા અને હેમાબેન આ બંનેએ એટલે કે એક દિકરી અને એક મા બેઉએ વાત મુકી. હું બાપ છું, પાછો મારી માનો દિકરોય છું. મારી મા નોકરી કરતી શિક્ષણ ક્ષેત્રમાં એ હતી. અમે તેના કામમાં પણ મદદરૂપ થતાં. અમે ઘઉમાંથી કાકરા વીણતા, વાસણ માંજીએ, માની થેલી ઉંચકી જોડે ચાલીએ, જમવાનું બનાવવામાં પણ રસ લઇએ.મેં બહુ નજીકથી માને જોઇ...પણ મા બહુ વહેલી ગુજરી ગઇ. એટલે બહુ રંજ રહી ગયો. એની પાસે સગવડ ઘણી હતી. એ કરાચીમાં હતી ત્યારે પોતાના વાહનમાં ભણવા જતી હતી. પણ અહિયા આવ્યા પછી અમદાવાદની લાલ બસમાં આવવા જવામાં જિંદગી પુરી થઇ ગઇ. એને કેન્સર થઇ ગયું. હવે અમારા બધા ભાઇ બહેન પાસે પોતાના વાહનો છે પણ બેસવા માટે મા નથી. મા જ્યારે હોય ત્યારે ન સમજાય, ન હોય ત્યારે તેનો મહિમા થાય. તેમાં કોઇ ગીલ્ટી ફીલ કરવા જેવું નથી, આ સહજ છે. કારણ કે બાળકોને મોટા થવાની ઉતાવળ હોય છે...મને આ બધુ જ્યારે સમજાયું ત્યારે મા જ નહોતી.

મારી મમ્મી બહુ સાદગીમાં માનતી, એમનું વ્યકિતત્વ સાવ સિમ્પલ. એ જમાનામાં મધર ડેની ઉજવણી નહોતી. પણ ત્યારે ઉજવણી વગર પણ એ એવું જીવી ગઇ કે અમારા જીવનમાં એમની વિશેષ જગ્યા છે. એ પછી મને સમજાયું કે માનો મહિમા જ અલગ છે. મારા દિકરાને સાયકલ ચલાવતાં પણ એની મમ્મીએ શીખવી હતી, હું નહોતો શીખવો શકયો. મમ્મી સાયકલ પાછળથી કેરીયરમાં પકડે અને પછી ધીમેથી છોડી દે ને બાળકનું કેરીયર પણ એ રીતે જ ઘડાય.

માનો એક દિવસ હોય તો એમાં ખોટુ નથી, એક પધ્ધતી છે એ સારુ છે. સોશિયલ મિડીયામાં લાગણીઓ ખુબ છલકી છે. મા હતી ત્યારે કેટલાયે ધ્યાન રાખ્યું એવા સવાલો પણ કોઇ કરે, પરંતુ હતી ત્યારે નહોતું રખાયું, હવે એ યાદ કરે છે તો શું વાંધો છે. આવા દિવસે માને યાદ કરે તો ખોટુ નથી. માને આવા કોઇ દિવસે યાદ કરો કે ન કરો એનો કોઇ મતલબ નથી, તમે છો એટલે મા છે જ. હવેના સમયમાં જે વાતો લખાશે એ જુદી હશે. કારણ કે હાલની મા દોડે છે,

નવી મમ્મીને હું સુપર મોમ કહુ છું. સંતાનને બહુ બધા એકસપોઝર આપવા મા દોડાદોડી કરે છે, સવારે સ્વીમીંગ પુલ, એ પછી ટેનીસ, ચિત્ર, કરાટે, આ બધુ પાછુ એકલાએ તૈયાર કરવાનું. છોકરૂ એક છે મમ્મી પપ્પા બે છે. હવે માતૃત્વ-પિતૃત્વ અને સંતાન સાથેના સમિકરણ બદલાશે. કયાંક સારુ પણ થશે. બાળકો વહેલા બધુ શીખતા થશે. નવી મમ્મીઓ કઇ રીતે ઉછેર કરે છે એ દસ પંદર વર્ષ પછી ખબર પડશે. હમણા પ્રયોગનો સમય છે એ એમને કરવા દઇએ. 

મને ગણિત નહોતું આવડતું છતાંમને એસએસસીમાં મારી મમ્મીએ ગણિત રખાવ્યું. એ દાખલા ગણે અને હું જોઉ, એ રીતે શીખુ. પછી પરિક્ષામાં ગણિતમાં મને ગુજરાતી કરતાં પણ સારા  માર્કસ આવ્યા. એનું નામ જ મા. હવે મા નથી તો એમ થાય છે કે ત્યારે ઘણું થઇ શકયુ હોત.

વિરલના એક સવાલના ઉત્તરમાં હેમાબેને કહ્યું હતું કે મારુ બાળપણ બીજે વિત્યું હતું, મુંબઇની મમ્મી થવું એ મારા માટે ખુબ અઘરૂ હતું. મારી મા કરાચીમાં હતી, પછી કચ્છમાં આવી. દસ વર્ષે મે પિતા ગુમાવ્યા. પાંચ ભાઇ બહેનને માએ જે રીતે ઉછેર્યા ત્યારે ખબર પડી કે માનો પાલવ શું છે. અમે બધા સરસ ગોઠવાયા છીએ. મારી માની એ ઇચ્છા નહોતી કે હું મુંબઇ આવું પણ ભાગ્ય મને અહિ લાવ્યું. આલાપ નાનો હતો ત્યારે મુંબઇમાં બહુ પડકારો હતાં.

વિરલે ચાહકો હેમાબેનના ગીત સાંભળવા ઇચ્છે છે તેમ કહેતાં શ્રીમતિ હેમાબેને ફરમાઇશ પુરી કરી 'પ્રથમ પ્રમાણ મારા માતાજીને કહેજો..' એવું સુમધુર સ્વરનું ગીત રજુ કર્યુ હતું.

એ પછી વિરલ રાચ્છના અનુરોધથી શ્રી તુષારભાઇએ મસ્ત કવિતા સંભળાવી હતી. વિદેશમાં વસતો દિકરો જ્યારે વતનમાં પોતાની માતા પાસે આવવા ઇચ્છે છે ત્યારે દિકરો કેવી વાતો કરે છે, કેવી લાગણીઓ છલકાવે છે, વિદેશમાં અને દેશમાં શું ફરક છે એ બધી જ વાતોને આવરી લેતી શ્રી તુષારભાઇની કવિતા સાંભળી અને ભાવકો-ચાહકો અને ખુદ અમેરિકાના અતિથિ સુશ્રી પ્રાર્થના જહાની આંખો પણ લાગણીથી ભીની થઇ ગઇ હતી.

અંતમાં પ્રાર્થના જહાએ પણ એક નોખી અનોખી કવિતા સંભળાવી હતી. તેણે કહ્યું હતું કે 'અકિલા'ના આ કાર્યક્રમમાં ઓનલાઇન આખુ વિશ્વ આપણી સાથે જોડાયું છે. ગુજરાતી વિશ્વ ભાષા બની ગઇ છે. પ્રાર્થનાએ મહેસાણી ભાષામાં ગીત રજૂ કર્યુ હતું. જેમાં ગામડાની સ્ત્રી કે જે મા હોય એની જીંદગીમાં એ ભણી શકી નથી, પણ ગણતર ખુબ છે, એને બધી ખબર છે, બહાર શહેરવાળા આવીને એને પુછે છે ત્યારે તે જે જવાબ આપે છે તે મહેસાણી ભાષામાં પ્રાર્થનાએ રજૂ કર્યો હતો-આ ડબ્બા જેવી જાત એમનો ઢોંકણો હત્તર છાપ, તને તો શું કહીએ ભઇ!...

અંતમાં વિરલ રાચ્છે અકિલાના શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા, ટીમ ગુજરાત્રીના શ્રી નિમીષભાઇ ગણાત્રા, મિલિન્દ ગઢવી અને હિરેન સુબા તથા પોતાના તરફથી સોૈ વાંચકો, ભાવકો, શ્રોતાઓનો આભાર વ્યકત કરી કાર્યક્રમને વિરામ આપ્યો હતો. અકિલાન્યુઝ.કોમ ફેસબૂક પેઇજ પર આપ આ કાર્યક્રમ ગમે ત્યારે માણી શકો છો.

કાગળ ઉપર તો શી રીતે છાપી શકાય બા,

પગલા તમારા ના હવે માપી શકાય બા,

ને કેવળ મઢાય કાચમાં અણસાર રહી શકે,

એને ફકત દિવાલ પર છાપી શકાય બા,

ખોલીને બેગ આટલુ મારાથી થઇ શકે,

તુ જ ઓઢણીને છાતીએ ચાંપી શકાય બા

કાર્યક્રમના અંતમાં સંચાલક શ્રી વિરલ રાચ્છે કવિશ્રી હરકિશન જોષીની ઉપરોકત પંકિતઓ રજૂ કરી હતી

  • મા વિશે કંઇ કહેવું એ કલમની કોમના ગજા બહારની વાત છે...

સંચાલક વિરલ રાચ્છે કવિશ્રી ભાવેશ ભટ્ટની એક જબરદસ્ત રચના રજૂ કરી હતી.

રોફ ભેર ફરતી મારી કલમે હાહાકાર મચાવ્યો છે, કદી લાગણીઓના નાના મોટા સોદાઓનું સ્ટીંગ ઓપરેશન કરે છે, કદી કાન પકડીને બહાર કાઢે છે ગાઢ સંબંધમાં છુપાયેલી ગુઢતાને,  પણ જ્યાં મા વિશે વાત આવે છે ને ત્યારે ભેદી મોૈન ધારણ કરી લે છે,

એ રૂપાંતર થઇ જાય છે એક સન્નાટામાં, એ બહુ સારી રીતે જાણે છે કે મા વિશે કંઇ કહેવું એ કલમની કોમના ગજા બહારની વાત છે

  • મા માટે પ્રાર્થનાની એક અદ્દભુત રચના

.પુરતુ નથી હોતુ ફકત નવરાતથી, મા મળી જા તુ મને નિરાતથી, નથી ભરવું આ ખોળામાં કશુયે માંગી માંગીને, નથી કરવા તમારા જાપ કોઇ વાત રાખીને, હક્ક માત્ર તારી પર, દોડમાં ડહોળાઇને હું નહિ કરું, તાર સોંગધ ખાઇને હું નહિ કરુ, મા તને ફરક પડશે રજૂઆતથી, નહિ થાય મારાથી અનુષ્ઠાનો ને ઉપવાસો, ગજાની બહાર છે સઘળુ ને નથી હવે શ્વાસો...સમયની સળ પડી વચ્ચે હવે તારા અને મારામાં, સ્થાપિત કર ફરીથી તું તારા ગર્ભનો નાતો, મા શરૂ કરને બધુ શરૂઆતથી...પુરતું નથી હોતું ફકત નવરાતથી

  • નવી મા સાચુ બોલે છે, જુની ખોટાબોલી હતીઃ આદિત્ય ગઢવીની હૃદયસ્પર્શી ટચૂકડી વાર્તા

.આદિત્ય ગઢવીએ કવિતા રજૂ કરવા સાથે એક નાનકડી વાર્તા રજૂ કરીહતી. જે આ મુજબ હતી. એક દસ બાર વર્ષના દિકરાની માતાનું મૃત્યુ થાય છે અને એ પછી થોડા સમય બાદ તેના પિતા બીજા લગ્ન કરે છે. થોડા દિવસ પછી એ છોકરાને તેનો ભાઇબંધ મળીને પુછુ છે કે તારી માતાના મૃત્યુ પછી નવી મા આવી છે તેનામાં અને તને જન્મ દેનારી મા વચ્ચે શું ફરક છે? ત્યારે એ દિકરો કહે છે કે ભાઇબંધ બીજુ તો કાંઇ નહિ, પણ જન્મ દેનારી મા ખોટાબોલી હતી, નવી મા સાચા બોલી છે!...ભાઇબંધ પુછે છે કે કેમ આવું? ત્યારે એ છોકરો કહે છે-હું તોફાન કરતો તો જનમ દેનારી કહેતી કે આજે ખાવાનું નહિ આપું, પણ એમ કીધા પછીય જમાડતી હતી પોતાના હાથે...પરંતુ નવી મા સાચુ બોલે છે, એ કહે કે આજે જમવા નહિ આપુ, તો એ સાચે નથી આપતી...

  • મધર્સ ડે અલગ અલગ દેશમાં અલગ અલગ દિવસે ઉજવાય છે

.સંચાલક વિરલ રાચ્છે વર્લ્ડ મધર્સ ડે છે શું? આવ્યો કયાંથી? એ વિશે વાત કરતાં કહ્યું કે વર્લ્ડ થીએટર ડે હોય, પોએટ્રી ડે હોય, એની માહિતી તમને ગૂગલમાં મળી રહેશે. પરંતુ મધર્સ ડેની કોઇ હિસ્ટ્રી નીશ્ચીત નથી. દરેક દેશમાં એ શરૂ થવા પાછળનું કારણ પણ જુદુ છે અને એની પાછળના ભાવ પણ અલગ છે. કયાંક ફેબ્રુઆરી, કયાંક માર્ચમાં. મોટા ભાગના દેશમાં મે મહિનામાં ઉજવાય છે. 

  • દાદાએ સુતા સુતા ગાયું અને તેમાંથી રિક્રીએટ કરવાનો, આજના યુવાધનને 'મા હેતવાળી' કવિતા આપવાનો આદિત્યને વિચાર આવ્યો

.વિરલે પુછ્યું કે આદિત્ય તને કવિશ્રી દલપતરામની કવિતા મા હેતવાળી...ને રિક્રીએટ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? ત્યારે આદિત્યએ કહ્યું-થોડા સમય પહેલા મારા દાદાએ સુતા સુતા આ કવિતા ગાઇ, મેં સાંભળી અને પુછ્યું તો એમણે કહ્યું દલપતરામની કવિતા છે, અમે (દાદા) નાના હતાં હતાં ત્યારે અમે સમુહમાં ગાતાં. એમણે જે સ્ટાઇલથી ગાયું એ જ મેં મગજમાં રાખી લીધું. હાલની જનરેશનને આ સંભળાવી શકાય તેમ નક્કી કરી મેં કવિતા ગાઇ અને એપ્રિલમાં મારી યુ ટ્યુબ ચેનલ પર રજૂ કરી. મધર્સ ડે ન હોવા છતાં માતાના સ્નેહની આ કવિતાને સોૈએ વધાવી લીધી. આ દરેક વ્યકિતનો મા પ્રત્યેનો, કવિ દલપતરામ પ્રત્યેનો અને સાહિત્ય પ્રત્યેનો પ્રેમ છે.

  • ઓસ્ટ્રેલિયા-મસ્કત સહિત દેશ-વિદેશથી ભાવકો જોડાયા

'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રી' પ્રસ્તુત દરેક કાર્યક્રમોમાં દેશ-વિદેશથી ચાહકો જોડાય છે. મોઢે બોલુ મા કાર્યક્રમમાં ઉત્પલ નાણવાટી ઓસ્ટ્રેલિયાથી સવારે ૩ વાગ્યે કાર્યક્રમ માણી રહ્યા અને આવા કાર્યક્રમો આપવા બદલ 'અકિલા ટીમ'ને થેન્કયુ કહ્યું હતું. મસ્કતથી મનિષભાઇ શેઠે...સોૈને આભાર માન્યો હતો. અનેક ચાહકો-ભાવકો જોડાયા હતાં અને ભાવવિભોર થયા હતાં.

  • મમ્મી મને લેવા તારે આવવાનું નહિ...!
  • વિખ્યાત કવિ-લેખક શ્રી તુષાર શુકલએ રજૂ કરેલી આ રચનાએ સોૈને ભાવવિભોર કરી દીધા હતાં

રજા મળ્યાની જ્યારે જાણ હું કરુ, શું લેતો આવું એવું સોૈને પુછું, બોલે નહિ કાઇ મને જોતી રહે, ફેસટાઇમ પર કેમ આંસુ લુછુ, જોઇ મને લોહી તારે બાળવાનું નહિ, મમ્મી મને લેવા તારે આવવાનું નહિ, એરપોર્ટ પર મને જોઇને જાણુ છું હું મને કહેવાની છો શું? કેવો થઇ ગ્યો છે સાવ ખાતો નથી? તારો એ દેશ સમજાતો નથી, લડવા ને રડવાનું સમજાશે નહિ, મમ્મી મને લેવા તારે આવવાનું નહિ, આંખોમાં આંસુ જોઇ જાણી જશે સોૈ મમ્મી છે મારી એવું ભલે ન કહું, કંઇ નથી રહેવુ ત્યાં આવી જા તું ભુખ્યા રહીને કમાવુ છે શું? સાંભળે બધાય એમ સંભળાવવાનું નહિ, મમ્મી મને લેવા તારે આવવાનું નહિ, થ્રી વીકસ માટે હું આવવાનો ઘેર, ઉતારીશ થાક અહિનો કરીશ હું લ્હેર, સુવાનો મોડો ઉઠીશ હું લેઇટ, ચાર ટાઇમ જમીશ હું કરી બે પેટ, એ પહેલા કાંઇ મને કહેવાનું નહિ, મમ્મી મને લેવા તારે આવવાનું નહિ, મમ્મી અહિયા બેઉ ટંક કોઇ ન જમે, સેન્ડવીચીસ કોફી લઇ દોડતા ભમે, ડબ્બા તોડી ખાય ડીનર તો રોજ, તેલ ને મસાલાની છુટી ગઇ મોજ, સ્વાદ વિશે  કંઇ તારે પુછવાનું નહિ, મમ્મી મને લેવા તારે આવવાનું નહિ, ભુખ્યો છે પોપટ પણ તરસ્યો નથી, દેશ ભેગો વેશ એવું કહેતી તુ સમજી ગયો છો એનો મતલબ છે શું, ખાવ છું જાણુ છુ ભાવવાનું નહિ, મમ્મી મને લેવા તારે આવવાનું નહિ, હું વિકેન્ડ પર ગ્રોસરી સ્ટોરમાં જાઉ છું જીરૂ ને વરીયાળી વચ્ચે મુંજાવ...કારણ વીના જ અહિ કરતો હરફર, સુગંધો વચ્ચે યાદ આવે છે ઘર, સમજાવું મનને સંભાળવાનું નહિ, મમ્મી મને લેવા તારે આવવાનું નહિ, અહિયાની ફાસ્ટ લાઇફ ટુકી પડે, આસુ કોણ લુછે જો આંખો રડે, મમ્મીના પાલવની વરતાતી ખોટ, મનાવુ મન જોઇ ડોલરની નોટ, જોઇ મને તારે ઓછુ આણવાનુ નહિ, મમ્મી મને લેવા તારે આવાવનું નહિ, મમ્મી કરી છે મે યાદી તૈયાર, સોૈથી ઉપર છે એમાં તારો કંસાર, એમ તો મળે છે અહિ પેકેટમાં ફૂડ, ખાવ તો છુંપણ જામે ન મૂડ, તારી રસોઇ જેવું ભાવપણ નહિ. મમ્મી મને લેવા તારે આવવાનું નહિ...બેગ ભરી નાસ્તો હું સાથે લઇ જઇશ, ઇમીગ્રેશન વાળાને એવું હું કઇશ, બેગ ભરીને લાવ્યો છું મમ્મીનો લવ, મમ્મી મળે તો મળે તુ જ ભવોભવ, મુકવા તું આવજે પણ રડવાનું નહિ...મમ્મી મને લેવા...

(10:26 am IST)